માહિતી અને પ્રસારણ મંત્રાલય
પીએમ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ આજે દેશ કરવટ બદલી રહ્યો છેઃ સાંસદ શ્રી હસમુખભાઈ સોમાભાઈ પટેલ
પીએમ નરેન્દ્ર મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં દેશના વિવિધ 40 સ્થળોએથી 51,000થી વધુ ઉમેદવારોને સરકારના વિવિધ વિભાગો માટે નિમણૂક પત્રો એનાયત કરાયા, જેમાં અમદાવાદમાં 76 ઉમેદવારોને નિમણૂક પત્રો મળ્યા
નવનિયુક્ત યુવાઓએ પ્રધાનમંત્રીના વિકસિત ભારત@ 2047ના મિશનમાં પોતાનું યોગદાન આપવા માટે તક મેળવીઃ ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર
Posted On:
29 OCT 2024 4:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં દેશના વિવિધ 40 સ્થળોએથી 51,000થી વધુ ઉમેદવારોને સરકારના વિવિધ વિભાગો માટે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. રોજગાર મેળાના ફેઝ-2ના પ્રથમ ચરણ અંતર્ગત અમદાવાદમાં શાહીબાગ ખાતે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં યોજાયેલા રોજગાર મેળા દરમિયાન કુલ 76 ઉમેદવારોને સરકારના વિવિધ વિભાગો માટે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ તમામ 76 યુવક-યુવતીઓને સરકારના પોસ્ટ વિભાગ, રેલવે, ઈનકમ ટેક્સ વિભાગ, સીઆઈએસએફ સહિતના વિભાગોમાં નોકરી માટે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે લોકસભા સાંસદ હસમુખભાઈ સોમાભાઈ પટેલ, સાંસદ દિનેશ મકવાણા, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર, પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ, ધારાસભ્યો કૌશિકભાઈ જૈન, દિનેશભાઈ કુશવાહા, હર્ષદભાઈ પટેલ, પાયલબેન કુકરાણી, કંચનબેન રાદડીયા, દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોના હસ્તે સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે નિમણૂક પત્રો કાર્યક્રમમાં ઉપસ્થિત ઉમેદવારોને એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાંસદ શ્રી હસમુખભાઈ સોમાભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દુરંદેશીપૂર્ણ સપનું કે દેશના લાખો યુવાનોને રોજગારી મળે, સરકારી નોકરી મળે, એ સપનું સાકાર થવા લાગ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ આજે દેશ કરવટ બદલી રહ્યો છે.
આ સાથે સાંસદ શ્રી પટેલે નવનિયુક્ત યુવાઓને ધનતેરસના પાવન પર્વની શુભકામનાઓ આપીને પ્રેરણાદાયી સંબોધન કરતા કહ્યું હતું કે અત્યાર સુધી આપણે સરકાર પાસેથી અપેક્ષા રાખી હતી કે તે આપણને સુવિધા આપે, રોજગારી આપે અને આજે હવે સરકારી નોકરી તમને મળી રહી છે ત્યારે સરકાર અને ખાસ તો દેશની અપેક્ષા છે કે તમે દેશના વિકાસમાં, ઉત્થાનમાં તમારું બહુમૂલ્ય યોગદાન આપો. આજે ધનતેરસના પાવન દિવસે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવી રહ્યા છે એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે.
જ્યારે ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ વી. ગણેશ વી. સાવલેશ્વરકરે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતેના રોજગાર મેળાના કાર્યક્રમમાં કહ્યું હતું કે યુવાનો માટે આજનો ધનતેરસનો પાવન દિવસ સૌથી વધુ ખુશાલીપૂર્ણ બની રહ્યો છે. આ યુવાનોએ હવે પ્રધાનમંત્રીના વિકસિત ભારત@ 2047ના મિશનમાં પોતાનું યોગદાન આપવા માટે તક મેળવી છે.
AP/GP/JD
(Release ID: 2069217)
Visitor Counter : 96