માહિતી અને પ્રસારણ મંત્રાલય

ભાવનગર ખાતે આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન એટલે માહિતી, માર્ગદર્શન અને જાગૃતતા સંદેશનો ત્રિવેણી સંગમ


ભાવનગરનાં યુવાવર્ગને આકર્ષિત કરી રહ્યું છે મલ્ટીમીડિયા પ્રદર્શન, બહોળી સંખ્યામાં યુવાઓ લઈ રહ્યા છે મુલાકાત

કેન્દ્રીય સંચાર બ્યુરો,જુનાગઢ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનું ઉત્કૃષ્ટ આયોજન

Posted On: 24 AUG 2023 4:19PM by PIB Ahmedabad

કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના અટલ ઓડિટોરિયમ ખાતે આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન ભાવનગરના યુવા વર્ગને આકર્ષી રહ્યું છે. બહોળી સંખ્યામાં ભાવનગરના નગરજનો સહિત યુવાવર્ગ આ પ્રદર્શનની મુલાકાત લઈ સરકારની વિભિન્ન યોજનાઓ સહિત અભિયાનો અંગે જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રદર્શનમાં સામેલ ફિટ ઇન્ડિયા ક્વિઝ, વર્ચ્યુઅલ રિયાલિટી, સેલ્ફી કોર્નર, ફોટો પોઇન્ટ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

પ્રદર્શન અને તેના મુલાકાતીઓ વિશે જાણકારી આપતા કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે 22 ઓગસ્ટથી શરૂ થયેલ આ પાંચ દિવસીય પ્રદર્શનમાં પ્રથમ ત્રણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવનગરના યુવા વર્ગે પ્રદર્શનની મુલાકાત લીધી છે. પ્રદર્શન સ્થળ પર નવી ટેકનોલોજીના ઉપયોગ થકી તેમજ સરળ સમજી શકાય તેવી ભાષામાં વિસ્તૃત રીતે સરકારની વિભિન્ન યોજનાઓ અંગે જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે. સાથે જ યુવા વર્ગને ઉપયોગી થાય તેવી માહિતી અને માર્ગદર્શન પણ સ્થળ પર પૂરું પાડવામાં આવી રહ્યું છે જેનો લાભ વિશેષ કરીને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. માત્ર એટલું જ નહીં વર્તમાન સમયમાં ચાલી રહેલા સરકારના વિભિન્ન રાષ્ટ્રીય અભિયાનો અંગે યુવાવર્ગમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પણ આ પ્રદર્શનમાં વિશેષ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ જન જન સુધી પહોંચે જેના ભાગરૂપે કેપ વિતરણ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થાય તે માટે કાપડની થેલીનું વિતરણ તેમજ સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટેના શપથ જેવાં જનજાગૃતતાનાં પ્રયાસો તેમજ અભિયાનોલક્ષી સ્પર્ધાઓનું આયોજન પણ પ્રદર્શન સ્થળ પર કરવામાં આવી રહ્યું છે. જેમાં યુવાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. એમ કહી શકાય કે એક જ સ્થળ પર યુવાવર્ગને સરકારની વિભિન્ન યોજનાઓ અંગે માહિતીની સાથે માર્ગદર્શન પણ મળી રહ્યું છે અને માત્ર એટલું જ નહીં પરંતુ અભ્યાનોમાં જનભાગીદારી વધે તે આશયથી જાગૃતતા સંદેશ પણ ફેલાવાઈ રહ્યો છે.

પ્રદર્શનની મુલાકાત લેનાર મુલાકાતીઓનું કહેવું છે કે ભાવનગરના આંગણે પ્રથમવાર આવું કોઈ મલ્ટીમીડિયા પ્રદર્શન યોજાયું છે જે અમારા માટે આનંદની વાત છે. પ્રદર્શનમાં એક જ સ્થળ પર સરકારની વિભિન્ન યોજનાઓ અને કાર્ય પ્રણાલી વિશે માહિતી, યોજનાઓનો લાભ લેવા અંગેનું માર્ગદર્શન અને અભિયાનો અંગે જાગૃતતા સંદેશનો ત્રિવેણી સંગમ રચાયો છે.  સવિશેષ શાળા કોલેજના વિદ્યાર્થી વર્ગને તેમના કારકિર્દી ઘડતરમાં આ પ્રદર્શન ખૂબ જ સહાયરૂપ  થાય તેમ છે.

CB/GP/JD



(Release ID: 1951706) Visitor Counter : 119