માહિતી અને પ્રસારણ મંત્રાલય

નાંદોદ તાલુકાના સુંદરપુરાના ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું

ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું : યોજનાનો લાભ લઈ જીવનમાં પરિવર્તન લાવનારા લાભાર્થીઓએ પોતાના અનુભવો ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કર્યા

Posted On: 15 DEC 2023 10:26AM by PIB Ahmedabad

નાંદોદ તાલુકામાં ભ્રમણ કરી રહેલો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે સવારે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સુંદરપુરા ગામે પહોંચતા ગ્રામજનોએ ઉષ્માભેર આવકાર આપી સરકારશ્રીની યોજનાકીય ફિલ્મો નિહાળીને વિકસિત ભારતના નિર્માણની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ૧૭ જેટલી ફ્લેગશીપ યોજનાઓની માહિતી આપતી ફિલ્મો નિદર્શન થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર છેવાડાના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય અને સમૃદ્ધિના પથ ઉપર લોકો પસાર થાય તે દિશામાં કાર્ય કરી રહી છે. સાથે તમામ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી આયુષ્માન કાર્ડના માધ્યમથી રૂપિયા ૧૦ લાખ સુધીનું વમા કવચ પ્રત્યેક વ્યક્તિને પુરૂં પાડ્યું છે. ઉજ્જવલા યોજનાથી મહિલાઓના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું છે, તેના થકી સ્વાસ્થ્ય અને સમય બંનેની બચત થઈ છે. પ્રધાનમંત્રી જન ધન યોજનાના કારણે તમામ નાગરિકોના બેન્કમાં ખાતા ખોલવાથી આજે સરકારશ્રીની તમામ યોજનાનો લાભ જે-તે લાભાર્થીના ખાતામાં સીધો જ જમા થાય છે. આવી અનેકવિધ યોજનાઓ સરકારે લાગુ કરી છે ત્યારે સૌ નાગરિકો આંગળી ચિંધ્યાનું પૂણ્ય કરી પાડોશી પણ સરકારશ્રીની યોજનાનો લાભ લઈ શકે તે માટે સહયોગી-માર્ગદર્શક બનવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં નાગરિક તરીકેનું યોગદાન આપવા સૌ નાગરિકોને અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં દૂધધારા ડેરી-ભરૂચ તેમજ ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલે પણ પ્રેરક ઉદબોધન કરી સરકારશ્રીની યોજનાઓનો નાગરિકોને લાભ લેવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે મેરી કહાની, મેરી જુબાનીઅંતર્ગત વિવિધ યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓએ યોજનાકીય લાભોથી તેમના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની કહાની ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી બાકી રહી ગયેલા લોકોને યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને મંજૂરી પત્રો તેમજ લાભોનું વિતરણ કરી સરપંચશ્રીને અભિલેખા પત્ર એનાયત કર્યું હતું. ધરતી કરે પુકાર થીમઆધારિત નુક્કડ નાટકની પ્રસ્તુતી ગામની સખીમંડળની બહેનોએ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા નાગરિકોને પ્રેરક સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પૌષ્ટિક આહર અંગેનું સ્ટોલ પ્રદર્શન યોજાયું હતું. સાથે આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા હેલ્થ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, ગામના સરપંચશ્રી શાંતિલાલ વસાવા, તાલુકા પંચાયતના સભ્યશ્રી કલ્પેશભાઈ વસાવા, અગ્રણીશ્રી જયંતિભાઈ વસાવા, અગ્રણીશ્રી હરેશભાઈ વસાવા, શ્રી રાજુભાઈ વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ સહિત અન્ય વિભાગના અધિકારીશ્રીઓ, સંબંધિત વિભાગના કર્મીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.       

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1986540) Visitor Counter : 78