માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

યુવાઓએ વિકસિત ભારત @2047નાં સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થવું જોઈએ: કુલસચિવ ડૉ. આર.સી.ગઢવી


કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે બે દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

Posted On: 22 OCT 2024 4:53PM by PIB Ahmedabad

કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત @2047 વિષય પર ચિત્ર પ્રદર્શનનું આજે કુલસચિવ શ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય પ્રદર્શન તમામ  લોકો  નિઃશુલ્ક જોઈ શકશે. ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થના હૉલ ખાતે આયોજિત ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન આજે કુલસચિવ શ્રી ડૉ આર. સી. ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે યુવાનોએ કટિબદ્ધ થવું જોઈએ. અહીં પ્રદર્શનમાં રજૂ કરેલી માહિતી પરથી પણ કોઈ સંશોધનનો વિષય મળી શકે તો એ કરવું જોઈએ. ભારતનાં વિકાસ બાબતે જાત અનુભવનું વર્ણન પણ તેમણે કર્યું હતું. 

કાર્યક્રમનાં ઉદ્ઘાટન પૂર્વે "એક પેડ મા કે નામ" અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ આપી હતી.

પ્રદર્શનમાં વિદ્યાર્થીઓનો સહભાગ વધારવા માટે કાયદાશાસ્ત્ર અને જૈવ વિજ્ઞાન વિભાગમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિજેતાઓને અતિથીઓના હસ્તે પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં રાખવામાં આવેલી પ્રતિજ્ઞા સેલ્ફી બુથે આકર્ષણ જમાવ્યું હતું.

આ પ્રદર્શનમાં કેંદ્ર સરકારનાં વિકસિત ભારત @2047 નાં સંકલ્પને પૂર્ણ કરવા માટે લાગુ કરેલી લોકકલ્યાણની વિવિધ યોજનાઓ, વિવિધ ક્ષેત્રોનું પ્રદાન અને અન્ય માહિતી રજૂ કરવામાં આવી છે. સાથે જ રોજગાર વિનિમય કચેરી અને પોસ્ટ વિભાગ દ્વારા મુલાકાતીઓને તેમની કામગીરીની માહિતી આપવામાં આવી હતી.

આ પ્રદર્શનને સફળ બનાવવા અમૃતભાઈ સોનેરી અને રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.

AP/GP/JD


(Release ID: 2067056) Visitor Counter : 63