માહિતી અને પ્રસારણ મંત્રાલય
નર્મદા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગ્રામીણ વિકાસને મજબુતી પ્રદાન કરી રહી છે
આવાસ બનાવવાનું સાહસ કર્યું અને સરકારે આપ્યો આર્થિક ટેકો: ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ લાભાર્થીશ્રી નવીનભાઈ ભીલના પ્રતિભાવો
કલ્યાણકારી યોજનાઓથી વંચિત આદિવાસી સમુદાયના જીવનસ્તરમાં બદલાવ આવ્યો, આયુષ્માન ભારત યોજના અસ્તિત્વમાં ન હોત તો મારી માતાની સારવારનું શું થાત?: વાસુભાઈ ભીલ
“મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત સખીમંડળની બહેનોના જીવનમાં આવેલા બદલાવ અંગે પ્રતિભાવ રજૂ કરતા સુંદરપુરા ગામના શ્રીમતી કરિશ્માબેન વસાવા
Posted On:
14 DEC 2023 5:41PM by PIB Ahmedabad
વિકસિત ભારત સંકલ્પ યાત્રા નર્મદા જિલ્લાના ગામેગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે પહોંચીને હાથોહાથ યોજનાકીય લાભો અને માહિતી પહોંચાડી રહી છે. જેનો આશય ગ્રામીણ વિકાસને મજબુતી પ્રદાન કરીને આદિવાસી સમુદાયના જીવનસ્તરને બહેતર કરવાનો છે. ટૂંકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ આદિવાસી બાંધવો માટે આર્થિક આધારસ્તંભ બની રહી છે.
આ પ્રસંગે તિલકવાડા તાલુકાના ઇન્દરમા ગ્રા.પં.ના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી શ્રી નવીનભાઈ ભીલ 'મેરી કહાની, મેરી જુબાની' કાર્યક્રમ હેઠળ પોતાની સફળવાર્તા ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરતા જણાવે છે કે, સાહેબ અમે રોજનું કમાવીને રોજનું ખાવાવાળા છે. કાચા મકાનમાં વર્ષોથી રહેતા હતા. સરપંચ સાહેબના મદદ અને માર્ગદર્શનથી સરકારની આ આવાસિય યોજનાની માહિતી મેળવીને આવાસ બનાવવાનું સાહસ કર્યુ હતુ. મને આવાસિય યોજના થકી કુલ રૂ. ૧.૨૦ લાખની સહાય મળી છે. આજે હું મારા પરિવારની સાથે મારા પાકા મકાનમાં ખુશીથી રહું છું.
આ તકે લાભાર્થીશ્રી નવીનભાઈ ભીલ સરકારનો આભાર વ્યક્ત કરે છે. પ્રત્યેક પરિવારનો મુખ્ય કર્તાધર્તા પોતાના પરિવારને એક સુરક્ષિત મકાન આપવાનું વિચારે છે. આ વિચાર, વિચાર જ ન રહી જાય તે માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગરીબ પરિવારોને આર્થિક ટેકો આપ્યો છે.
સરકારની કલ્યાણકારી અને આશિર્વાદ સમાન આયુષ્માન ભારત યોજના તિલકવાડા તાલુકાના ઇન્દરમા ગામના લાભાર્થી શ્રી વાસુભાઈ ભીલને ખુબ ફળી છે. ‘મેરી કહાની, મેરી જુબાની’ કાર્યક્રમ હેઠળ શ્રી વાસુભાઈ ભીલ જણાવે છે કે, મારી માતા કેન્સરની ચપેટમાં આવતા હું ડરી ગયો હતો. સારવાર માટેનો ખર્ચ સાંભળીને મેં વધુ હેરાન થયો’તો. હું ગરીબ માણસ, આટલી મોટી રકમની ક્યાંથી અને કેવી રીતે વ્યવસ્થા કરું. મને આટલી મોટી રકમ આપશે પણ કોણ?
શ્રી વાસુભાઈ ભીલની માતા પ્રત્યેની લાગણી, કાળજી અને ચિંતા તેમના શબ્દોથી વ્યક્ત થઈ રહી હતી. પોતાના પ્રતિભાવો આપતી વખતે આંખો નમ થઈ રહી હતી. તેઓએ જણાવ્યું કે, આરોગ્ય કર્મીઓ દ્વારા મને ત્વરિત ધોરણે આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ કરાયું હતું. ઓપરેશન અને દવાઓની ફાઈલો ઉમેરાઈ રહી હતી. ત્યારે વિચાર આવતો કે, જો આયુષ્માન ભારત યોજના અસ્તિત્વમાં ન હોત તો મારી માતાની સારવારનું શું થાત ?
વડોદરાની એચઆઈજી હોસ્પિટલ ખાતે શ્રી વાસુભાઈ ભીલની માતાની સાડા ચાર લાખથી વધુની શ્રેષ્ઠ અને નિશુલ્ક સારવાર મળતા તેઓ આરોગ્ય સ્ટાફ, જિલ્લા વહિવટી તંત્ર તેમજ સરકારશ્રીનો હ્રદયપૂર્વક આભર વ્યક્ત કરે છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાલ નર્મદા જિલ્લાના ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામે પહોંચેલી યાત્રા દરમિયાન “મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત અનેક લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો રજૂ કરીને લોકોને કેન્દ્ર- રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સહિત કર્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારશ્રીના વિવિધ વિભાગોમાંથી યોજનાકીય લાભ મેળવનાર લાભાર્થીઓ પોતાના અનુભવો જણાવી રહ્યાં છે. ત્યારે મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળની બહેનોને વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી પગભર કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. જે અંતર્ગત સુંદરપુરા ગામના જય મા લક્ષ્મી મિશન મંગલમ જૂથના પ્રમુખ શ્રીમતી વસાવા કરિશ્માબેન જણાવે છે કે, અમારા જૂથની 10 બહેનો દર મહિને સભ્ય દીઠ રૂપિયા 100ની બચત કરે છે. તેમના જૂથને સરકારશ્રી દ્વારા રૂપિયા 15 હજારનું રિવોલ્વિંગ ફંડ મળ્યું હતું. બાદમાં બેન્ક દ્વારા એક લાખ રૂપિયાની મંડળને લોન અપાતાં આ ભંડોળ થકી મંડળની બહેનો અંતરિક ધિરાણ તેમજ અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરી આર્થિક સમૃદ્ધિ કેળવી રહી છે.
YP/GP/JD
(Release ID: 1986361)
Visitor Counter : 110