માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

વિશ્વ પ્રસિધ્ધ અંબાજી મેળામાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા આયોજીત મલ્ટીમીડિયા પ્રદર્શનનો આજથી શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ


અંબાજી મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે એક જ સ્થળે સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓની જાણકારી તેમજ માર્ગદર્શન આપવાનું ઉમદા આયોજન : શ્રી મિહિર પટેલ, જિલ્લા કલેકટર શ્રી

વિકસિત ભારત @2047 વિષય અંતર્ગત જન કલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો અંગે એક જ સ્થળ પરથી જાણકારી આપતા મલ્ટીમીડિયા પ્રદર્શન સાથે વિવિધ પ્રવૃતિઓનું આયોજન

Posted On: 16 SEP 2024 6:39PM by PIB Ahmedabad

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા આયોજિત વિકસિત ભારત @2047 વિષય અંતર્ગત ભારત સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની જાણકારી અને માર્ગદર્શન અંબાજીના મેળામાં આવેલ શ્રદ્ધાળુઓને એક જ જગ્યાએથી મળી રહે એ હેતુથી આ મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન કરતા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા ત્રિદિવસીય મલ્ટિમિડીયા પ્રદર્શનના ઉદ્દેશ્ય ને સાર્થક કરવા વધુમાં વધુ મેળાના શ્રદ્ધાળુઓ મુલાકાત લઈ જાણકારી મેળવે એ માટે જાહેર અપીલ કરું છું સાથે પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસ નિમિત્તે આવતીકાલથી શરૂ થતા સ્વચ્છતા અભિયાન "સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા" અંતર્ગત સ્વચ્છતાનો અભિગમ આપણા જીવનમાં સંસ્કારની જેમ વળી લેવા સાથે જ સ્વચ્છતા માટેના વ્યક્તિગત પ્રયાસોની સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત સ્વચ્છતા પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અંબાજીમાં આવતા શ્રદ્ધાળુઓને માટે અપીલ કરી હતી.

આ ઉપરાંત ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દાંતા, બનાસકાંઠા દ્વારા પોષણ માસ અંતર્ગત આંગણવાડી માંથી વિના મૂલ્યે લાભાર્થીને આપવામાં આવતા THR  પેકેટમાંથી વાનગી બનાવીને નિદર્શન કરવામાં આવેલ. અને વિજેતા વર્કર બહેનોને કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા પુરસ્કૃત કરવામાં આવી હતી વધુમાં મુખ્ય સેવિકા જયશ્રીબેન સુથાર દ્વારા પોષણ માસની ઉજવણીની પાંચ થીમની જાણકારીની સાથે એનિમિયા નિયંત્રણ, પૂરકઆહાર, "પોષણ ભી,પઢાઈ ભી" વૃદ્ધિ દેખરેખ અને સુશાસન પારદર્શિતા અને કાર્યક્ષમ સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ આ પાંચ વિષય પર આ પોષણ માસમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને મહિલા અને બાળકોના આરોગ્ય માટે માતૃશક્તિ, પૂર્ણા શક્તિ અને બાલ શક્તિનો ખોરાકમાં ઉપયોગ અને તેના પોષણ મૂલ્ય વિશે સમજણ આપી હતી.

આ ઉપરાંત ગુજરાત યોગ બોર્ડના ઝોન કો ઓર્ડીનેટર શ્રી અજીતભાઇ પટેલ દ્વારા જાહેર જનતા માટે બનાસકાંઠા જિલ્લામાં તેમજ ગુજરાતમાં ચાલતી શારીરિક તેમજ માનસિક વિકાસ માટે વિવિધ યોગ પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી સાથે યોગ થકી યુવાનોને આર્થિક ઉપાર્જન સાથે ઉજ્વળ કારકિર્દી માટે પૂરી પાડવામાં આવતી તકોની સંપૂર્ણ જાણકારી પણ આપી હતી આ ઉપરાંત બનાસકાંઠા યોગ કો ઓર્ડીનેટર સ્મિતાબેન જોષી, યોગ ટ્રેનર શ્રી હેતલબેન જોષી, તારા બા બારડ દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા પણ માનનીય જિલ્લા કલેકટર શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુરના સહયોગથી "સ્વચ્છ ભારત અભિયાન"  "સ્વચ્છતા હી સેવા" અંતર્ગત કાર્યક્રમ સ્થળ ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ સ્થળ પર બનાસકાંઠા જિલ્લા યુવા પરિવાર દ્વારા  સ્વચ્છતા અભિયાન અંતર્ગત મનોરંજક નાટકનું મંચન કરવામાં આવ્યું હતું

વધુમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુરના ક્ષેત્રિય પ્રચાર અધિકારી જે. ડી ચૌધરી આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું કે 18 તારીખ સુધી અંબાજી ખાતે ચાલનાર આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન, યોગ ઉત્સવ , ડિજિટલ ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા તેમજ ભારત સરકારની ફ્લેગશિપ યોજનાઓ અંતર્ગત સ્પર્ધાઓ, મનોરંજક કાર્યક્રમો, મલ્ટિમિડીયા પ્રવૃતિઓનું આયોજન જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવશે.

આ મલ્ટિમિડીયા પ્રદર્શનના પૂર્વ પ્રચાર કાર્યક્રમોમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા દાંતા તાલુકાની વિવિધ સંસ્થાઓમાં આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને માનનીય કલેક્ટરશ્રી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત વિભાગ દ્વારા કાર્યક્રમ સ્થળ ઉપર વિકસિત ભારત@2047 અંતર્ગત કેલેન્ડર કાગળની બેગ તેમજ વિવિધ સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં  કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા સ્વચ્છ ભારત અંતર્ગત વિવિધ પ્રવુતિઓ આયોજન કરવામાં આવશે, તેમજ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવશે.

આ ત્રણ દિવસીય પ્રદર્શનમાં જાહેર જનતાને નિઃશુલ્ક પ્રવેશ રહેશે. જેનો વધુને વધુ લોકો લાભ મેળવે તે માટે મેળાના મુલાકાતીઓને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરવામાં આવી હતી.

AP/GP/JD


(Release ID: 2055414) Visitor Counter : 76