ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ વડનગરની મુલાકાતે


તા. 16 જાન્યુઆરીનાં રોજ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ

Posted On: 15 JAN 2025 2:21PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે છે. જેમાં તેઓ તા. 16 જાન્યુઆરી, 2025નાં રોજ ઐતિહાસિક શહેર એવા વડનગરની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ પોતાની મુલાકાત દરમિયાન વડનગરમાં મ્યૂઝિકલ મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા કરશે.

7મી સદીમાં વડનગરની મુલાકાત લેનારા ચીની પ્રવાસી ઝુઆનઝાંગે બૌદ્ધ ધર્મની ઉપસ્થિતિનું દસ્તાવેજીકરણ કર્યું અને બૌદ્ધ પ્રવૃત્તિનાં અગ્રણી કેન્દ્ર તરીકે વડનગરની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમજ વેપાર માર્ગોની સાથે વડનગરનાં વ્યૂહાત્મક સ્થાને હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને ઇસ્લામ જેવા ધર્મો સહિત બહુલવાદી પરંપરાઓને પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારે ગૃહ મંત્રી શ્રી શાહ અહીનાં પુરાતત્વીય અનુભવ સંગ્રહાલયનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત શ્રી અમિત શાહ વડનગર ખાતે  રમતગમત સંકુલનું ઉદ્ઘાટન અને ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે.  પ્રેરણા સંકૂલનું ઉદ્ઘાટન અને કામની સમીક્ષા કરશે.

ઉપરાંત શ્રી અમિત શાહ જાહેર સભા સંબોધન કર્યા બાદ ઐતિહાસિક સ્થળ એવા શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન અને પૂજન કરશે. બપોરે 3-00 કલાકે શ્રી અમિત શાહ મહેસાણા હાઇવે ખાતે આવેલી ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત 18માં પદવીદાન સમારોહમાં હાજરી આપશે.

વડનગર એ ભારતના સૌથી પ્રાચીન જીવંત વારસાગત નગરોમાંનું એક છે, જ્યાં 2500 વર્ષથી વધુ સમયથી સતત માનવ વસવાટ છે. વડનગરને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે જેમ કે અનર્તપુર, આનંદપુર, ચમત્કારપુર, સ્કંદપુર અને નાગરકા. આ નામોનો ઉલ્લેખ પુરાણો, મહાભારત, રામાયણ અને જૈન આગમોનાં ગ્રંથોમાં જોવા મળે છે. અહીં આપણને વડનગરમાં કીર્તિ તોરણ, હાટકેશ્વર મહાદેવ મંદિર અને શર્મિષ્ઠા તળાવ જેવા ઉલ્લેખનીય વાસ્તુકલા અને ઐતિહાસિક સ્થળો આવેલા છે.

વડનગર પર સંશોધન વિશે:

વડનગર પર સૌપ્રથમ વખત વ્યાપક બહુ-વિષયક સંશોધન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. સંશોધન પ્રોજેક્ટમાં IIT ખડગપુર, IIT ગુવાહાટી, IIT ગાંધીનગર, IIT રૂરકી અને અન્ય સહિત અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગનો સમાવેશ થાય છે. વડનગરમાંથી મળેલા અવશેષોની વૈજ્ઞાનિક તિથિ નિર્ધારણથી વડનગરની સંભવિત પ્રાચીનતા 1400 ઈસા પૂર્વે સુધીનાં હોવાનું સૂચવે છે, જેને વધુ પ્રમાણિત કરવામાં આવી રહ્યાં છે. સિરામિક્સ, કાચ, પથ્થરની માળા અને ધાતુની કલાકૃતિઓ જેવા પુરાતત્વીય અવશેષો પરનાં વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે વડનગર વ્યાપક દરિયાઈ અને વેપાર સંબંધો સાથે એક જીવંત આર્થિક કેન્દ્ર હતું. વૈજ્ઞાનિક સંશોધનમાં પાણી વ્યવસ્થાપન, કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન (ભૂકંપ) અને જળવાયુ પરિવર્તન અનુકૂલન જેવા ક્ષેત્રોમાં ટકાઉ પ્રથાઓ અને સ્થિતિસ્થાપકતાની એક પેટર્ન દર્શાવવામાં આવી છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2093030) Visitor Counter : 48