માહિતી અને પ્રસારણ મંત્રાલય
બનાસકાંઠામાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'ના લાભાર્થીઓએ આગવી રીતે માન્યો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર
ઘર આંગણે સામેથી વિવિધ યોજનાના લાભ મળતા બનાસવાસીઓએ લખ્યા પ્રધાનમંત્રીશ્રીને પોસ્ટકાર્ડ
Posted On:
14 DEC 2023 8:21PM by PIB Ahmedabad
ગુજરાતમાં 14 નવેમ્બરથી અંબાજી ખાતેથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શરૂઆતના તબક્કામાં આદિજાતિ વિસ્તારોમાં ત્યારબાદ અન્ય તમામ ગામોમાં રથ જઇને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના વિવિધ ગામોમાં દરરોજ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ જઇને ગ્રામજનોને વિવિધ યોજનાઓની માહિતી આપીને ગ્રામજનોને સ્થળ પર જ યોજનાઓનો લાભ આપી રહ્યો છે. વિવિધ વિભાગના અધિકારીઓ ગામમાં સ્થળ પર હાજર રહીને ગામમાં કોઇપણ વ્યકિત યોજનાઓના લાભથી વંચિત રહી ન જાય એ સુનિશ્ચિત કરી રહ્યા છે. તો સાથે સાથે રથને ગામોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સરકારની આ પહેલને બિરદાવી રહ્યા છે.
ગુજરાતમાં એકમાત્ર બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજનોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દ્વારા જે લાભો ઘરઆંગણે મળી રહ્યા છે એ બદલ દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યકત કરવા તેઓને પોસ્ટકાર્ડ લખવાનું નક્કી કર્યું છે. જેમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ પોતાને મળેલ યોજનાના લાભની વાત પોસ્ટકાર્ડમાં જણાવી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યકત કરી રહ્યા છે.
વિવિધ ગામોના લાભાર્થીઓના પ્રધાનમંત્રીશ્રીને પોસ્ટકાર્ડ લખવાના સૂચનને ધ્યાને લઇ જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલ દ્વારા ગ્રામજનોને પોસ્ટ વિભાગ સાથે સંકલન કરીને સૌને પોસ્ટકાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બનાસકાંઠામાંથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’થી લાભાન્વિત થનાર લગભગ ત્રણ લાખ જેટલા લાભાર્થીઓ પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યકત કરશે એવો અંદાજ છે.
આમ, છેવાડાના ગામો સુધી સરકારની તમામ યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચે એવા ઉમદા ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થી અનેક જરૂરિયાતમંદ નાગરિકો લાભાન્વિત થઇ રહ્યા છે. તેમજ આ લાભાર્થીઓ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા દર્શાવી રહ્યા છે.
YP/JD
(Release ID: 1986458)
Visitor Counter : 153