વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

વિશ્વકર્મા જયંતીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કુશળ શ્રમયોગીઓને આપી પીએમ વિશ્વકર્મા યોજનાની ભેટ


પીએમ વિશ્વકર્મા યોજના'નો લાભ ગુજરાતના બે લાખ તો દેશમાં વીસ લાખ લોકોને મળશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'પીએમ વિશ્વકર્મા યોજના'ના શુભારંભ કાર્યક્રમમાં અમદાવાદ ખાતેથી સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે 18 પ્રકારના વ્યવસાયકારોને ગેરંટી વિના લોન, ટૂલ કિટ, તાલીમ, સ્ટાઇપેન્ડ સહિતના લાભો આપતી 'પીએમ વિશ્વકર્મા યોજના'ની ભેટ આપી

Posted On: 17 SEP 2023 6:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭૭મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને 'વિશ્વકર્મા યોજના' શરૂ કરવાનું વચન આપ્યું હતું. પોતાના આ વચનને પરિપૂર્ણ કરતા વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કુશળ શ્રમયોગીઓ માટેની 'પીએમ વિશ્વકર્મા' યોજનાનો દિલ્હી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.

'પીએમ વિશ્વકર્મા યોજના'ના શુભારંભ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી સહભાગી થયા હતા. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ ખાતેથી લાભાર્થીઓને લાભ એનાયત કરીને આ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત તથા સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

  

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નાના વ્યવસાયકારોના હુનર, ઉદ્યોગને સમયાનુરૂપ વિકાસ, તકો અને નવી ઓળખ આપવાનો પ્રયાસ આ 'પીએમ વિશ્વકર્મા યોજના'થી પ્રધાનમંત્રીશ્રીએ કર્યો છે.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોમ્પિટિશનના આજના યુગમાં 'પીએમ વિશ્વકર્મા યોજના' નાના કારીગરોને ટ્રેનિંગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટ માટેનું એક આખું મિકેનિઝમ ઊભું કરનારી આગવી યોજના બની રહેશે.

'પીએમ વિશ્વકર્મા યોજના' નો લાભ ગુજરાતના બે લાખ જેટલા નાના-મોટા કારીગરોને મળશે. એટલું જ નહીં, દેશમાં અંદાજિત વીસ લાખ લોકો યોજનાથી લાભન્વિત થશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કેદેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશાં ગરીબ, વંચિત, પીડિત અને શોષિત પ્રજાના કલ્યાણ અર્થે સમર્પિત રહ્યા છે. તેના જ ભાગરૂપે આજે શિલ્પ, સ્થાપત્ય, હસ્તકળા સહિત વિવિધ વ્યવસાયોના સ્થાપત્ય દેવ એવા ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતીના પાવન અવસરે પ્રધાનમંત્રીશ્રીએ આવા વ્યવસાયકારો અને કુશળ કારીગરો માટેની 'પીએમ વિશ્વકર્મા યોજના'ની ભેટ આપી છે.

પ્રધાનમંત્રીશ્રીના સુશાસન અને સેવાને સમર્પિત શાસન વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશનું શાસન સંભાળ્યા બાદના પ્રથમ પ્રવચનમાં જ પ્રધાનમંત્રીશ્રીએ ગરીબો અને પીડિતોના ઉત્થાન માટે સેવારત થવાનો સંકલ્પ સેવ્યો હતો. છેલ્લાં 9 વર્ષમાં અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓના યોગ્ય અમલીકરણ થકી 13 કરોડ 50 લાખ લોકોને ગરીબીમાંથી બહાર લાવીને સુશાસન અને વિકાસનો નવો ઇતિહાસ રચ્યો છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

પીએમ વિશ્વકર્મા યોજના વિશે વધુ વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, 'સૌના સાથ, સૌના વિકાસ'ના મૂળ મંત્રને સાકાર કરવાની દિશામાં સમર્પિત એવી આ યોજનાના અમલીકરણ માટે આવનારા 5 વર્ષોમાં 13 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

સુથાર, લુહાર, સોનાર, રમકડાં બનાવનાર, વણનાર, ચણતરકામ કરનાર, હોડી બનાવનાર, કુંભાર, હથોડી બનાવનાર, શિલ્પકાર, ચર્મકાર, રામી, બખ્તર બનાવનાર, તાળાં બનાવનાર, વાળંદ, માછલી પકડનાર, ધોબી, દરજી જેવા કુલ 18 પ્રકારના વ્યવસાયકારો આ યોજનાનો લાભ મેળવીને ખરાં અર્થમાં આત્મનિર્ભર બનશે અને 'અન ટુ ધ લાસ્ટ' એટલે કે અંત્યોદયનો વિકાસ થશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં આજે કેન્દ્ર અને રાજ્યની દરેક યોજનાના કેન્દ્રમાં નાનામાં નાના અને છેવાડાના માનવીનું હિત સમાયેલું હોય છે.

તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના સતત માર્ગદર્શનમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દરેક યોજનામાં એક પણ જરૂરતમંદ લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહી જાય અને સો ટકા લાભાર્થી સુધી યોજના ના લાભ પહોંચાડી સેચ્યુરેશન સુધી લઈ  જવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

 આજે દેશના તમામ નાગરિકોને કેન્દ્રની આ સરકાર પોતીકી સરકાર લાગી રહી છે.

કોરોનાકાળમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પીએમ સ્વનિધિ યોજના હેઠળ ૩ લાખ શહેરી ફેરિયાઓને રૂ. 300 કરોડની લોન સહાય ચૂકવવામાં આવી છે.

પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં જયારે દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે આ પી.એમ. વિશ્વકર્મા યોજના વિવિધ વ્યવસાયોના કારીગરોના સર્વગ્રાહી વિકાસનો અમૃતકાળ બનશે એમ મુખ્યમંત્રીએ  વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે સૌને વિશ્વકર્મા જયંતીની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આજે પીએમ વિશ્વકર્મા યોજનાનો શુભારંભ છે અને ભારતને વિશ્વગુરુ બનાવવાની નેમ ધરાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ પણ છે, માટે આજનો દિવસ ગૌરવદાયી દિવસ છે.

મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું કે, પીએમ વિશ્વકર્મા યોજનાથી જુદા જુદા 18 જેટલા કુશળ કારીગરોની હસ્તકલાને પ્રાધાન્ય આપી પ્રોત્સાહન આપી શકાશે. આ ઉપરાંત રાહત દરે લોન અને આધુનિક તાલીમ પણ અપાશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ હંમેશા છેવાડાના લોકો સુધી યોજનાકીય લાભો પહોંચી શકે તે દિશામાં પ્રયાસ કર્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં જણાવતાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અમેરિકા પ્રવાસની ફલશ્રુતિ રૂપે ગુજરાત સરકાર અને માઇક્રોન ટેકનોલોજી વચ્ચે MOU થયા. આજે ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગાર આપતું રાજ્ય છે.

આ પ્રસંગે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભગવાન વિશ્વકર્મા પૂજન દિવસ અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનો જન્મદિવસ હોવાથી આજનો દિવસ ઐતિહાસિક બની ગયો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હરહંમેશ દેશભરના વિશ્વકર્મા કારીગરોની ચિંતા કરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વકર્મા કારીગરો દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી આગવી ઓળખ અપાવવાનું પ્રણ લીધું છે. તાજેતરમાં યોજાયેલી G20 સમીટના મહેમાનોને પણ વિશ્વકર્મા કારીગરો દ્વારા નિર્મિત વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી.

તેમણે વધુમાં કહ્યું કેદેશભરના રેલવેસ્ટશનો ખાતે સ્ટોલ્સ, કેવડિયા કોલોની ખાતે એકતા મોલ, હસ્તકલા હાટ અને મેળાઓ જેવા વિવિધ આયોજનોથી કારીગરો દ્વારા નિર્મિત વસ્તુઓ ઘરે ઘરે પહોંચી છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કલકત્તાના હાવડા બ્રિજના નિર્માણ પ્રસંગે અંગ્રેજોએ પણ ભગવાન વિશ્વકર્માનું પૂજન કરાવ્યું હતું. ત્યારથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખાતમુહૂર્ત પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ ભગવાન વિશ્વકર્માનું પૂજન કર્યું હતું. વિશ્વકર્મા કારીગરોના આર્થિક ઉત્થાન માટેની પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા ભગવાન વિશ્વકર્માનું નવતર પૂજન થયું છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ કારીગરો સહિત તમામ નાગરિકોને પ્રધાનમંત્રીશ્રીને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કરવા તથા સ્વચ્છતાનો સંકલ્પ લેવાનું આહવાન પણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા 18 વર્ષ કે તેથી વધુ વયના વિવિધ 18 જેટલા વ્યવસાયો સાથે સંકળાયેલા કુશળ કારીગરોને પ્રથમ તબક્કામાં રૂ. 1 લાખ સુધીની લોન રાહત દરે 18 મહિનાના સમયગાળા પર આપવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કાની રૂ. 2 લાખ સુધીની લોન રાહત દરે 30 મહિનાના સમયગાળા પર આપવામાં આવશે.

વધુમાં, આ યોજનાના લાભાર્થીઓને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ પણ આપવામાં આવશે. કારીગરોને મૂળભૂત તથા આધુનિક સ્તરની તાલીમ અને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે અને તાલીમના સમયગાળા દરમિયાન ટૂલકિટ સ્વરૂપે રૂ.15,000 સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે. સિટી સિવિક સેન્ટરમાં આધારકાર્ડ આધારિત બાયોમેટ્રિક ચકાસણીને આધારે યોજનામાં ઓનલાઈન નોંધણી કરાવી શકાશે.

આ પ્રસંગે પીએમ વિશ્વકર્મા માહિતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ યોજનાના વર્ચ્યુઅલ શુભારંભ પ્રસંગે  શહેરના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, રાજ્યસભાના સાંસદ શ્રી  નરહરિ અમીન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી ડો. કિરીટ સોલંકી, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના સચિવ શ્રી એસ.જે. હૈદર, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.મ્યુનિસપિલ કમિશનર શ્રી એમ. થેન્નારસન, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે, સર્વે ધારાસભ્યશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, તથા મોટી સંખ્યામાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા કુશળ કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.

CB/GP/JD


(Release ID: 1958239) Visitor Counter : 409