ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

બીઆઈએસ અમદાવાદ અને વડોદરા દ્વારા ‘સ્ટેપ્સ ટુ ક્વોલિટી’ અભિયાન સાથે વિશ્વ માનક દિવસની ઉજવણી શરૂ કરાઈ

Posted On: 10 OCT 2023 9:27PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યૂરોએ દર વર્ષની જેમ વિશ્વ માનક દિવસ 2023ના અવસરે માનક મહોત્સવની ઉજવણી શરૂ કરી છે, જે માનકીકરણમાં વિશ્વભરમાં સંકળાયેલા હજારો નિષ્ણાતોના સહયોગી પ્રયાસોને સ્વીકારે છે અને ભવિષ્યના માર્ગ પર વિચાર કરે છે.

ઈવેન્ટના રન-અપ તરીકે, બીઆઈએસ, અમદાવાદ દ્વારા સ્ટેપ્સ ટુ ક્વોલિટીનું આયોજન કરવામાં આવ્યું છે. ઈવેન્ટ માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ તંદુરસ્ત જીવનને સુનિશ્ચિત કરવા અને બધા માટે સુખાકારીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે વધુ સારા વિશ્વ માટેના અમારા સહિયારા વિઝનના ભાગરૂપે 17 ટકાઉ વિકાસ લક્ષ્યોમાંથી એક છે.

શ્રી સુમિત સેંગર, બીઆઈએસ અમદાવાદના નિદેશક અને પ્રમુખે ઉદ્ઘાટન વક્તવ્ય દરમિયાન જણાવ્યું હતું કે દેશનાં નાગરિકોએ છેતરપિંડી અને ભવિષ્યમાં પસ્તાવો ન થાય તે માટે માનકોને અનુરૂપ સારી ગુણવત્તાવાળા ઉત્પાદનોની ખરીદી સુનિશ્ચિત કરવી જોઈએ.

માનક મહોત્સવની સપ્તાહભરની ઉજવણી (7મીથી 14મી ઓક્ટોબર)ના ભાગરૂપે, શેર્ડ વિઝન ફોર અ બેટર વર્લ્ડ થીમ પર યુવાથી યુવા જોડાણ અને ગ્રામ પંચાયત સંવેદના દ્વારા વિશેષ અભિયાન જેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃતિઓનો ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવવામાં આવેલા 17 ટકાઉ વિકાસ લક્ષ્યો (એસડીજી)ના અમલીકરણમાં બીઆઈએસ દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રયાસો વિશે જાગૃતિ વધારવાનો છે. વિશ્વ માનક દિવસ 2023ની ઉજવણી માટે માનક મહોત્સવના ભાગરૂપે વિવિધ પ્રવૃતિઓનું પણ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ઉદ્યોગોમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપરોક્ત 17 એસડીજીને ધ્યાનમાં રાખીને તાજેતરના ભારતીય માનકો ઘડવામાં આવ્યા છે.

12 ઓક્ટોબર, 2023ના રોજ, ભારતીય માનક બ્યૂરો અમદાવાદ દ્વારા સ્ટાન્ડર્ડ્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ-અવર શેર્ડ વિઝન ફોર અ બેટર વર્લ્ડ થીમ સાથે અમદાવાદ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમ માટે વિવિધ ઉદ્યોગ નિષ્ણાતો, સરકારી પ્રતિનિધિઓ, શિક્ષણવિદ્દો, ઉત્પાદકો અને બીઆઈએસ લાયસન્સધારકોને આમંત્રિત કર્યા છે.

CB/GP/JD



(Release ID: 1966468) Visitor Counter : 95