જળશક્તિ મંત્રાલય
azadi ka amrit mahotsav

હજારો લોકોએ વરસાદી પાણીનાં સંગ્રહ માટે ગામેગામ બોર કરવાનો સંકલ્પ લીધો


કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલનાં નેતૃત્વમાં સુરત ખાતે ‘કર્મ ભૂમિ સે જન્મભૂમિ’ ‘જલ સંચય-જન ભાગીદારી’ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ-નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

2047 સુધીમાં વિકસિત ભારતનાં લક્ષ્યને હાંસલ કરવા માટે દેશનાં દરેક ઘરને વિકસિત બનાવવું પડશે અને એ માટે શુદ્ધ પેયજળ અનિવાર્ય છે: કેન્દ્રીય જલ શક્તિ મંત્રી

કૅચ ધ રેઈન-વ્હેન ઈંટ ફૉલ્સ-વ્હેર ઈટ ફોલ્સ- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું આ ગુજરાત મૉડલ સમગ્ર દેશ અને દુનિયામાં લાગુ થઈ રહ્યું છે: શ્રી સી. આર. પાટીલ

રાજસ્થાનનાં દરેક ગામ માટે દાતા પણ મળી ગયા છે, જળ સંચય માટે દેશનું એક પણ ગામ બાકી ન રહે એ માટે શ્રી પાટીલની હાકલ

Posted On: 13 OCT 2024 7:37PM by PIB Ahmedabad

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી.આર પાટીલનાં નેતૃત્વમાં સુરતનાં ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ‘કર્મ ભૂમિ સે જન્મભૂમિ’ ‘જલ સંચય-જન ભાગીદારી’ કાર્યક્રમ યોજાયો હતો જેમાં હજારો લોકોએ પોતપોતાનાં ગામ અને વતનમાં જ નહીં પણ કર્મભૂમિ ખાતે પણ વરસાદી પાણીના સંગ્રહ માટે ગામેગામ બોર બનાવવાનો સંકલ્પ લઈને જળ સંચયમાં જન ભાગીદારીનાં વિશાળ મૂલ્યને જોડ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવ, રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રી ભજનલાલ શર્મા અને બિહારના નાયબ મુખ્યમંત્રી શ્રી સમ્રાટ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક સંબોધન કર્યું હતું. આ ઉપરાંત ગુજરાત સરકારના વરિષ્ઠ પ્રધાનો, ધારાસભ્યો, સુરતના મેયર અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહને સંબોધતા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે કહ્યું કે કૅચ ધ રેઈન-વ્હેર ઈંટ ફૉલ્સ-વ્હેન ઈંટ ફૉલ્સ- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આ ગુજરાત મૉડલ આજે સમગ્ર દેશ અને દુનિયામાં અપનાવાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય મૂક્યું છે એ લક્ષ્યને હાંસલ કરવા દેશનાં દરેક ઘરને વિકસિત બનાવવું પડશે અને એ માટે શુદ્ધ પીવાનું પાણી અનિવાર્ય છે. આ અનિવાર્યતાને સમજીને જ, કોઇએ કલ્પના પણ ન કરી હોય એ રીતે છેલ્લાં 5 વર્ષમાં 15 કરોડ ઘરોમાં નળથી જળ પૂરું પાડવામાં આવ્યું છે. સ્વચ્છતા માટે છેલ્લા એક દાયકામાં 11 કરોડ ઘરોમાં શૌચાલયોનું નિર્માણ થયું છે.

શ્રી પાટીલે કહ્યું કે સમગ્ર વિશ્વની વસ્તીની 18% અને પશુધનની પણ 18% વસ્તી ભારતમાં છે પણ પીવાનાં પાણીનાં 4% સ્ત્રોત જ આપણા દેશમાં આવેલાં છે, એટલે જો અત્યારથી પાણી માટે આપણે આયોજન ન કરીએ તો આવનારી પેઢીને આપણે પારાવાર નુકસાન પહોંચાડીશું.

તેમણે કહ્યું કે હવે બોર પાણી કાઢવા નહીં પણ વરસાદી પાણી ભરવા માટે બનાવાઈ રહ્યાં છે. રાજસ્થાનનાં દરેક ગામમાં પાણી ઉતારવા 4 બોર બનાવવાનો સંકલ્પ લેવાયો છે. એવી જ રીતે મધ્ય પ્રદેશમાં ચૌદ હજાર બોર કરવાનો સંકલ્પ લેવાયો છે. ગુજરાતમાં બંધ પડેલા 14000 બોરને રિચાર્જ કરવાની યોજના માટે તેમણે રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. શ્રી પાટીલે કહ્યું કે જળ સંચય માટે પ્રધાનમંત્રી શ્રી મોદીના પ્રયાસોથી દેશમાં ઘણી જાગૃતિ આવી છે પણ એમાં પાયાનો પથ્થર જન ભાગીદારી છે. ડેમ બનાવવામાં વર્ષો નીકળી જાય ત્યારે તેમણે સૌને કમ સે કમ એક ગામ દત્તક લેવા અને બોર કરવા હાકલ કરી હતી. રાજસ્થાનનાં તો દરેક ગામ માટે દાતા પણ મળી ગયાં છે. તેમણે કહ્યું કે જળ સંચયમાં એકેય ગામ બાકી ન રહેવું જોઈએ. પ્રધાનમંત્રી મોદી કદી નાનું વિચારતા જ નથી. ગુજરાતમાં પણ 2 લાખથી વધુ બોર કરીને જળ સંચય કરીશું. તેમણે જલ શક્તિને લઈને પ્રધાનમંત્રી દ્વારા ટૂંક સમયમાં સારા સમાચાર અપાશે એવો સંકેત પણ આપ્યો હતો.

AP/GP/JD


(Release ID: 2064552) Visitor Counter : 82