માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કપડવંજના અલ્વા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો


“જે સ્વાવલંબી ના હોય તેનું શોષણ થાય. દેશના પ્રત્યેક નાગરિકને સ્વાવલંબી બનાવવા માટે જ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે” - કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ

Posted On: 27 DEC 2023 7:53PM by PIB Ahmedabad

સંકલ્પ જ શક્તિ, સંકલ્પ જ જ્યોતિ અને સંકલ્પથી જ નવી સવારની નેમ સાથે દેશના પ્રત્યેક ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. દેશના એક એક નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ અપાવી ભારતને વિકસિત ભારત બનાવવાના હેતુ સાથે ફરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આજરોજ કપડવંજ તાલુકાના અલ્વા ગામે સવાગત કરવામાં આવ્યું હતું. જે અન્વયે કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ અંતર્ગત પ્રધાન મંત્રીશ્રી દ્વારા દેશના વિવિધ રાજ્યના લાભાર્થીઓ જોડે ઓનલાઈન વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તેમણે દેશ વાસીઓને સંબોધિત કરીને સૌને ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ કર્યા હતા. તેઓના આ લાઈવ સંદેશનું નિદર્શન અલ્વા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત દેશ બનાવવાના સંકલ્પને સાકાર કરવાના આશયથી યોજાયેલ વિકસિત ભારત યાત્રાના હેતુને કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા સરળતાથી સમજવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં ભારતની એક આગવી ક્ષમતા દેશવાસીઓએ અને વિશ્વે નિહાળી છે. કોરોનામાં દેશવાસીઓની સારવાર હોય કે રસીની ઝડપી શોધ, આ તમામ કામગીરીએ ભારતને સક્ષમ નેતૃત્વ હેઠળ પૂર ઝડપે વિકસિત દેશ બનવા તરફ વેગ અને આત્મવિશ્વાસ આપ્યો છે.

દેશના વિકાસમાં વંચિતો પ્રત્યે સરકારની જવાબદારી સમજાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશ આગળ વધે પરંતુ દેશના ગરીબો સરકારી લાભોથી વંચિત રહી જાય તો વિકાસ સાર્થક ના કહેવાય. આજથી 10 વર્ષ પહેલાં સુધી ગરીબો સ્વાવલંબી ન હોવાને કારણે સરકારી યોજનાઓના લાભ માટે  વચેટિયાઓ પર નિર્ભર રહેતા હતા જેઓ તેમનું શોષણ કરતા. એટલે જ દેશના પ્રત્યેક નાગરિકને સ્વાવલંબી બનાવવા અને તેમના ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા સરકારે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે.

કાર્યક્રમ અંતર્ગત આયુષ્માન ભારતના લાભાર્થી દ્વારા મેરી કહાની, મેરી ઝુબાની દ્વારા પોતાને મળેલ લાભની વાત સૌ સમક્ષ મૂકી હતી. કાર્યક્રમના અંતમાં મહાનુભાવો દ્વારા આયુષ્માન ભારત કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ, આઇ સી ડી એસ ના વિવિધ લાભો, ઉજવલા યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગામમાં જલ જીવન મિશન યોજનાની સંતૃપ્તિ અને ઓડીએફ પ્લસ બનાવવાની કામગીરી માટે સરપંચશ્રીને પ્રમાણ પત્ર આપવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા કાર્યક્રમ સંદર્ભે યોજાયેલ વિવિઘ યોજના માટેના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી.

YP/JD

 



(Release ID: 1991039) Visitor Counter : 115