માનવ સંસાધન વિકાસ મંત્રાલય

ભુજમાં ‘પરાક્રમ દિવસ’ અને ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

Posted On: 23 JAN 2024 8:11PM by PIB Ahmedabad

23 જાન્યુઆરી 2024ના રોજ કચ્છ જિલ્લામાં 'પરાક્રમ દિવસ' અને 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત ચિત્ર સ્પર્ધાનું આયોજન PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 2 આર્મી, ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. ભુજ શહેરની 18 શાળાના 100 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ શૌર્ય દિવસ અને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષામાં સફળતા માટે આપેલા મંત્રો પર આધારિત ચિત્ર સ્પર્ધામાં કેનવાસ પર પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.

આચાર્ય જીતેન્દ્રસિંહ રાવતે જણાવ્યું હતું કે, ચિત્ર સ્પર્ધાનું આયોજન સવારે 10 થી બપોરે 12 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા નક્કી કરાયેલા વિષયો પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પસંદગી પામેલા 5 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સેનાની, પરીક્ષા યોદ્ધાના પુસ્તકો અને પ્રમાણ પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અન્ય તમામ સહભાગીઓને ડિજિટલ પ્રમાણપત્ર અને એકઝામ વોરિયર બુક આપવામાં આવશે. આયોજક શાળા દ્વારા વિદ્યાર્થીઓને ચિત્રકામ માટેના ક્રેયોન રંગો અને આર્ટ પેપર પણ આપવામાં આવ્યા હતા.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષણ મંત્રાલય વિદ્યાર્થીઓની રચનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવા 23 જાન્યુઆરી 2024ના રોજ દેશભરની શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યું છે. આ દિવસને 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે, વિદ્યાર્થીઓને મહાન નેતાના જીવન વિશે પ્રેરણા આપવા અને તેમનામાં દેશભક્તિની ભાવના કેળવવા, વધુમાં, વિદ્યાર્થીઓમાં પરીક્ષાના તણાવને પહોંચી વળવા માટે એક અનોખી પહેલમાં, દેશભરમાં 500 વિવિધ કેન્દ્રીય વિદ્યાલયો (KVs) માં રાષ્ટ્રવ્યાપી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધાની થીમ ચંદ્રયાન, રમતગમતમાં ભારતની સફળતા, વિકસિત ભારત, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને આદિત્ય એલ-1 અને પ્રધાનમંત્રી પર લખાયેલ પુસ્તક 'એક્ઝામ વોરિયર'માં આપેલા મંત્રો પર આધારિત હતી. દેશભરના નોડલ કેન્દ્રીય વિદ્યાલયોમાં વિવિધ શાળાઓના 100 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં, નજીકની રાજ્ય બોર્ડની શાળાઓ અને જિલ્લાની CBSE શાળાઓના 70 વિદ્યાર્થીઓ, નવોદય વિદ્યાલયના 10 પ્રતિભાગીઓ અને જિલ્લાની નોડલ કેન્દ્રીય વિદ્યાલય તેમજ નજીકની કેન્દ્રીય વિદ્યાલયના 20 વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

YP/JD



(Release ID: 1998943) Visitor Counter : 82