માહિતી અને પ્રસારણ મંત્રાલય
કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઓલપાડ તાલુકાના સોંદામીઠા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ભવ્ય સ્વાગત
વિકસિત ભારત યાત્રાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધઃ કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ
લાભાર્થીઓ સાથે મંત્રીઓએ સંવાદ કર્યો, ભારત સરકારની યોજનાઓનો લાભ લેવા અન્ય લોકોને પ્રેરિત કર્યા
Posted On:
09 DEC 2023 5:47PM by PIB Ahmedabad
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે પહોંચે તેવા આશયથી સુરતના ઓલપાડ તાલુકાના સોંદામીઠા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની તેમજ ગ્રામજનોએ સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ગામની મહિલાઓએ ઘરના આંગણે રંગોળી પૂરી તેમજ યુવાનોએ ફટાકડા ફોડી સંકલ્પ રથને વધાવ્યો હતો. મંત્રીશ્રીઓના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. લાભાર્થીઓ સાથે મંત્રીશ્રીઓએ સંવાદ સાધી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેને જણાવ્યું હતું કે, વિકસિત ભારત યાત્રાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. યાત્રાના રથ થકી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સોંદામીઠા ગામ મહિલા સમરસ ગામ બન્યું છે, ત્યારે ગામની મહિલાઓ મહિલા સશક્તીકરણની પ્રેરણા આપી રહી છે. દેશના વિકાસ માટે સો ટકા સેચ્યુરેશન પોઈન્ટ સુધી યોજનાકીય લાભો મળે એવા પ્રયાસોની વિગતો આપી તેમણે વ્યક્ત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા મહિલા, યુવાઓ, બાળકો, કિસાનોનું ભવિષ્ય બદલાવવાનો શુભાશય જણાવ્યો હતો.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગંગાસ્વરૂપા બહેનોને દર મહિને રૂ.1250ની નાણાકીય સહાય આપી તેઓને સરકારે આર્થિક ટેકો આપ્યો છે, ત્યારે સોંદામીઠા ગામે આજે એક જ દિવસમાં 28 ગંગા સ્વરૂપા મહિલાઓને લાભ આપવામાં આવ્યો છે. ઉપરાંત, એક જ દિવસમાં 128 લાભાર્થીઓને આયુષમાન ભારતકાર્ડ, 17 હળપતિ આવાસ, 7 ટ્રાઈબલ આવાસ, 188 કિસાનોને કિસાન સન્માન નિધિ યોજનામાં રજિસ્ટ્રેશન, 10 વૃદ્ધોને વૃદ્ધ સહાય યોજનાનો લાભ અપાયો છે, જે સરાહનીય છે.
આ કાર્યક્રમમાં વિવિધ શાખાના અધિકારીઓએ પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપીને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રીશ્રીઓ સાથે સંવાદ દરમિયાન પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, હળપતિ આવાસ, ખેતીવાડી વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. આ પ્રસંગે દેશના વિવિધ રાજ્યોમાંથી કાર્યક્રમમાં જોડાયેલા લાભાર્થીઓ સાથે પ્રધામંત્રીશ્રીએ જીવંત સંવાદ કર્યો હતો, જેનું ઉપસ્થિત સૌએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
YP/JD
(Release ID: 1984506)
Visitor Counter : 116