સંસ્કૃતિ મંત્રાલય

ભારતે ક્યારેય પોતાના સૈનિકોને કોઈ ભૂખંડ જીતવા નથી મોકલ્યા, ભારતીયોએ દુનિયાના મન અને આત્મા જીત્યા છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી


રાજભવનમાં આજે ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી સાથે અન્ય છ પ્રદેશોના સ્થાપના દિવસ ઉજવાયા: તમામ પ્રદેશોના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો

Posted On: 24 JAN 2024 7:18PM by PIB Ahmedabad

ભારતે ક્યારેય પોતાના સૈનિકોને કોઈ ભૂખંડ જીતવા નથી મોકલ્યા. ઇતિહાસ સાક્ષી છે કે, ભારતે પોતાના ધર્મગુરુઓ, સંતો, મનીષીઓને દુનિયાના મન અને આત્મા જીતવા, દુનિયાના સુખ અને આનંદની વૃદ્ધિ માટે મોકલ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતે હંમેશા સૌ સુખી થાય, સૌ નિરોગી રહે, સૌનું કલ્યાણ થાય એવી જ વિભાવના રાખી છે. સુખેથી જીવવાનું એક જ સૂત્ર છે એકતા. જ્યાં  એકતા છે ત્યાં જ સુખનો અને આનંદનો વાસ છે.

આજે 24મી જાન્યુઆરીએ ભારતના જનસંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ છે. રાજભવનમાં ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત ભવ્ય સમારોહમાં બોલતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શનમાં રાજ્યના તમામ રાજભવનોમાં તમામ રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની ભાવના સાથે થઈ રહેલી ઉજવણીમાં ભિન્ન-ભિન્ન પ્રદેશોના નાગરિકો ભેગા થઈ રહ્યા છે. એકબીજાની નજીક આવી રહ્યા છે. સંગઠિત થઈ રહ્યા છે. બધા ભારતીયો એક પરિવારના સભ્ય છે, આ દેશ આપણા સૌનો છે. એવી લાગણી વધુ સુદ્રઢ બની રહી છે.

ઉત્તર પ્રદેશના નાગરિકોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભગવાન શ્રીરામની જન્મભૂમિના રાજ્યમાં વસતા સૌ નાગરિકોને રામ જન્મભૂમિ મંદિરની રચના અને શ્રીરામ લલ્લાની સ્થાપનાની વધામણી અને શુભેચ્છાઓ. ઉત્તર પ્રદેશ આધ્યાત્મિકતાનો પ્રદેશ છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ આ રાજ્યમાં જ જન્મ લીધો. ગંગા-યમુના-સરસ્વતી જેવી મહાન પવિત્ર નદીઓ આ રાજ્યમાં વહે છે.

મણીપુર, મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ ગઈ 21મી જાન્યુઆરીએ હતો અને ગુજરાતને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશો; દાદરા અને નગર હવેલી, દમણ તથા દીવનો સ્થાપના દિવસ 26 જાન્યુઆરીએ છે. આ તમામ પ્રદેશોના સ્થાપના દિવસની સંયુક્ત ઉજવણી આજે રાજભવનમાં કરવામાં આવી હતી. આ અવસરે ઉત્તર પ્રદેશ, દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, મણિપુર તથા દમણ અને દીવના ગુજરાતમાં વસતા નાગરિકોએ પોતપોતાના રાજ્યોના નૃત્ય અને ગીતો પ્રસ્તુત કર્યા હતા.

YP/JD



(Release ID: 1999298) Visitor Counter : 79