માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કપરાડાના ખરેડી અને મોટી વહિયાળમાં રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ


સરકાર ખુદ તમારે આંગણે આવી છે, જેથી સરકારની યોજનાઓનો લાભ લેજો, કોઈ વંચિત ન રહી જાયઃ મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ

ભૂલાતી જતી સાંસ્કૃતિક વિરાસતને જાળવા રાખવા ફરી પ્રકૃતિ સાથે જોડાણ કરવા મંત્રીશ્રીએ આહવાન કર્યુ

સંકલ્પ યાત્રા રથનું મંત્રીશ્રીએ પૂજા વિધિ સાથે સ્વાગત કર્યુ, સૌ ગ્રામજનોએ વિકસિત ભારતના શપથ લીધા

ખરેડી ગામે 495 અને મોટી વહિયાળ ગામે 501 ગ્રામજનોએ સ્થળ પર વિવિધ યોજનાનો લાભ મેળવ્યો

Posted On: 20 NOV 2023 6:52PM by PIB Ahmedabad

વલસાડ જિલ્લામાં કપરાડાના ખરેડી અને મોટી વહિયાળ ખાતે ભારત સરકારના રેલવે અને ટેક્સટાઇલ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ના કાર્યક્રમો યોજાયા હતા. સંકલ્પ યાત્રા રથનું મંત્રીશ્રીએ પૂજા વિધિ સાથે સ્વાગત કરી ઉપસ્થિત સૌએ વિકસિત ભારતના શપથ લીધા હતા. ગ્રામીણ કક્ષાએ અને ટ્રાઇબલ તાલુકામાં વધારાની પાંચ યોજનાઓ મળી કુલ 17 યોજનાની માહિતી 10 સ્ટોલ દ્વારા નાગરિકોને આપવામાં આવી હતી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી પણ કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ સ્ટોલની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.

આઝાદીના 100 વર્ષે 2047માં આપણો દેશ સંપૂર્ણ વિકસિત થઈ જશે એવા સંકલ્પ સાથે મંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી માટે આ દેશની પ્રજા જ તેમનો પરિવાર છે. તેમણે પ્રજાના લોકકલ્યાણ અને જન સુખાકારી માટે નાની નાની દરેક યોજનાઓનું ધ્યાન રાખ્યું છે. ત્યારે આપણે ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’’નો સંકલ્પ લઈ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવુ જોઈએ. આપણે આપણી સાંસ્કૃતિક વિરાસતને ભૂલી રહ્યા છે જેના કારણે જનજીવનને અસર થઈ રહી છે. સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવા માટે પ્રકૃતિ સાથે જોડાવા મંત્રીશ્રીએ આહવાન કરી જણાવ્યું કે, પૃથ્વીનું તાપમાન વધતા સમગ્ર દુનિયા કલાઈમેટ ચેન્જની સ્થિતિનો સામનો કરી રહી છે ત્યારે સોલારનો ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી હિતાવહ છે. વધુમાં મંત્રીશ્રીએ આવાસ યોજના, પીએમજેએવાય, જન ઔષધી યોજના, અન્ન સહાય યોજના, ઉજ્જવલા યોજના, સગર્ભા માતા અને બાળકો માટે પૌષ્ટિક આહાર, આદિવાસી બાંધવોને જમીનના હકકો, એકલવ્ય સ્કૂલ, સિકલસેલની તપાસ અને નલ સે જલ સહિતની યોજના વિશે માહિતી આપી હતી. વધુમાં તેમણે લોકોને કહ્યું કે, આ રથ દ્વારા સરકાર ખુદ તમારે આંગણે આવી છે, જેથી સરકારની યોજનાઓનો લાભ લેજો કોઈ વંચિત ન રહી જાય તે માટે સૌ જાગૃત બનજો એવી અપીલ કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા અનુરોધ કર્યો હતો.

કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી સશક્ત ભારત, મજબૂત ભારતનો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલે યાત્રાનો હેતુ સમજાવતા જણાવ્યું કે, સરકારની અનેકવિધ યોજના લોકો માટે છે પણ જાણકારીના અભાવે લાભ લઇ શકતા નથી જેથી લોકો વિવિધ યોજનાથી વાકેફ થાય અને લાભ લે તે માટે આ રથ ગામે ગામ ભ્રમણ કરી રહ્યો છે. વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.

આયુષ્યમાન ભારત યોજના, આત્મા પ્રોજેકટ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ યોજનાના લાભ બાદ પોતાના જીવનમાં આવેલા બદલાવની કહાની રજૂ કરતી સાફલ્ય ગાથા કહી હતી. મંત્રીશ્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ચાવી, ઉજ્જવલા યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત યોજના અને પ્રધાનમંત્રી પોષણ અભિયાન યોજનાના લાભાર્થીઓને કીટ આપવામાં આવી હતી. સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ખરેડી ગામે 257 પુરૂષ અને 238 મહિલા મળી કુલ 495 જ્યારે મોટી વહીયાળ ગામમાં 267 પુરૂષ અને 234 મહિલા મળી કુલ 501 લાભાર્થીએ સ્થળ પર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો.

ખરેડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીથી મળતા લાભો તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી અને રાસાયણિક પદાર્થોથી જમીનને થતા નુકશાનને પ્રદર્શિત કરતી "ધરતી કહે પુકાર કે..."નાટિકા રજૂ કરી હતી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંદેશને રથ દ્વારા સૌએ નિહાળ્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ગુલાબ રાઉત, ખરેડી ગામના સરપંચ હિતેશ પટેલ, મોટી વહિયાળ ગામના સરપંચ સુશીલાબેન ભાવર, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, સંગઠન મંત્રીઓ સર્વ મંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી એચ.એસ.બારોટ, કપરાડાના મામલતદાર ડી. આર. શાહ, તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ વિભાગના અધિકારી- કર્મચારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામીતે સ્વાગત પ્રવચન જ્યારે આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે. કે. પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાનસ પ્રાથમિક શાળાના કેન્દ્ર શિક્ષક પિનાકીનભાઈ પટેલે કર્યું હતું.

CB/GP/JD


(Release ID: 1978291) Visitor Counter : 136