માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

જીતનગર ગામ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં સહભાગી બન્યું

લાભાર્થીઓને હાથોહાથ યોજનાકીય લાભ, યાત્રાને મળ્યો વ્યાપક પ્રતિસાદ

છેવાડાના માનવીના જીવનસ્તરમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સરકાર સંકલ્પબધ્ધ : નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ

Posted On: 14 DEC 2023 10:41AM by PIB Ahmedabad

નાંદોદ તાલુકાના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકાના જીતનગર ગામે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' ને ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડો. દેશમુખે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર છેવાડાના માનવીની ચિંતા કરીને તેમના જીવનસ્તરમાં ગુણાત્મક સુધારો લાવવા સંકલ્પબધ્ધ છે. સરકારે મહિલાલક્ષી, ખેડૂતલક્ષી, આરોગ્યલક્ષી, રોજગારલક્ષી તેમજ અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને ગ્રામીણ વિકાસને મજબુત કરવાનુ કાર્ય કર્યું છે.

ધારાસભ્ય શ્રી ડો. દેશમુખે ઉમેર્યુ કે, આજે બહેનો પોતાની વાતો સમાજ સમક્ષ મુકી રહી છે, પુરુષો સાથે ખભેખભા મિલાવીને આગળ વધી રહી છે. આ સમાજમાં આવી રહેલા સકારાત્મક બદલાવને ચિન્હિત કરી રહી છે. આ પ્રસંગે ગ્રામજનોએ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી અને દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક સંદેશા તેમજ વિવિધ યોજનાકીય માહિતીથી વાકેફ કરતી શોર્ટફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની સહભાગીદારી અદા કરવા સામુહિક શપથ લીધા હતા.

ગ્રામજનોએ 'ધરતી કરે પુકાર કે' થીમ હેઠળ શારીરિક અને પ્રાકૃતિક સંપદાના જતન માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે બાળકો દ્વારા રજૂ કરાયેલા નુક્કડ નાટકને નિહાળ્યું હતુ. આ પ્રસંગે યોજનાકીય લાભાર્થીઓએ પોતાના જીવનમાં આવેલા બદલાવી કહાનીને 'મેરી કહાની, મેરી જુબાની' થીમ હેઠળ ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરીને સરકારની તમામ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા પ્રેરિત કર્યા હતા. આરોગ્ય, આંગણવાડી, પશુપાલન કેમ્પનો પણ ગ્રામજનોએ લાભ લીધો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીના હસ્તે સરપંચ શ્રીમતી વંદનાબેન વસાવાને અભિલેખા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, સરપંચ શ્રીમતી વંદનાબેન વસાવા, સ્થાનિક અગ્રણીશ્રીઓ, નાયબ પશુપાલન નિયામક શ્રી જે.આર.દવે, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) કાર્યપાલક ઇજનેરશ્રી એ.એસ.પટેલ સહિત લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1986096) Visitor Counter : 146