પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઝારખંડ ખાતેથી 15મી નવેમ્બરે દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવશે


ગુજરાતમાં રાજ્યવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતેથી કરશે

15મી નવેમ્બર-જન જાતીય ગૌરવ દિવસથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો ગુજરાતમાં શુભારંભ

વિવિધ યોજનાઓની માહિતી સાથે તૈયાર કરવામાં આવેલા આધુનિક રથ ગામેગામ ભ્રમણ કરશે

Posted On: 13 NOV 2023 3:16PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે દેશભરમાં આગામી તા.15મી નવેમ્બર જન-જાતીય ગૌરવ દિવસથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઝારખંડ ખાતેથી દેશવ્યાપી તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતેથી રાજ્યવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવશે. વિવિધ યોજનાઓની  માહિતી સાથે તૈયાર કરવામાં આવેલા આધુનિક રથ ગામેગામ ભ્રમણ કરશે. ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. આ યાત્રાનો પ્રારંભ દેશના અનુસૂચિત જનજાતિની વસતિ ધરાવતા 110 નોંધપાત્ર જિલ્લાઓમાં 15મી નવેમ્બરથી અને અન્ય જિલ્લાઓમાં નવેમ્બરના ત્રીજા સપ્તાહથી પ્રારંભ થશે. જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત, પ્રધાનમંત્રીશ્રીનો વિડીયો સંદેશ અને  વિકસિત ભારતના સંકલ્પ લેવડાવવા સહિતના વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. 10 હજારથી વધુ વસ્તી ધરાવતા 13848 સ્થળો આવરી લેવાય તે રીતે આધુનિક રથ ભ્રમણ કરશે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં આ યાત્રા નવ આદિવાસી જિલ્લાઓનો પ્રવાસ કરશે અને એક દિવસમાં બે ગ્રામ પંચાયતોને આવરી લેશે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના લોકો સુધી પહોંચવાનો છે. આ ઉપરાંત યોજનાઓની માહિતીનો પ્રચાર-પ્રસાર કરી નાગરિકોમાં જાગૃતિ લાવવા, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તેમજ યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીઓની નોંધણી કરાવી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવી 100 ટકા લક્ષ્ય હાંસલ કરવાના ઉદ્દેશ સાથે આ યાત્રા યોજાશે. આ યાત્રા દરમિયાન પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લેવાના આયોજન સાથે યોજનાનો 100 ટકા કક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલ જીવન મિશન, સ્વામિત્વ યોજના, જન ધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની યોજનાઓને આવરી લેવામાં આવી છે.

CB/GP/JD



(Release ID: 1976636) Visitor Counter : 89