માહિતી અને પ્રસારણ મંત્રાલય
તરણેતર મેળામાં આયોજિત પાંચ દિવસીય પ્રદર્શનને લાખો લોકોએ નિહાળ્યું
કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા જનજાગૃતિ કરવામાં આવી
Posted On:
21 SEP 2023 5:31PM by PIB Ahmedabad
વિશ્વ વિખ્યાત તરણેતરનાં મેળામાં ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા પાંચ દિવસીય મલ્ટી મીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને લાખો લોકોએ નિહાળ્યું અને અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મેળવી હતી.
"9 વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ" વિષય પર આયોજિત પાંચ દિવસીય આ પ્રદર્શનમાં યુવા, મહિલા સશક્તિકરણ, સાંસ્કૃતિક વારસાનું જતન, પર્યાવરણની જાળવણી સાથે વિકાસ જેવી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો અને અભિયાનની માહિતીનું પ્રદર્શન તા. 17થી 21 સપ્ટેમ્બર રાખવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન ગુજરાત વિધાનસભાનાં મુખ્ય નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ચોટીલાનાં ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર શ્રી કે.સી.સંપત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રકાશભાઈ મકવાણા સાથે તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ભારે વરસાદ હોવા છતાં મેળો માણવા આવેલા લાખો લોકોએ આ પ્રદર્શનની મુલાકાત લઈ જરુરી જાણકારી મેળવી હતી.
પ્રદર્શન દરમિયાન લોકોને ગમ્મત સાથે જ્ઞાન મળે એવા આશયથી અલગ અલગ પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી. જેમાં પ્રશ્નોત્તરીમાં અનેક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પુરસ્કારો પણ પ્રાપ્ત કર્યા હતા.
ઉપરાંત પોષણ માહની ઉજવણીનાં ભાગ રૂપે આઈસીડીએસ, થાનગઢની ટીમ દ્વારા મિલેટ્સથી બનાવેલી વિવિધ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. પોષણ રંગોળી અને ગરબા દ્વારા ઉપસ્થિત જનમેદનીને કુપોષણથી બચવાની જાણકારી આપવામાં આવી હતી.
પ્રદર્શનની મુલાકાત લેતા યુવાઓને ત્યાં રાખવામાં આવેલી ફીટ ઈંડિયા ક્વિઝ દ્વારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી બાબતે સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ વિજેતાઓને પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા.
પાંચ દિવસીય પ્રદર્શનમાં મુલાકાતીઓને સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ આપતી કેપ અને કાપડ બેગ અને માહિતી પત્રિકાનું નિ:શુલ્ક વિતરણ પણ કરાયું હતું.
કાર્યક્રમની પૂર્વ તૈયારીમાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ, થાનમાં નિબંધ, ચિત્રકળા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
પાંચ દિવસીય આ પ્રદર્શનને લાખો લોકોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રીય સંચાર બ્યુરો, સુરતના ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા, દેવેન્દ્રભાઈ ત્રિવેદી, નરેશભાઈ વાઘેલા અને રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1959437)
Visitor Counter : 143