માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

પીઆઈબી દ્વારા આયોજિત “વાર્તાલાપ”-રૂરલ મીડિયા વર્કશોપ અને ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરિચ પ્રોગ્રામ નડિયાદ ખાતે યોજાયો


નવીન પ્રવાહો સાથે તાદાત્મ્ય સાધી સરકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં પત્રકારોની ભૂમિકા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો માહિતી દર્શાવતું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

Posted On: 24 AUG 2023 4:27PM by PIB Ahmedabad

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી) અને કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા "9 વર્ષ સુશાસન અને ગરીબ કલ્યાણ" અંતર્ગત સરકારશ્રીની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે નડિયાદની સાઈપ્રેસ હોટલ ખાતે “વાર્તાલાપ”-રૂરલ મીડિયા વર્કશોપ અને ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરિચ પ્રોગ્રામ યોજાયો. જેમાં પત્રકારત્વ જગત સાથે સંકળાયેલા વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓના મહાનુભવો દ્વારા મીડિયા અને પત્રકારત્વમાં આવેલ પ્રત્યાયનના નવીન પ્રવાહો, પત્રકારત્વમાં  સોશિયલ મીડિયાની ભૂમિકા, ઓનલાઈન જર્નાલિઝમ, પત્રકારત્વમાં સત્યની પરખ જેવા અગત્યના મુદ્દાઓ પર સંવાદ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ વિશેની માહિતી વધુ અસરકારક રીતે છેવાડાના માનવી સુધી પહોંચાડવા પત્રકારોને મદદરૂપ થઈ શકે એવી બાબતો વિશે ખ્યાતનામ કટાર લેખકશ્રી ભવેન કચ્છીએ વાત કરી હતી. અંતરીયાળ વિસ્તારોમાં સામાન્ય માણસ સરળાતાથી સમજી શકે તે પ્રકારની રજુઆત કરવા અંગે શ્રી કચ્છીએ માર્ગદર્શન આપ્યું હતું.

સનવિલાસ સમાચારના સંપાદક શ્રી અક્ષેશ સાવલિયાએ ડિજીટલ મીડિયા : પત્રકારત્વમાં આદર્શ પરિવર્તન અંગે વાત કરતા જણાવ્યું હતું કે આજના સમયમાં ડિજીટલ મીડિયામાં તાત્કાલિક ધોરણે સમાચાર મળે છે. જેથી નાનામાં નાનો પત્રકાર તેની માહિતી દેશ-વિદેશમાં ઝડપથી પહોંચાડી શકે છે. તેમણે ઓનલાઈન પત્રકારત્વને નફાકારક બનાવવા જરૂરી સમયસુચકતા અને ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ પર વાત કરી હતી.

દૂરદર્શન ન્યૂઝ, સમાચાર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ઉત્સવ પરમારે સોશ્યલ મિડીયાનો પત્રકારત્વમાં યોગ્ય ઉપયોગ કરવા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પત્રકારત્વમાં ફેક્ટ ચેક, વિવેકબુદ્ધીનો ઉપયોગ, વાર્તાની જેમ સરળ ભાષામાં લેખનની રજૂઆત અને દ્વેષભાવ રહીત પત્રકારત્વ કરવા બાબતે જણાવ્યું હતું.

પીઆઇબીના અપર મહાનિદેશક, ગુજરાત રીઝન શ્રી પ્રકાશ મગદુમ દ્વારા આ સેમિનારનો હેતુ જણાવતા કહ્યું કે પત્રકારો જનતાના પ્રતિનિધિ છે. સરકાર દ્વારા જનતાની સુખાકારી માટે અમલમાં મૂકવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી દેશના દરેક ખૂણા સુધી પહોંચાડવાનું મહત્વનું કામ પત્રકારો કરે છે. સરકારની યોજનાઓની માહિતી લોકો પહોંચાડવા તથા આ યોજનાઓનો ગ્રાઉન્ડ લેવલનો ફીડબેક સરકાર સુધી પહોંચાડવાનું કામ પત્રકારો સુચારું રીતે કરી શકે તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમના અંતમાં ખેડા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક સુશ્રી નિત્યા ત્રિવેદી દ્વારા જનતાના પ્રશ્નોનો નિકાલ લાવવાની દિશામાં પત્રકારોની અને માહિતી ખાતાની સંકલિત ભૂમિકા પર વાત કરી ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની અગત્યની માહિતી દર્શાવતું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તેમજ સરકારશ્રી યોજનાઓને અનુરૂપ ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત આ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા " 9 વર્ષ સુશાસન અને ગરીબ કલ્યાણ" અંતર્ગત સરકારશ્રીની લોક કલ્યાણકારી યોજનાઓ ની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે બે દિવસીય વિશેષ જન સંપર્કનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખેડા જિલ્લા એજ્યુકેશન સોસાયટી સંચાલિત બાસુંદીવાળા પબ્લિક હાઇસ્કુલમાં 9 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ, સ્વચ્છ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત, યોગ જેવા જનજાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધામાં મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. તેની સાથે સકારાત્મક પ્રતિભવો પણ આપ્યા હતા. આ ઉપરાત શારદા સોશ્યલ વેલ્ફર ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ બાળકો માટેની મૈત્રી સંસ્થામાં ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓની આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ  સરકારશ્રીના 9 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ વિષયને આવરી લેતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી ખેડા જિલ્લાના નાગરીકો સુધી પહોંચે અને સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ એમને મળી રહે તેવો હતો.

જે અંતર્ગત બાસુંદીવાલા પબ્લિક હાઇસ્કુલ તેમજ શારદા સોશ્યલ વેલ્ફર ટ્રસ્ટના વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બે દિવસીય આ કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપતા કેન્દ્રિય સંચાર બ્યુરો, પાલનપુરના અધિકારી શ્રી જે.ડી ચૌધરી એ જણાવ્યું હતું કે ભારત સરકારના ૯ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણમાં નવ વર્ષના નાગરીકો માટેના સમાવેશી વિકાસ કાર્યોની વિસ્તૃત જાણકારી આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવી હતી.

આ પ્રસંગે અપર મહાનિદેશક, ગુજરાત રીઝન શ્રી પ્રકાશ મગદુમ, દૂરદર્શન ન્યુઝ, સમાચાર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ઉત્સવ પરમાર, સનવિલાસ સમાચારના સંપાદક શ્રી અક્ષેશ સાવલિયા, સેન્ટ્રલ બ્યૂરો ઓફ કોમ્યુનિકેશનના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ચિરાગ ભોરણીયા, કટાર લેખક શ્રી ભાવિન કચ્છીખેડા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી નિત્યા ત્રિવેદી, ખેડા જિલ્લાના પત્રકારો, પી.આઈ.બીના કર્મચારીઓ, શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

PM/AKM/GP


(Release ID: 1951711) Visitor Counter : 209