માહિતી અને પ્રસારણ મંત્રાલય
ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અભૂતપૂર્વ સફળતા અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકો યાત્રામાં સામેલ થયા
યાત્રા દરમિયાન 1 લાખથી વધુ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવ્યા
આશરે 8 હજાર ગ્રામ પંચાયતો અને 300 થી વધુ શહેરી વિસ્તારોને યાત્રા હેઠળ આવરી લેવાયા
Posted On:
18 DEC 2023 4:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગયા મહિને શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સમગ્ર ગુજરાતમાં અભૂતપૂર્વ લોક સમર્થન મળી રહ્યું છે. અત્યાર સુધીમાં આ યાત્રા હેઠળ 7985 ગ્રામપંચાયતો અને 305 શહેરી વિસ્તારોને આવરી લેવાયા છે. જે દરમિયાન 30 લાખ 65 હજારથી વધુ લોકો આ યાત્રામાં સ્વયંભૂ રીતે જોડાઈ ચૂક્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને તેમના ઘર સુધી પહોંચાડવાનો અને તે રીતે વિવિધ યોજનાઓના લાભો 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો છે. આ માટે વિશિષ્ટ રીતે તૈયાર કરાયેલા રથ- વાહન દ્વારા ગ્રામીણ, આદિવાસી અને શહેરી વિસ્તારોમાં ફરીને વિવિધ યોજનાઓના લાભો તેમના વાસ્તવિક લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ- વાહનો દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને લગતા સાહિત્યનું વિતરણ કરવામાં આવે છે, યોજનાઓમાં મળેલી સિધ્ધિઓની માહિતી પુસ્તિકા દ્વારા આપવામાં આવે છે તેમજ જેમને લાભો મળ્યા નથી તેમને ઓડિયો- વિડીયો માધ્યમોથી સમજણ આપી સ્થળ ઉપર જ આવા લાભો આપવામાં આવે છે.
આ યાત્રાની સફળતાની વાત કરીએ તો 29 લાખ 26 હજારથી વધુ લોકોએ અત્યાર સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ માટે શપથ લીધા છે. વિકસિત ભારત યાત્રા દરમિયાન લોકોને સૌથી વધુ લાભ આરોગ્યને લગતી વિવિધ સેવાઓ અને યોજનાઓનો મળ્યો છે. યાત્રા દરમિયાન આરોગ્ય ચકાસણી શિબિરમાં 12 લાખ 90 હજારથી વધુ લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે. જ્યારે 7 લાખ 19 હજારથી વધુ લોકોની ક્ષય રોગ માટે ચકાસણી કરવામાં આવી છે. એજ રીતે 1 લાખ 30 હજારથી વધુ લોકોને સિકલ સેલ રોગ માટે ચકાસવામાં આવ્યા છે. આ યાત્રા દરમિયાન 1 લાખ 13 હજારથી વધુ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવ્યા છે.
આ યાત્રા દરમિયાન 1 લાખ 9 હજારથી વધુ લોકોએ પી.એમ.ભારત વૉલંટિયર માટે નોંધણી કરવી છે, જ્યારે 36 હજાર 952 મહિલાઓએ પી,એમ. ઉજ્જવલા યોજના માટે નોંધણી કરવી છે. એ જ રીતે 32 હજારથી વધુ લોકોએ પી.એમ. જીવન જ્યોતિ વીમા યોજના અને 57 હજારથી વધુ લોકોએ પી.એમ. સુરક્ષા વીમા યોજના માટે નોંધણી કરાવી છે. 15 હજારથી વધુ લોકોએ પી.એમ. સ્વનિધિ શિબિરની મુલાકાત લીધી છે.
આ ઉપરાંત યાત્રા દરમિયાન ડ્રોન નિદર્શન, જમીન આરોગ્ય ચકાસણી નિદર્શન, આયુષ્યમાન કાર્ડ સેચ્યુરેશન, હરઘર જલ- જલ જીવન મિશન, લેન્ડ રેકોર્ડસનું 100 ટકા ડિજિટાઈઝેશન અને ઓ.ડી.એફ.પ્લસ યોજનાનો પણ નોંધપાત્ર લાભાર્થીઓએ લાભ ઉઠાવ્યો છે.
YP/JD
YP/JD
(Release ID: 1987732)
Visitor Counter : 387