સહકાર મંત્રાલય

‘સહકારથી સમૃદ્ધિ’ તરફ આગળ વધતું ગુજરાત


પંચમહાલ ક્ષેત્રની સહકારી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા બેઠક કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી અમિત શાહ

102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે ગોધરામાં ‘પંચામૃત ડેરી કોર્પોરેટ ઓફિસ’નું લોકાર્પણ કર્યું

મહુલીયા ખાતે ખેડૂત સભાસદોના ખબર અંતર પૂછીને સહકારી માળખા તરફથી વિકસિત કરાયેલી સેવાઓનું નિરીક્ષણ કર્યું

સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ

Posted On: 06 JUL 2024 7:32PM by PIB Ahmedabad

કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે ગોધરા ખાતે 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણીમાં સહભાગી બની પંચમહાલના સહકારી ક્ષેત્રના વિવિધ  પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા બેઠક કરી હતી.

સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે તેમના ગોધરા પ્રવાસ દરમિયાન સૌપ્રથમ ગોધરા તાલુકાના મહુલીયા મુકામે પહોંચ્યા હતા. અહીં તેમણે ધી આંગળીયા અર્થક્ષમ સેવા સહકારી મંડળીના સભ્યો સાથે વાર્તાલાપ કરીને સહકારી માળખા તરફથી વિકસિત કરાયેલી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અહીંના ખેડૂત સભાસદોને રૂબરૂ મળીને તેમના હાલચાલ પૂછીને પરિચર્ચા પણ  કરી હતી.

ત્યારબાદ કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી શાહે પંચમહાલ ડેરીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે રાજ્યના સહકારિતા મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. 50 કરોડના ખર્ચે નવનિર્મિત ‘પંચામૃત ડેરી કોર્પોરેટ ઓફિસ’નું લોકાર્પણ કર્યું હતું. તદુપરાંત તેમણે પંચામૃત ડેરીની વિકાસયાત્રા અને ઉપલબ્ધિઓના પ્રદર્શનને નિહાળ્યું હતું. આ સમયે વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચામૃત ડેરીના ચેરમેનશ્રી જેઠાભાઈ ભરવાડ તેમજ ડેરીના મેનેજિંગ ડિરેક્ટરશ્રી મિતેષ મહેતાએ પંચમહાલ ડેરીની વિકાસયાત્રા અને ઉપલબ્ધિઓ વિશે શ્રી અમિત શાહને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ તેમણે ડેરી ખાતે જિલ્લાના સહકારી સંસ્થાઓના અગ્રણીઓ સાથે સહકાર ક્ષેત્રની ચર્ચાઓ કરી હતી.

કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના ગોધરા પ્રવાસ વખતે  લોકસભાના સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર, ધારાસભ્યશ્રી સી.કે રાઉલજી,કેન્દ્રીય સહકાર મંત્રાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓ,

જિલ્લા અગ્રણીશ્રી અશ્વિનભાઈ પટેલ, કલેક્ટરશ્રી આશિષકુમાર,જિલ્લા પોલીસ વડાશ્રી હિમાંશુ સોલંકી, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત સહકારી સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા.

AP/GP/JD



(Release ID: 2031285) Visitor Counter : 46