આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત “17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પો-2024”નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ
“શહેરી પરિવહનના નિરાકરણોના સ્ટાન્ડર્ડાઈઝેશન અને ઑપ્ટિમાઈઝેશન" વિષય પર કોન્ફરન્સનું આયોજન
“બેસ્ટ પ્રેક્ટીસીસ પ્રોજેક્ટ ઇન અર્બન ટ્રાન્સપોર્ટ” માટે 9 કેટેગરીમાં પુરસ્કાર અપાશે
8 ટેકનિકલ સેશન, 9 રાઉન્ડ ટેબલ, 8 રીસર્ચ સિમ્પોઝીયમ, એક પ્લેનરી સેશન યોજાશે
Posted On:
25 OCT 2024 4:27PM by PIB Ahmedabad
ગાંધીનગર ખાતે 25 થી 27 ઓક્ટોબર દરમિયાન “17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પો-2024” યોજાશે. આ સંમેલનનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલના હસ્તે થયું. આ પ્રસંગે ભારત સરકારના હાઉસિંગ એન્ડ અફેર્સના સચિવ શ્રી શ્રીનિવાસ આર કટિકિથલા, ગુજરાત સરકાર, ગૃહ રાજ્ય મંત્રી અને ટ્રાંસપોર્ટ મંત્રી હર્ષ સંઘવી, ગુજરાત સરકારના સચિવ રાજકુમારે દીપ પ્રગટાવીને કોન્ફરન્સનો શુભારંભ કર્યો હતો. ભારત સરકારના હાઉસિંગ એન્ડ અફેર્સના સચિવ શ્રી શ્રીનિવાસ આર કટિકિથલા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું.
"શહેરી પરિવહનના નિરાકરણોના સ્ટાન્ડર્ડાઈઝેશન અને ઑપ્ટિમાઈઝેશન" વિષય પર આયોજિત 17મી UMI કોન્ફરન્સ અને એક્સ્પોનું ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ઇન્સ્ટિટ્યુટ ઑફ અર્બન ટ્રાન્સપોર્ટ, ગુજરાત સરકાર અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના સહકારથી આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના પ્રવચનમાં કહ્યું કે, શહેરી વિકાસ માટેના બજેટને વધારવામાં પ્રધાનમંત્રીએ વિશેષ ધ્યાન આપ્યું છે. શહેરી વિકાસનું બજેટ, 23 વર્ષ પહેલા જે 700 કરોડ હતું તે આજે 21000 કરોડ છે. ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, 2010માં સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરુ કરી હતી. અમદાવાદમાં બનેલ રિવરફ્રન્ટ પીએમ મોદીની દીર્ધદ્રષ્ટીનું પરિણામ હોવાનું જણાવી આજે, રિવરફ્રન્ટ દેશ-દુનિયાની ઓળખ બની ગયું હોવાની વાત પર ભાર મુક્યો. આ ઉપરાંત પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં બીઆરટીએસ સેવા શરુ થઈ છે, જે ગેમ ચેન્જર સાબિત થઈ છે અને અન્ય શહેરોમાં પણ તેનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ઉપરાંત ભૂપેન્દ્રભાઈએ મોટા શહેરોમાં મલ્ટી લેવલ પાર્કિંગની સુવિધાની વાત કરી લોકોની સુવિધામાં વધારો કરવાની બાબતને મહત્વ આપ્યું.
મુખ્યમંત્રીએ મેટ્રો સેવા શરુ કરવા અર્બન મોબિલિટીને નવું પાસું હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે, મેટ્રો આજે લોકોની લાઈફલાઈન બની રહ્યું છે. ગ્રીન ટ્રાંસપોર્ટને પ્રોત્સાહન આપવા ઈ બસ અને સીએનજી બસને પ્રાધાન્ય આપવાની વાત પર જોર આપી તેમણે પોતાની વાત પૂરી કરી હતી.
સચિવ શ્રી શ્રીનિવાસ આર કટિકિથલા આ ત્રિદિવસીય કોન્ફરન્સ અને એક્સ્પોની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું કે, "શહેરી પરિવહન ઉકેલોના માનકીકરણ અને ઓપ્ટિમાઇઝેશન" વિષય પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે ખાસ કરીને ભારતીય સંદર્ભમાં શહેરી ગતિશીલતાને ઓપ્ટિમાઇઝ કરવા માટેના ધોરણોમાં સુમેળ પર ભાર મૂકશે. તેમાં મેક ઇન ઇન્ડિયા નીતિ, પરિવહન આયોજન માટે બિગ ડેટાનું મહત્ત્વ, ભારતમાં ઇ-બસ ઇકો-સિસ્ટમ, મેટ્રો સિસ્ટમમાં ખર્ચનાં બેન્ચમાર્કિંગ, ઇ-બસ સંક્રમણનાં સંબંધમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં સિદ્ધાંતો, નવીન ફાઇનાન્સિંગ અને શહેરી પરિવહનમાં પડકારોને ધ્યાનમાં રાખીને શહેરી પરિવહનમાં વિવિધ માધ્યમોનાં સંકલન, બહુપક્ષીય અને દ્વિપક્ષીય ભંડોળનાં સંકલન માટે માળખાગત કાર્ય પર ચર્ચા કરવામાં આવશે
સચિવ શ્રી શ્રીનિવાસે વધુમાં જણાવ્યું કે, ત્રિદિવસીય પ્રદર્શનમાં ભારત અને વિદેશમાં શહેરી પરિવહનના ઉત્તમ પ્રકારો, અદ્યતન શહેરી પરિવહન ટેકનોલૉજી, સેવાઓ અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં વર્તમાન સ્થિતિનું નિદર્શન કરાવવામાં આવશે. જેમાં મેટ્રો રેલ કંપનીઓ, જાહેર અને ખાનગી ક્ષેત્રના લગભગ 76 જેટલા પ્રદર્શકો ભાગ લેશે. આ કોન્ફરન્સ અને એક્સ્પોમાં વિશ્વની પ્રતિષ્ઠિત 9 સંસ્થાઓ નોલેજ પાર્ટનર તરીકે સહભાગી થશે. જેમાં GIZ, એશિયન ડેવલપમેન્ટ બેંક, યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક, કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર-CEEW, WRI ઇન્ડિયા, ધી અર્બન કેટલીસ્ટ, TERI, ન્યૂ ડેવલપમેન્ટ બેંક અને CEPT-અમદાવાદનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે, આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં 8 ટેકનીકલ સેશન, 9 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, 8 રીસર્ચ સિમ્પોઝીયમ અને એક પ્લેનરી સેશન સહિતના વિવિધ સેશનો યોજાશે. મેટ્રો રેલ કંપનીઓના મેનેજિંગ ડિરેકટરશ્રીઓ માટે એક વિશેષ સત્ર હશે, જેમાં વિવિધ મેટ્રો રેલ સંસ્થાઓ દ્વારા પાલન કરવામાં આવતી ઉત્તમ કાર્ય પધ્ધતિઓ વિશે પ્રત્યક્ષ જાણકારી મળશે.
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી અને ટ્રાંસપોર્ટ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, તમામ રાજ્યોએ એક શ્રેષ્ઠ પ્રયાસ કર્યા છે જે અહીં અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પો-2024 રજૂ કરવામાં આવ્યા છે, જેના થકી ટ્રાંસપોર્ટને લગતા નવા નિર્ણયો અંગે માર્ગદર્શન મળશે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતમાં ત્રિપલ એસ હેઠળ કામ કરી અર્બન મોર્બેલિટીની આગળ વધારી રહ્યાં છીએ. આ ઉપરાંત ટેક્નિકથી મદદથી શહેરી સુવિધાજનકમાં વધારો થઈ શકે અને તે દિશામાં વધુ કામ કરીશું તેમ જણી સાર્વજનિક પરિવહન સેવા વધુને વધુ ઉપલબ્ધ કરાવવીની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. હર્ષ સંઘવીએ કહ્યું કે, અમદાવાદમાં દરરોજ લાખ જેટલાં લોકો મેટ્રોનો ઉપયોગ કરે છે, ગાંધીનગરમાં હાલમાં જ મેટ્રો સેવા શરુ થઈ છે જ્યાં લગભગ ત્રીસ હજાર લોકો પરિવહન સુવિધાનો ઉપયોગ કરે છે.
હર્ષ સંઘવીએ આ તકે કહ્યું કે, એક એપ્લિકેશન શરુ કરાશે જે એન્ડ ટૂ એન્ડ પરિવહન સુવિધા આપશે. આ ઉપરાંત હાલ ગુજરાતમાં હજારથી વધુ સીએનજી બસ, 300થી વધુ ઈ બસ દોડે છે ત્યારે વધુ 1729 સીએનજી-ઈ બસ શરૂ કરાશે તેમજ જણાવ્યું. આ ઉપરાંત ડસ્ટ ફ્રી રોડનો સંકલ્પ, સાયકલિંગને પ્રોત્સાહન આપવાના પ્રયાસ કરાશે તે વાત પર પણ ભાર મુક્યો. હર્ષ સંઘવીએ કહ્યું કે, વધુને વધુ લોકો પબ્લિક ટ્રાંસપોર્ટનો ઉપયોગ કરે તે દિશામાં ગુજરાતના પ્રયાસ કરાશે.
આ કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, પ્રતિનિધિઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, નીતિ નિર્માતાઓ, મેટ્રો રેલ કંપનીઓના મેનેજિંગ ડિરેકટરશ્રી, ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ્સના ચીફ એક્ઝિક્યુટિવ્સ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, વ્યાવસાયિકો સહિત ૩,૦૦૦ જેટલા સહભાગીઓ ઉપસ્થિત રહેશે. આ અગાઉ ગુજરાતમાં વર્ષ 2016માં પણ “9મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પો”નું સફળ આયોજન થયું હતું.
આ કોન્ફરન્સનો સમાપન સમારોહ તા. 27 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરના અધ્યક્ષ સ્થાને તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી તોખન સાહૂ અને ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. સમાપન સમારોહ દરમિયાન “બેસ્ટ પ્રેક્ટીસીસ પ્રોજેક્ટ ઇન અર્બન ટ્રાન્સપોર્ટ”ના વિજેતા રાજ્ય અને શહેરી સત્તામંડળને કુલ 9 કેટેગરીમાં પુરસ્કાર એનાયત કરશે.
AP/GP/JD
(Release ID: 2068123)
Visitor Counter : 66