યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

પોરબંદરમાં 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સ્વચ્છાગ્રહીઓ-સફાઈ કર્મીઓનું સન્માન કરાયું


સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્વચ્છ ભારત દિવસ ઉજવણીના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળતાં નાગરિકો

Posted On: 02 OCT 2024 5:31PM by PIB Ahmedabad

'સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા'ની થીમ હેઠળ 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત  ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉજવણીમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયા, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષ અને સ્વચ્છતા હી સેવા અભિયાનના સાત વર્ષ નિમિત્તે આજે વર્ષ 2024ની 2 ઓક્ટોબરે સમગ્ર દેશમાં  સ્વચ્છ ભારત દિવસની ઉજવણી થઈ રહી છે.જે અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકોએ પોરબંદર ખાતે નિહાળ્યું હતું. સ્વચ્છતા પરનું પ્રધાનમંત્રી શ્રીનું પ્રેરણાદાયી પ્રવચન સૌ મહાનુભાવો અને નાગરિકોએ ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી એ એવું વ્યક્તિત્વ છે, જેમણે દેશ સહિત સમગ્ર વિશ્વને દિશાદર્શન આપ્યું છે. ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઇ અનેક દેશોએ ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવ્યો છે. સ્વચ્છતા એક સ્વભાવ બને, સ્વચ્છતા એક જીવનશૈલી બને એ માટે ગાંધીજીએ અનેક પ્રયાસો કર્યા છે. જે સરાહનીય છે. સશક્ત રાષ્ટ્ર નિર્માણ માટે સ્વચ્છ રાષ્ટ્ર હોવું જરૂરી છે.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થકી વિકસિત ભારતના રોડ મેપનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ભારત જ્યારે પોતાની આઝાદીનું શતાબ્દી વર્ષ પૂર્ણ કરે ત્યારે તેને વિકસિત બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. પ્રધાનમંત્રીશ્રી ના પાંચ પ્રણ વિકસિત ભારતનો રોડ મેપ તૈયાર કરશે આ રોડ મેપનો એક મહ્ત્વનો ભાગ સ્વચ્છતા છે.

અમૂલ્ય ભારતીય વારસાનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતીય લોકો પાસે જંગી વિરાસતનો અમૂલ્ય ખજાનો પડ્યો છે. આપણી જીવનશૈલી, રીતરિવાજ, ઉપાસનામાં વિજ્ઞાન સમાયેલું છે. સ્વચ્છતા હી સેવા અભિયાનથી 'સ્વસ્થ દેશ, સ્વચ્છ દેશ'ની વિભાવના સાકાર થશે.

'સ્વચ્છ ભારત દિવસ'ની ઉજવણીના અવસરે મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ભાગીદારી થકી સ્વચ્છતા એટલે કે સ્વચ્છ ભારત માટે જાહેર જનતાની ભાગીદારી અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે કુતિયાણાને શ્રેષ્ઠ તાલુકા એવોર્ડ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત રાણાવાવ તાલુકાને શ્રેષ્ઠ કામગીરી એવોર્ડ, સ્વચ્છતાલક્ષીત એકમોની સંપૂર્ણ સ્વચ્છતા અંતર્ગત નાગરિકોની સહભાગીદારીથી મેગા ક્લિનિંગ ડ્રાઈવ તેમજ બ્લેક સ્પોટનું નિશ્ચિત સમયમાં ટ્રાન્સફોર્મેશન કરી વૃક્ષારોપણ કરી સંપૂર્ણ પરિવર્તનની શ્રેષ્ઠ કામગીરી બદલ ઘોડદર અને સોઢાણા ગ્રામ પંચાયતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

તેમજ 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત જનભાગીદારી સાથે સફાઈ કામગીરી કરનાર વૉર્ડ નં-9, વૉર્ડ નં-10 અને વૉર્ડ નં-12ના અનુક્રમે પ્રભાબહેન, દક્ષાબહેન અને સરલાબહેનનું સન્માન કરાયું હતું અને પોરબંદરના કમલાબાગ, કિર્તીમંદિર અને બગવદર પોલીસ સ્ટેશનને સ્વચ્છતાલક્ષી કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયત અને ગ્રામ્ય સફાઈ કર્મચારીઓ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

'સ્વચ્છ ભારત દિવસ'ની ઉજવણીમાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, પોરબંદર-છાંયા નગરપાલિકા પ્રમુખ શ્રી ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી.ધાનાણી,જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી.ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.એમ.રાયજાદા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયમમાં રેખાબા સરવૈયા, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનન ચતુર્વેદી સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

AP/GP/JD



(Release ID: 2061138) Visitor Counter : 43