માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા


નવસારી લોકસભાનાં સચિન નિર્દિષ્ટ વિસ્તાર અને કનકપુરમાં મતદાન માટે શપથ લેવડાવી

Posted On: 26 APR 2024 6:13PM by PIB Ahmedabad

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા તેમજ વધુને વધુ મતદાતાઓ મતદાન કરે તે માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સચિનના નિર્દિષ્ટ વિસ્તારમાં અને કનકપુરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવસારી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ સચિન નિર્દિષ્ટ વિસ્તારમાં સાંજે 4 વાગે મતદાર જાગૃતિ કાર્યક્રમ દ્વારા સ્થાનિકોને એકત્રિત કરી ૧૦૦% મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. જ્યારે બીજો કાર્યક્રમ કનકપુર બગીચામાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી કલાકાર વિકાસ મંડળ, અમદાવાદ દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મનોરંજનની સાથે સરળ ભાષામાં મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે જ લોકોએ અચૂક મતદાન કરવા માટે શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મતદાન મથકમાં રાખવામાં આવતી તકેદારી, ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ મોબાઈલ એપ્લિકેશન જેવી કે સક્ષમ, વોટર હેલ્પલાઇન અને સી વિજિલ એપની જાણકારી આપવામાં આવી હતી. અહીં મતદાર માર્ગદર્શિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સિગ્નેચર વૉલ પણ રાખવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે પ્રશ્નોતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને અતિથીઓના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં નિર્દિષ્ટ વિસ્તાર જીઆઈડીસી, સચિનનાં ચીફ ઓફીસર શ્રી પ્રિયાંકન મેણત, પ્રવીણભાઈ ગામણા, ફાયર ઓફિસર સનતકુમાર સોની, રોટરી આરસીસી, સચિનનાં સ્થાપક ચેરમેન પ્રકાશભાઈ ભાવસાર, આરસીસી પ્રમુખ પવન જૈન, સુરત મનપાનાં ચૂંટણી શાખાનાં હર્મેશભાઈ પટેલ, શ્રીકાંત ચૌધરી, નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગૌરવ પડાયા ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રીય સંચાર બ્યુરોના ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા, રોશનભાઈ પટેલ અને અમૃતભાઈ સોનેરીએ જહેમત ઊઠાવી હતી.

AP/GP/JD



(Release ID: 2018955) Visitor Counter : 97