માહિતી અને પ્રસારણ મંત્રાલય

"9વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ" ચિત્ર પ્રદર્શનથી લોકોને મળી વિવિધ લાભદાયી જાણકારી: પ્રાચાર્ય ડૉ. યોગેશભાઈ પટેલ


કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત ત્રણ દિવસીય પ્રદર્શનનું આજે સમાપન

Posted On: 25 AUG 2023 8:03PM by PIB Ahmedabad

નવસારીમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા કેન્દ્ર સરકારના "૯ વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ"ની વિવિધ યોજનાઓની એક જ સ્થળેથી માહિતી આપવા માટે ત્રણ દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ દરમિયાન અનેક લોકોએ આ પ્રદર્શન નિહાળ્યું અને ઉપયોગી માહિતી વિશે સવિસ્તાર માહિતી મેળવી.

આ ચિત્ર પ્રદર્શનનું તા. 25 ના રોજ કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસીય પ્રદર્શનમાં બીજા દિવસે વિવિધ શાળાઓના બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કવિ નર્મદની જન્મજયંતી અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં તાલીમાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કવિતા વાચન, નૃત્ય, લોકગીત અને કવિ નર્મદના જીવન- કવન વિશે જણાવવામાં આવ્યું હતું.

જ્યારે ત્રીજા દિવસે સમાપન સમારંભના અઘ્યક્ષ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ. યોગેશ પટેલે  જણાવ્યું હતું કે આ પ્રદર્શનથી લોકોને જરૂરી માહિતી સરળતાથી મળી છે. જેનો લાભ એમને લેવો જોઈએ. આવા કાર્યક્રમોનું વારંવાર આયોજન થવું જોઈએ. કાર્યક્રમના મુખ્ય અતિથિ સહાયક માહિતી અધિકારી શ્રી યજ્ઞેશ ગોસાઈએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવાનો મુખ્ય હેતુ તેને લોકો સુધી પહોંચાડવાનો હોય છે. આ પ્રદર્શન દ્વારા લોકોએ માહિતી મેળવી તેનો યોગ્ય લાભ લેવો જોઈએ.

સમાપન સમારંભમાં ઉપસ્થિત અતિથિઓ દ્વારા પ્રદર્શનમાં સહયોગી બનવા બદલ વિવિધ વિભાગ જેમ કે નશાબંધી ખાતુ, સંકલિત બાલવિકાસ સેવાઓ, વાસ્મો, જિલ્લા ગ્રામિણ વિકાસ એજન્સી અને પોસ્ટ વિભાગના સ્ટોલ સંચાલકોને સન્માન ચિન્હ પ્રદાન કરવામાં આવ્યા હતા. તેમજ ત્રણેય દિવસ પ્રદર્શનની મુલાકાત કરનારાને કાપડની થેલી ભેટમાં આપી પ્લાસ્ટિકનો શક્ય એટલો ઉપયોગ ટાળવા સમજાવ્યા હતા.

આ કાર્યક્રમમાં માહિતી વિભાગના સિનિયર સબ એડિટર શ્રી રાજભાઈ જેઠવા, DIET ના અધ્યાપકો અને તાલીમાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રદર્શનને સફળ બનાવવા ક્ષેત્રિય પ્રચાર અઘિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા અને શ્રી રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.

CB/GP/JD(Release ID: 1952263) Visitor Counter : 117