મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
તરણેતર મેળામાં આયોજિત પ્રદર્શનમાં કરાઇ પોષણ માહની ઉજવણી
મોટા ધાનની વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન, રંગોળી અને પોષણ ગરબા દ્વારા જનજાગૃતિ
Posted On:
20 SEP 2023 3:51PM by PIB Ahmedabad
વિશ્વ વિખ્યાત તરણેતરનાં મેળામાં ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત મલ્ટી મીડિયા પ્રદર્શન સ્થળ પર આઈસીડીએસનાં સહયોગથી પોષણ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં સપ્ટેમ્બર માસ પોષણ માસ તરીકે ઉજવાતો હોય આજે પ્રદર્શન દરમિયાન આઈસીડીએસ, થાનગઢ દ્વારા મોટા ધાનથી બનાવેલી 15 જેટલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પોષણ શપથ, ગરબા, રંગોળી દ્વારા મુલાકાતીઓને સગર્ભા, માતા અને શિશુ તેમજ કિશોર - કિશોરીઓના પોષણ અંગે જનજાગૃતિ કરી હતી. વાનગીઓમાં વધુ પૌષ્ટિક આહાર બનાવનારાને કેન્દ્રીય સંચાર બ્યુરો સુરત દ્વારા પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. સાથે જ પોષણ જાગૃતિ અને મિશન લાઈફ અંગેની પત્રિકા, સ્વચ્છ ભારતનો સંદેશ આપતી અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો થાય એ માટે કાપડની બેગ અને કેપનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી કલ્પનાબેન શુક્લની સાથે મૂળી, લખતર અને દસાડાનાં સીડીપીઓ તેમજ થાન અને ચોટીલાનાં સુપરવાઈઝર ઉપસ્થિત રહ્યા હતાં.
CB/GP/JD
(Release ID: 1959040)
Visitor Counter : 209