યુવા બાબતો અને રમત મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો


નહેરૂ યુવા કેન્દ્ર-ગુજરાત દ્વારા મોબાઈલ ફોટોગ્રાફી, ચિત્રકલા, સાંસ્કૃતિક કાર્યક્રમ, ભાષણ અને કવિતા લેખન પ્રતિયોગિતાનું આયોજન

Posted On: 10 DEC 2023 6:42PM by PIB Ahmedabad

કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રીશ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત સૌ યુવાઓને પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવડાવી હતી.

નહેરુ યુવા કેન્દ્ર સંગઠન-ગુજરાત દ્વારા જિલ્લા કક્ષાએ યુવા મહોત્સવ અંતર્ગત મોબાઈલ ફોટોગ્રાફી પ્રતિયોગિતા, ચિત્રકલા પ્રતિયોગિતા, સાંસ્કૃતિક કાર્યક્રમ, ભાષણ પ્રતિયોગિતા અને કવિતા લેખન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા થયેલા પ્રથમ અને દ્વિતીય પ્રતિયોગીઓ દ્વારા આજે રાજ્ય કક્ષાના યુવા મહોત્સવમાં પોતાની કૃતિ રજૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન યુવાઓનો ઉત્સાહવર્ધન કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ભારતના યુવાધનમાં રહેલું સામર્થ્ય આજે વિશ્વની સમક્ષ આવ્યું છે. તેમણે કહ્યું કે, એક તરફ અનેક દેશો કોવિડ અને યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે, સમગ્ર વિશ્વનો ગ્રોથ રેટ 3.40 છે, ત્યારે આવા વિપરીત સંજોગોમાં પણ ભારતનો ગ્રોથ રેટ 6.4 છે. પરિણામે ભારત દેશ આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા બન્યો છે.

તેમણે ઉમેર્યું કે, આજનો યુવા ભારતની આવતીકાલ છે. વર્ષ 2047ના વિકસિત ભારતની કમાન પણ આજના યુવા પાસે હશે અને વિકસિત ભારતને સંચાલન કરવાનું કામ પણ આજના યુવાનોનું જ હશે. માત્ર સંચાલન જ નહીં પરંતુ દેશને વધુ સક્ષમ બનાવી આગળ લઈ જવાનો છે અને વિશ્વનું નેતૃત્વ કરવાનું છે. એટલા માટે જ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશની યુવાપેઢીને સામર્થ્યવાન બનાવવા અનેક પ્રયાસો કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી શ્રીએ કહ્યું કે, કોરોનાકાળમાં વેક્સિન બનાવીને દેશને બચાવ્યો, સાથે જ અન્ય દેશોને પણ વેક્સિન આપીને બચાવ્યા, ચંદ્રયાનને ચંદ્ર પર પહોંચાડીને ભારતના યુવાનોએ સમગ્ર વિશ્વને પોતાના સામર્થ્યનો પરિચય કરાવ્યો છે. પ્રધાનમંત્રીશ્રીને પણ દેશના યુવાનો પાસેથી અનેક અપેક્ષાઓ છે, ત્યારે આજનો યુવાધન પણ દેશના વિકાસ માટે સંકલ્પબદ્ધ થાય તેવો મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

YP/JD



(Release ID: 1984774) Visitor Counter : 76