યુવા બાબતો અને રમત મંત્રાલય
ઓડિશા અને છત્તીસગઢના 200થી વધુ આદિવાસી યુવા વિદ્યાર્થીઓ ગુજરાતની મુલાકાતે
સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં 16મો આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ અમદાવાદ ખાતે યોજાયો
અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈનની પ્રોત્સાહક ઉપસ્થિતિ
આદિવાસી યુવા વિનિમયનો મુખ્ય હેતુ લોકોની વિચાર શૈલી, ખાણી-પીણી તેમજ સંસ્કૃતિ વિશે જાણી, દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવી શકાય: સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
Posted On:
18 JAN 2025 8:44PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારનાં ગૃહ મંત્રાલય, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર અમદાવાદ દ્વારા આયોજિત 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ ગુજરાત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિકોલ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં છત્તીસગઢ અને ઓડિશાના કુલ 200થી વધુ યુવક- યુવતીઓ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે.
આ પ્રસંગે સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ યુવાનો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આપ સૌનું ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા સપૂતો આપનાર ગુજરાતની પાવન ધરા પર સ્વાગત કરું છું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આદિવાસી યુવા વિનિમયનો મુખ્ય હેતુ દેશના અન્ય રાજ્યના આદિવાસી યુવા મિત્રો વિવિધ રાજ્યોની મુલાકાત લઈ જે-તે રાજ્યના લોકોની વિચાર શૈલી, ખાણી- પીણી તેમજ સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી શકે છે જેનાથી દેશની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવી શકાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો થકી છેવાડાના ગામડાના આદિવાસી યુવાનોની સાથે વિનિમય સાધી વિચારોની આપ-લે દ્વારા જીવનમાં સકારાત્મકતા લાવી શકાય છે અને કોઈ નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરવામાં મદદરૂપ નીવડી શકાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ યુવાનો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આપ સૌ ગુજરાતમાં વિવિધ સ્થળોની મુલાકાત લેજો અને સાત દિવસ પૂર્ણ થયા બાદ આપના પ્રતિભાવો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને પત્ર લખીને જણાવજો.
મંત્રી શ્રી એ વિવિધ રાજ્યોમાંથી પધારેલ આદિવાસી યુવાનો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવેલ આદિવાસી નૃત્ય તથા ગુજરાતના યુવાનો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવેલ ગરબાનો રંગારંગ કાર્યક્રમ માણ્યો હતો અને તમામ યુવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈને સ્વાગત પ્રવચન કર્યું હતું અને વિવિધ રાજ્યમાંથી પધારેલા આદિવાસી યુવાન વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓડિશા, અને છત્તીસગઢથી પધારેલા 200થી વધુ આદિવાસી યુવાન વિદ્યાર્થીઓ આવતા સાત દિવસ એટલે કે 24 જાન્યુઆરી 2025 સુધી ગુજરાતની મુલાકાતે છે, તેઓને કાંકરિયા, ગાંધી આશ્રમ, મહાત્મા મંદિર, અમદાવાદ ફ્લાવર શો, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિવિધ સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે અને ગુજરાતની સંસ્કૃતિ તેમજ વારસાથી પરિચિત કરાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત રાજ્ય નિર્દેશક શ્રી દુષ્યંતભાઈ ભટ્ટ, શ્રી પ્રિતેશ કુમાર ઝવેરી, શ્રીમતી મનસાબહેન, જિલ્લા યુવા અધિકારી સિલવાસા તેમજ અનેક અધિકારીશ્રીઓ કાઉન્સિલરશ્રીઓ અને અનેક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2094225)
Visitor Counter : 26