માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

"9વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ" પર યોજાશે ત્રણ દિવસીય મલ્ટીમીડિયા ચિત્ર પ્રદર્શન


કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારીમાં તા.23થી 25 ઓગસ્ટ દરમિયાન આયોજન

સરકારના વિવિધ વિભાગ પણ સ્ટોલ દ્વારા આપશે માહિતી

Posted On: 22 AUG 2023 4:00PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારના "૯ વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ"ની વિવિધ યોજનાઓની એક જ સ્થળેથી માહિતી આપવા માટે ત્રણ દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે.

સરકારની સિદ્ધિઓ અને સફળતા જન જન સુધી પહોંચડવા માટે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં નવસારીના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કેન્દ્ર સરકારના "૯ વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ"ની વિવિધ યોજનાઓની એક જ સ્થળેથી માહિતી મળે એ માટે તા. 23થી 25 ઓગસ્ટ ત્રણ દિવસ મલ્ટીમીડિયા ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનું તા.23 નાં સવારે 11 વાગે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામિણ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય અને અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવશે.

આ કાર્યક્રમની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આજે જિલ્લા ગ્રામિણ વિકાસ એજન્સીના નિયામક શ્રી એમ એસ ગઢવીના હસ્તે પ્રચાર અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સહાયક માહિતી અધિકારી શ્રી યજ્ઞેશભાઈ ગોસાઈ તેમજ જિલ્લા ગ્રામિણ વિકાસ એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 તેમજ અડદા ગામ સ્થિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં વિવિધ વર્ગના વિદ્યાર્થીઓ માટે "એક ભારત શ્રેષ્ઠ ભારત" વિષય પર વકતૃત્વ સ્પર્ધા, "બેટી બચાઓ બેટી પઢાઓ" પર નિબંધ અને "સ્વચ્છ ભારત" વિષય પર ચિત્રકળા સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઉદ્ઘાટન સમારોહમાં પુરસ્કાર અને પ્રમાણ પત્ર મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવશે.

આ ત્રણ દિવસીય મલ્ટીમીડિયા ચિત્ર પ્રદર્શનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેમ કે નશાબંધી ખાતુ, આરોગ્ય, જિલ્લા ગ્રામિણ વિકાસ અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ પોતાના વિભાગની કામગીરી અને કલ્યાણકારી યોજનાઓ વિશે સ્ટોલ તૈયાર કરી માહિતીનું પ્રદર્શન પણ કરશે.

આ પ્રદર્શન તા.23થી 25 ઓગસ્ટ દરમિયાન સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી લોકોને નિ:શુલ્ક જોવા મળશે એવી માહિતી ક્ષેત્રિય પ્રચાર અઘિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ આપી હતી.

CB/GP/JD


(Release ID: 1951069) Visitor Counter : 214