રસાયણ અને ખાતર મંત્રાલય

નેનો ડીએપી અને નેનો યુરિયા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિની શરૂઆત કરનારું પરિબળ છેઃ કેન્દ્રીય ખાતર તેમજ રસાયણ મંત્રી શ્રી મનસુખ માંડવિયા


કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઈફ્કો નેનો ડીએપી લિક્વિડ પ્લાન્ટ, કલોલનું લોકાર્પણ થયું

વિશ્વમાં નેનો યુરિયા કે નેનો ડીએપીની શોધ કરનારી સૌપ્રથમ કોઈ સંસ્થા હોય તો તે ઈફ્કો છેઃ શ્રી માંડવિયા

નેનો યુરિયા અને નેનો ડીએપી એ ભારતે દુનિયાને આપેલી ભેટ છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી માંડવિયા

Posted On: 24 OCT 2023 8:39PM by PIB Ahmedabad

નેનો યુરિયા બાદ નેનો ડીએપી ખેડૂતોના ઉપયોગ માટે તૈયાર થયું છે. આજે દેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં બદલી રહ્યો છે. દેશની આઝાદીથી 2014 સુધી આપણે પરંપરાગત ખેતી કરતા આવ્યા પણ એ સમગ્ર સમયમાં યુરિયા, એનપીકે અને ડીએપી જેવા ખાતરનો આપણે અસંતુલિત ઉપયોગ કર્યો જેનાથી જમીન ખરાબ થઈ. પરંતુ પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ આત્મનિર્ભર ભારતનો સંદેશ આપ્યો, જય વિજ્ઞાન, જય અનુસંધાનનો નારો આપ્યો અને આજે સૌથી મોટી સહકારિતા સંસ્થા ઈફ્કો, કલોલ દ્વારા નેનો ડીએપી પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું એમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ ખાતર અને રસાયણ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું.

ઈફ્કો, કલોલના નેનો ડીએપી પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે નેનો ડીએપી અને નેનો યુરિયા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિની શરૂઆત કરનારું પરિબળ છે.

શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નેનો ડીએપી અને નેનો યુરિયાનો ઉપયોગ વિશ્વવ્યાપી થવાનો છે. પરંતુ મહત્વની વાત એ છે કે નેનો યુરિયા કે નેનો ડીએપીની શોધ કરનારી સૌપ્રથમ કરનારી કોઈ સંસ્થા હોય તો તે ઈફ્કો છે. આ શોધ કરનાર વિજ્ઞાનીઓ ભારતીય છે. આ ટેકનોલોજી ભારતે વિશ્વને આપેલી ભેટ છે.

શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આપણે નેનો ડીએપી અને નેનો યુરિયાનો ઉપયોગ કરવાની સાથે પરંપરાગ રીતે જે યુરિયા કે ડીએપીનો ઉપયોગ કરતા હતા એ બંધ કરવો જોઈશે નહીંતર નેનો ડીએપી કે નેનો યુરિયાનો જે લાભ મળવો જોઈએ એ મળશે નહીં.

શ્રી માંડવિયાએ વધુમા કહ્યું કે અત્યારે ડીએપીની એક થેલી બજારમાં 1350 રૂ.માં મળે છે. જેમાં સરકાર સબસિડી આપે છે. પરંતુ નેનો યુરિયા અને નેનો ડીએપી સસ્તું પ્રાપ્ત થાય છે અને 70 ટકા ઉપયોગ થઈ શકે છે અને સૌથી સારી બાબત એ છે કે જમીન કે પાણી ખરાબ થતા નથી. શ્રી માંડવિયાએ કહ્યું કે પીએમ મોદીએ જે રાજ્યો ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપે અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરે તેમને સરકાર તરફથી સબસિડી આપવાની વાત કરી છે.

CB/GP/JD



(Release ID: 1970544) Visitor Counter : 110