ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS), સુરત બ્રાન્ચ ઑફિસે 14મી ઑક્ટોબર 2024ના રોજ માનક મહોત્સવ તરીકે વિશ્વ માનક દિવસની ઉજવણી કરી

Posted On: 15 OCT 2024 5:38PM by PIB Ahmedabad

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS), સુરત બ્રાન્ચ ઑફિસે 14મી ઑક્ટોબર 2024ના રોજ માનક મહોત્સવ તરીકે વિશ્વ માનક દિવસની ખૂબ ઉત્સાહ સાથે ઉજવણી કરી. હોટેલ લે મેરિડિયન, સુરત ખાતે યોજાયેલી ઉજવણીમાં વિવિધ હિતધારકોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. ઉદ્યોગના પ્રતિનિધિઓ, શિક્ષણવિદો, સ્ટાન્ડર્ડ ક્લબના વિદ્યાર્થીઓ, સરકારી સંસ્થાઓના સભ્યો અને ઉત્પાદકોના સંગઠનો, BIS અધિકારીઓ સહિતના લોકોએ સક્રિય હાજરી આપી હતી.

કાર્યક્રમની થીમ, "સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG)-9: ઉદ્યોગ, નવીનતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર," દિવસના પ્રેજેંટેશન અને ચર્ચાઓ દ્વારા ટકાઉ વિકાસ હાંસલ કરવામાં ધોરણોની નિર્ણાયક ભૂમિકા પર પ્રકાશ પાડે છે. સેમિનાર દ્વારા ઉત્પાદનો અને સેવાઓમાં ગુણવત્તા વધારવા માટે સામૂહિક પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી હતી.

મુખ્ય અતિથિ, શ્રી અનુપમ સિંહ ગેહલોત (IPS), પોલીસ કમિશ્નર, સુરત ભારતના ઔદ્યોગિક વિકાસ અને રાષ્ટ્રીય વિકાસમાં BIS ની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકતા સભાને સંબોધીત કરી હતી. તેમણે ઉપભોક્તા સલામતી અને આર્થિક પ્રગતિ સુનિશ્ચિત કરવા સ્ટાન્ડર્ડના મહત્વ વિશે વાત કરી, ટુ-વ્હીલર સવારો માટે રક્ષણાત્મક હેલ્મેટ, માર્ગ અને ટ્રાફિક સલામતીના પગલાં અને જાહેર સુખાકારીમાં સુધારો કરતા અન્ય રોજિંદાના જીવન ને ટકાવ બનાવવાના ઉદાહરણો ટાંક્યા હતા.

કાર્યક્રમમાં SVNITના I/C નિયામક ડૉ. જે.એન. પટેલ અને શ્રી જગદીશ પટેલ, ચીફ ફાયર ઓફિસર, સુરત જેવા સન્માનિત અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા સલામતી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉપણામાં સ્ટાન્ડર્ડના મહત્વની ચર્ચાએ ઊંડાણ ઉમેર્યું હતું. આજ કડીમાં જોડતા શ્રી વિજય મેવાલા, અધ્યક્ષ, એસ.સી.સી.આઈ તેમના  ઉદ્બોધનમાં જણાવ્યું કે જો અપણે વૈશ્વિક સ્તરે ચીન સામે પ્રતિસ્પર્ધી બનાવું હોય, તો ઉત્પાદનોને BIS પ્રમાણન હેઠળ લાવી  અને તેમની ગુણવત્તાનું ઉચ્ચ સ્તર જાળવી રાખવું પડશે.

BIS સુરત શાખાના વરિષ્ઠ નિદેશક અને પ્રમુખ શ્રી એસ.કે. સિંઘે રોજિંદા જીવનમાં સ્ટાન્ડર્ડની સુસંગતતા અને ટકાઉપણું હાંસલ કરવામાં તેમની ભૂમિકા વિશે વક્તવ્ય આપ્યું હતું. શ્રી નિખિલ રાજ ડેપ્યુટી ડિરેક્ટર, BIS સુરત શાખા દ્વારા BISની વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી અને સુરત બ્રાન્ચ દ્વારા હિતધારકોને અસરકારક રીતે જોડવા માટે હાથ ધરાયેલા પ્રયાસોની ઝાંખી રજૂ કરાઇ હતી.

SVNITના સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર ડૉ. જી. જે. જોશીએ જાહેર પરિવહન અને માર્ગ સલામતીના મહત્વ પર ટેકનિકલ વાર્તાલાપ રજૂ કર્યો, જેમાં માર્ગ અકસ્માતોને કારણે થતા આર્થિક નુકસાનને રોકવામાં અને પરિવહન ક્ષેત્રે સ્થિરતામાં સ્ટાન્ડર્ડ કેવી રીતે મદદ કરે છે તેના પર ભાર મૂક્યો. શ્રી કલ્પેશ દવે, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડના જી.એમ.ક્વોલિટી દ્વારા ટકાઉ વિકાસના લક્ષ્યો અને ટકાઉપણું હાંસલ કરવામાં લેવાયેલા પગલાંઓમાં ઉદ્યોગની ભૂમિકા વિશે આકર્ષક રજૂઆત કરી હતી.

લાસ્ય કલાવૃંદ ગ્રુપ, સુરતના સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા કાર્યક્રમને વધુ જીવંત કરવામાં આવ્યો હતો. વિવિધ પુરસ્કારો અને સ્મૃતિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ઓલ ઈન્ડિયા ફર્સ્ટ લાયસન્સ, ક્વિઝ કોમ્પિટિશનના વિજેતાઓ, કી રિસોર્સ પર્સન્સ અને સ્ટાન્ડર્ડ ક્લબના વિદ્યાર્થીઓ માટે એક્સપોઝર વિઝિટના  આયોજનમાં ટેકો આપનાર ઉત્પાદકોનો સમાવેશ થાય છે.

કાર્યક્રમ 17 યુ.એન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) ના મહત્વના સ્મૃતિપત્ર સાથે સમાપ્ત થયો, જેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ગરીબી નાબૂદ, પૃથ્વીનું રક્ષણ અને બધા માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો છે. કાર્યક્રમમાં વૈશ્વિક લક્ષ્યોને હાંસલ કરવા માટે સામૂહિક ભાગીદારીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉજવણી એક અદ્ભુત સફળતા હતી, જેણે તમામ હાજર લોકોને ધોરણો, પરસ્પર વિશ્વાસ અને સહકારની શક્તિ દ્વારા વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે તેમની પ્રતિબદ્ધતા કાર્યરત રાખવા માટે પ્રેરણા આપી હતી

AP/GP/JD


(Release ID: 2065035) Visitor Counter : 60