માહિતી અને પ્રસારણ મંત્રાલય

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ડુમસની પી.આર. કોન્ટ્રાક્ટર કન્યા વિદ્યાલયમાં યોજાશે


કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

Posted On: 20 JUN 2024 5:13PM by PIB Ahmedabad

વિશ્વ યોગ દિવસની ઉજવણી પૂર્વે નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ કેળવવા અનેકવિધ કાર્યક્રમોનું  આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા ડુમસ ખાતે આવેલી પી.આર. કોન્ટ્રાક્ટર કન્યા વિદ્યાલયમાં આજે "પોતાના અને સમાજ માટે યોગ" વિષય પર ચિત્ર, નિબંધ અને યોગ નિદર્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શરીર અને મનનું સંતુલન એટલે યોગ. યોગ એ તન-મનનું વિજ્ઞાન છે. શારીરિક-માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી સમાન ભારતની પરંપરાગત યોગવિદ્યાને વિશ્વએ અપનાવ્યો છે. જે દેશવાસીઓને ગૌરવ લેવા જેવી બાબત છે. યોગની લોકપ્રિયતામાં વધારો કરવા, સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી જીવનશૈલીને લગતી વિકૃતિઓને દૂર કરવામાં યોગનું મહત્વ રહેલું છે. આ વાતને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે. જેમાં ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રીય કાર્યાલય, સુરત દ્વારા ડુમસની પી. આર. કોન્ટ્રાક્ટર કન્યા વિદ્યાલયમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે આજે શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.

35 જેટલી વિદ્યાર્થિનીઓએ યોગ નિદર્શન કરી યોગ પ્રત્યેની પોતાની લાગણી રજૂ કરી હતી. આં. રા. યોગ દિવસની ઉજવણી બાદ આ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ક્ષેત્રીય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા, રોશન પટેલ, શાળાનાં આચાર્ય પદ્માબેન, શિક્ષકો ભૂપેન્દ્રસિંહ રાઠોડ વગેરે જહેમત ઊઠાવી રહ્યાં છે.

AP/GP/JD



(Release ID: 2027093) Visitor Counter : 31