માહિતી અને પ્રસારણ મંત્રાલય

"9વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ"ની માહિતી દ્વારા વધુમાં વધુ લોકો લાભ મેળવે: કલેક્ટર અમિત પ્રકાશ યાદવ


કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત ત્રણ દિવસીય મલ્ટીમીડિયા ચિત્ર પ્રદર્શનનું કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન

પ્રદર્શન તા.23થી 25 ઓગસ્ટ દરમિયાન સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી લોકોને નિ:શુલ્ક જોવા મળશે

Posted On: 23 AUG 2023 3:28PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારના "૯ વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ"ની વિવિધ યોજનાઓની એક જ સ્થળેથી માહિતી આપવા માટે ત્રણ દિવસીય ચિત્ર પ્રદર્શનનું આજે કલેક્ટર અમિત પ્રકાશ યાદવના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સરકારની 180 જેટલી વિવિધ લોકકલ્યાણની યોજનાઓ ચાલી રહી છે. જેના વિશે વધુમાં વધુ લોકોએ જાણકારી મેળવવી જોઈએ અને પોતાને લાગુ પડતી યોજનાઓનો લાભ મેળવવો જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે, સરકારની યોજનાઓ બાબતે જાગૃતિ લાવવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વિવિધ વિભાગોના સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે લોકોને આ માહિતી મેળવી તેનો મહત્તમ ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે સ્ટોલના અધિકારીઓને પણ લોકોને વ્યવસ્થિત માહિતી અને વિભાગનું સરનામું વગેરે આપી લોકોની મદદ કરવા જણાવ્યું હતું.

કલેક્ટર શ્રી દ્વારા પ્રદર્શનના ઉપલક્ષ્યમાં યોજાયેલી વિવિધ સ્પર્ધાનાં વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

તેમણે પ્રદર્શની નિહાળી અને ત્યાં રાખવામાં આવેલા સેલ્ફી બુથ પર તસવીર પણ લીધી હતી. ત્યાર બાદ અહીં તૈયાર કરવામાં આવેલા વિવિધ વિભાગોના સ્ટોલ્સની પણ મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. ત્યાર બાદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની તાલીમાર્થીઓ દ્વારા સુમધુર કંઠે પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય ડૉ. યોગેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રીબેન ટંડેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમાર અને નેહરુ યુવા કેન્દ્રનાં જિલ્લા યુવા અધિકારી કુ. વર્ષા રોધા ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમની રૂપરેખા ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ આપી હતી. જ્યારે કાર્યક્રમનું સુત્ર સંચાલન ડૉ. મનિષભાઈ પટેલે કરી હતી.

CB/GP/JD



(Release ID: 1951377) Visitor Counter : 113