પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

સશસ્ત્ર દળોમાં જોડાઈએ છીએ, ત્યારે તે રોજગાર અને નાણાકીય લાભની વાત નથી પરંતુ આત્મસન્માન, સદનસીબ અને ગૌરવની બાબત છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા


ચંદ્ર પર ભારતનો તિરંગો લહેરાયો છે એવા સમયે આપને પ્રધાનમંત્રીના હસ્તે નિમણૂક પત્ર મેળવવાનો અવસર મળ્યો છેઃ કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી રૂપાલા

8મા રોજગાર મેળામાં પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગરના બીએસએફ કેમ્પસમાં 1761 નિમણૂક પત્રોનું વિતરણ કરાયું

Posted On: 28 AUG 2023 3:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નવી ભરતી થયેલા લોકોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દેશભરમાં 45 સ્થળોએ રોજગાર મેળો યોજાયો હતો. રોજગાર મેળાના આ કાર્યક્રમ દ્વારા ગૃહ મંત્રાલય વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)માં જવાનોની ભરતી કરી રહ્યું છે, જેમ કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ), બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ), શાશ્વત સીમા બાલ (એસએસબી), આસામ રાઇફલ્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ), ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) તેમજ દિલ્હી પોલીસનો સમાવેશ થાય છે. દેશભરમાંથી પસંદ કરવામાં આવેલી નવી ભરતી મેળવનારાઓ ગૃહ મંત્રાલય હેઠળની વિવિધ સંસ્થાઓમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી), સબ-ઇન્સ્પેક્ટર (જનરલ ડ્યુટી) અને નોન-જનરલ ડ્યુટી કેડર પોસ્ટ્સ જેવા વિવિધ હોદ્દાઓ પર જોડાશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ અમૃત કાળ દરમિયાન નવા હોદ્દેદારોની 'અમૃત રક્ષક' તરીકે પસંદગી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમને અનુલક્ષી ગાંધીનગરમાં ચિલોડા બીએસએફ કેમ્પસમાં રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. જેમાં કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમ  રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગરમાં બીએસએફ કેમ્પસ ખાતે આયોજિત રોજગાર મેળામાં સીએપીએફમાંથી કુલ 1761 ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા હતા. જેમાં બીએસએફના 150, સીઆરપીએફના 100, સીઆઈએસએફના 20, આઈટીબીપીના 20 તથા એસએસબીના 18 ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા હતા. જ્યારે બાકીના ઉમેદવારોને તેમના નિમણૂક પત્રો ઈમેઈલથી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ આ પ્રસંગે કહ્યું, “તમે ખૂબ જ નસીબદાર છો કે તમને પ્રધાનમંત્રી શ્રી તરફથી એપોઇન્ટમેન્ટ લેટર મળવાનો છે. તમે એ સમયે સરકારી નોકરીમાં જોડાઈ રહ્યા છો જ્યારે ભારત ચંદ્ર પર પોતાનો ધ્વજ લહેરાવી રહ્યું છે, આવા અવસર પર તમને દેશની સેવા કરવાનો મોકો મળી રહ્યો છે.”

શ્રી રૂપાલાએ કહ્યું, ”મને વિશેષ આનંદ છે કે આજે 8મો મેળો છે અને સંપૂર્ણ 51000 જવાનો આપણા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં જોડાઈ રહ્યા છે, 1761 ઉમેદવારો ગુજરાત રાજ્યના છે જે ગુજરાત રાજ્યનું ગૌરવ વધારે છે. જ્યારે આપણે સશસ્ત્ર દળોમાં જોડાઈએ છીએ, ત્યારે તે રોજગાર અને નાણાકીય લાભની વાત નથી પરંતુ આત્મસન્માન, સારા નસીબ અને ગૌરવની બાબત છે. સશસ્ત્ર પોલીસ દળોએ દેશની આંતરિક સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બિપરજોય ચક્રવાત સમયે, ભારત સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન સાથે સુરક્ષા દળોએ તકેદારીનું ઉદાહરણ રજૂ કર્યું, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. દેશના વિકાસનો ભાગ બનીને અને તેમાં સક્રિયપણે સહકાર આપીને, તમે દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકો છો.”

તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોને નિમણૂક પછી તરત જ તાલીમ આપવામાં આવશે. શ્રી રૂપાલાએ કહ્યું, “કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં મોટી સંખ્યામાં ભરતી થવા બદલ હું ગુજરાતના યુવાનોને અભિનંદન આપું છું.”

CB/GP/JD



(Release ID: 1952918) Visitor Counter : 113