પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો


રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યાત્રાધામ અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

રાજ્યના 14,620 ગામોમાં 129 રથો બે મહિના સુધી પરિભ્રમણ કરી સરકારની લોકકલ્યાણ યોજનાઓની માહિતી છેવાડાના લોકો સુધી પહોંચાડશે

Posted On: 15 NOV 2023 8:09PM by PIB Ahmedabad

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ અંબાજી નજીક ચીખલા ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે. આ પહેલા મહાનુભાવોએ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજથી શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા 129 રથોમાં રાજ્યના 14,620 ગામોમાં બે મહિના સુધી પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે જેનો લાભ રાજ્યના અંતરિયાળ  વિસ્તારમાં વસતા વન બંધુઓને મળશે. આ સાથે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુલામીની માનસિકતાને ત્યજી વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદિવાસીઓ, ગરીબો, શોષિતો, પીડિત, દલિતો સહિત સમગ્ર માનવ સમાજના કલ્યાણ માટે કામ કરે છે. તેમણે ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા આદિવાસી સમુદાયને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીએ અંબાજીથી ઉમરગામ, વલસાડથી ઝારખંડ અને છેક ઉત્તર પૂર્વ સુધીના તમામ આદિવાસી સમુદાયના કલ્યાણ તેમજ જનજાતીય વિસ્તારના વિકાસ માટે દેશને આગવી દિશા આપી છે. તેમણે જણાવ્યું હતું ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવીને આદિવાસીઓના સર્વાંગી વિકાસનો પાયો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાંખ્યો છે. આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, લોકસભા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઇ દેસાઈ સહિત વિવિધ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં આદિજાતિ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે જ ગુજરાતમાં આજે અલગ અલગ સાત જગ્યાએથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ  રૂપાલાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઈ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ કરાવ્યો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ કરાવ્યો હતો.

CB/GP/JD



(Release ID: 1977207) Visitor Counter : 154