રસાયણ અને ખાતર મંત્રાલય
કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર દેશના 5 ટ્રિલિયન ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કરવામાં માતબર ફાળો આપશેઃ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા
કેમિકલ કેપિટલ ભરૂચમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ પર પ્રિ-વાઈબ્રન્ટ સમિટ સેમિનાર યોજાયો
શ્રી માંડવિયાએ ભરૂચ નગરીમાં રૂ 67 હજાર કરોડનું રોકાણને વધારીને રૂ. 5 લાખ કરોડ સુધીના એમઓયુ થવાની અપેક્ષા વ્યક્ત કરી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિ રહી
Posted On:
23 DEC 2023 6:59PM by PIB Ahmedabad
10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ની થીમ પર ભરૂચ ખાતે આયોજિત પ્રિ-વાઈબ્રન્ટ સેમિનારમાં કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ પોતાના પ્રાંસગિક સંબોધનમાં જણાવ્યું હતુ કે, કેમિકલ એ જીવન સાથે સંકળાયેલો એક ભાગ છે. કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર દેશના 5 ટ્રિલિયન ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કરવામાં માતબર ફાળો આપશે.
વધુમાં તેમણે વર્તમાન સરકારની ઔદ્યોગિક એકમો પ્રત્યેની નીતિની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, માત્ર કાગળ ઉપર નહિ વાસ્તવિકતાના આધારે નિર્ણય કરનારી આ અમારી સરકાર છે. પ્રાચીન નગરી મગધના આર્ચાય ચાણક્યને આ પ્રસંગે યાદ કરતાં શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે સંપતિ સર્જન કરનાર તથા રોજગાર ઉભા કરનાર લોકોનું સન્માન કરવું જોઈએ. કેમ કે, સંપતિ સર્જનથી દેશની તિજોરીમાં ટેકસ આવશે. જેનાથી સરકાર ખેડૂત તથા ગરીબ વર્ગના કલ્યાણ માટે નવી યોજના બનાવશે. આમ, વર્તમાન ડબલ એન્જિનની સરકાર આ દિશામાં આગળ વધી રહી છે.
વધુમાં તેમણે યુરોપ અને ભારતની વાત કરતાં જણાવ્યું કે, જે સમયે યુરોપમાં સાંજના 5 વાગ્યાનો સમય થયો હોય ત્યારે ભારતમાં સવારના 5 વાગ્યાનો સૂર્યોદયનો સમય થાય છે. આમ, ભારત સરકારની ઔદ્યોગિક પોલીસીના કારણે નવા નવા ઔદ્યોગિક રોકાણને કારણે ભારતમાં ખરેખર સૂર્યોદય થવાનો છે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
ભરૂચના ઐતિહાસિક ઉદ્યોગોના મહત્વને યાદ કરતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક હબ તરીકે નામના પામેલી ભરૂચ નગરીમાં રૂ 67 હજાર કરોડનું રોકાણને વધારીને રૂ. 5 લાખ કરોડ સુધીના એમઓયુ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે. આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે કેમ કે પ્રધાનમંત્રીશ્રીના વિઝનરી નેતૃત્વમાં ભારતમાં એગ્રિકલ્ચર, સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઇઓ પાર કરી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ડબલ એન્જિનની સરકારને પ્રધાનમંત્રીશ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા બે દાયકાથી મળી રહ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં તેમણે રોકાણોના ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા 2003માં વાઇબ્રન્ટ સમિટનું વિચારબીજ રોપેલું. પ્રધાનમંત્રીશ્રીના દિશાદર્શનમાં બે દાયકાની સફળતા પાર કરીને 2024માં ‘ગેટવે ટૂ ધ ફ્યુચર’ની થીમ સાથે આ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે.
આ પ્રસંગે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, 1962થી શરૂ થયેલી ગુજરાત યાત્રામાં અનેકવિધ પરિર્વતનો આવ્યા છે. વર્ષ 2003 બાદ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ વધુને વધુ યુવાનોને રોજગારીઓ ઉત્પન્ન કરતું એકમ બન્યું છે. વાઈબ્રન્ટ સમિટથી આપણી GDPમાં 8 ટકા જેટલો અગ્રણી ફાળો આપી રહ્યુ્ છે. રાજ્ય સરકાર ઈકો બિઝનેશ ફેન્ડલી પોલીસીના કારણે તથા કાયદો, અને વ્યવસ્થા ઉત્કૃષ્ટ જળવાયા છે. તેમાં સેમી કન્ડક્ટ પોલિસી અને ઈઝ ઓફ ડુંઈગ થકી અનેક ઘણો ગ્રોથ રાજ્યને મળ્યો છે.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં 33 ટકાથી પણ વધારે નિકાસ એકલું ગુજરાત રાજય કરે છે. સમગ્ર પેટ્રોલિયમ અને રસાયણમાં ફેકેટરીઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો થઈ ડબલ કેપેસિટીમાં ફેફ્ટરીઓ જોવા મળે છે. વાઈબ્રન્ટ સમિટથી ગુજરાતમાં મૂડીરોકાણ આજે 5 ગણુ થયું છે. અને કુલ ઉત્પાદન રેશિયો 7 ગણો થવા સાથે નેટ મૂલ્યમાં પણ 5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોમન ફેસિલિટીમાં તમામ બાબતો જોડી શકાય તે માટે સરકાર અસરકારક નિર્ણયો લઈ રહી ઉદ્યોગોની પડતર કોસ્ટ ઓછી થાય તેવા પ્રયાસો પણ કરી રહી છે. બલ્ક ડ્રગ પાર્ક, લોજિસ્ટ્રીક પાર્ક, સ્માર્ટ ફેસિલિટી થકી આ ઉદ્યોગોને અનેક ગણો ફાયદો આવનારા સમયમાં થવાનો છે.
આ પ્રસંગે કેમિકલ અને પેટ્રો કેમિકલ્સ ક્ષેત્રે રહેલી પ્રગતિના સોપાનો દર્શાવતી ઓડિયો વિઝયુઅલ ફિલ્મ પ્રદર્શિત કરાઈ હતી.
YP/JD
(Release ID: 1989961)
Visitor Counter : 115