યુવા બાબતો અને રમત મંત્રાલય

રાજપીપળા ખાતે નેહરૂ યુવા કેન્દ્રનો 15મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ-2024


ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં ઝારખંડ, ઓડીશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી 200 યુવાઓ અને 20 ટીમ લીડર સહભાગી બન્યા

Posted On: 06 JAN 2024 6:55PM by PIB Ahmedabad

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય ગૃહ મંત્રાલય ના સહયોગથી નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાતના માર્ગદર્શનમાં આજે-રાજપીપળા ખાતે 15મા આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમના ભાગરૂપે દેશના વિવિધ રાજ્યોમાંથી સહભાગી બનેલા યુવાનો સાથે રાજપીપળાના સરદાર ટાઉનહોલ ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં યુવા સંવાદ જન પ્રતિનિધિ સાથે મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો. 

આ કાર્યક્રમનો હેતુ સમજાવતા સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, આદિવાસી યુવાનોમાં આપણા રાષ્ટ્રીય જીવનના સાંસ્કૃતિક સિદ્ધાંતો, ભાષા, જીવનશૈલી, કૌશલ્ય વિકાસ, શિક્ષણ અને રોજગારની તકો ઉજાગર કરવા તેમજ સમાજ અને યુવાનોનો સર્વાંગી વિકાસ થાય, વિકાસની વિવિધ તકો મળે તે હેતુથી ભારત સરકારના યુવા મંત્રાલય તેમજ ગૃહ મત્રાલયના સહયોગથી નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત દ્વારા આદિવાસી યુવાનો માટે આ પ્લેટફોર્મ પુરૂં પાડ્યું છે. વિકાસની રફતારને આગળ ધપાવવા માટે શિક્ષણ સૌથી મહત્વનું પરિબળ હોય આદિવાસી સમાજનું યુવાનો નેતૃત્વ કરતા થાય તે માટે સૌને શિક્ષિત થવા ઉપર ભાર મૂક્યો હતો. સાથો સાથ વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે પ્રત્યેક નાગરિક ભાગીદારી નોંધાવે તે માટે યુવાનો અન્ય લોકોને માર્ગદર્શિત કરી ભારત સમૃદ્ધ રાષ્ટ્ર બને તે દિશામાં કાર્ય કરવા સૌને અપીલ કરી હતી.  

આ કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખ, નેહરૂ યુવા કેન્દ્ર સંગઠનના સ્ટેટ ડાયરેક્ટર શ્રીમતી મનિષાબેન શાહે પણ પ્રેરક માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિરિક્ષણ કરી યુવાનો એક ભારત-શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને જોવા-જાણવા સાથે સ્થાનિક આદિવાસી પોષાક, રહેણીકરણી અને પરંપરાગત ખોરાક અંગેની જાણકારી મેળવશે.

નેહરૂ યુવા કેન્દ્ર સુરતની યજમાનીમાં આયોજિત આ કાર્યક્રમમાં ઝારખંડ, ઓડીશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના જુદા જુદા જીલ્લા જેવા કે, ચતરા, ગિરીડીહ, લાતેહાર, વેસ્ટ સીન્ધભુમ, સરાઈકેલા-ખર્સાવન, મલકાનગીરી, કાલાહાંડી, વિશાખાપટ્ટનમ, ભાદ્નાદારી-કોથાણુદેમમાંથી કુલ 200 યુવાઓ અને તેમની સાથે 20 ટીમ લીડરો સહભાગી બન્યા છે.

રાજપીપળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજપીપળા નગર પાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, યુવા અગ્રણીશ્રી ગૌરાંગભાઈ બારિયા, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.બારડ, નહેરૂ યુવા કેન્દ્ર-નર્મદાના જિલ્લા યુવા  અધિકારીશ્રી સચિન શર્મા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી વિષ્ણુભાઈ વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દિલીપભાઈ દેસાઈ પ્રોગ્રામ ઓફિસર શ્રી ચંદ્રકાંત બક્ષી સહિત નહેરૂ યુવા કેન્દ્ર સાથે સંકળાયેલા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

YP/JD



(Release ID: 1993829) Visitor Counter : 121