સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત, ભારતીય ટપાલ વિભાગ દ્વારા “ઢાઈ અક્ષર” અખિલ ભારતીય પત્ર લેખન પ્રતિયોગિતાનું આયોજન
Posted On:
16 AUG 2023 3:57PM by PIB Ahmedabad
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત, ભારતીય ટપાલ વિભાગ દ્વારા “ઢાઈ અક્ષર” અખિલ ભારતીય પત્ર લેખન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સ્પર્ધકોએ નવા ભારત માટે ડિજિટલ ભારત વિષય પર પત્ર લખવાનો રહેશે. જેમાં વિજેતાને રૂ. 5000થી લઈને રૂ. 50000 સુધીનો પુરસ્કાર મળી શકે છે.
પત્ર અંગ્રેજી/હિન્દી/ગુજરાતીમાંથી શ્રી ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલને સંબોધીને લખી શકાશે. આ પત્ર એ-4 સાઈઝના કાગળ (વધુમાં વધુ 1000 શબ્દો) અથવા આંતરદેશીય કાર્ડ (વધુમાં વધુ 500 શબ્દો)માં લખી શકાશે. એ-4 સાઈઝના કાગળને એમ્બોસ્ડ કવરમાં નાખી પોસ્ટ કરવાના રહેશે.
આ પત્રો “શ્રી ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, ખાનપુર, અમદાવાદ-380001”ના સરનામે તા. 31/10/2023 સુધીમાં પહોંચી જાય તે રીતે મોકલવાના રહેશે, જે માટે શહેરમાં નક્કી કરેલ પોસ્ટ ઓફિસમાં (નવરંગપુરા, રેવડી બજાર, મણિનગર, માણેકબાગ અને ગાંધી આશ્રમ) મુકેલ ખાસ ટપાલપેટીમાં પોસ્ટ કરવાના રહેશે. ગામડાંનાં લોકો પોતાના ગામની શાખા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરી શકે છે.
આ સ્પર્ધા બે કેટેગરીમાં (1) – 18 વર્ષ સુધીની ઉંમર માટે, (2) 18 વર્ષથી ઉપરની ઉંમર માટે રાખેલ છે. સ્પર્ધકોએ પત્રમાં લખવું કે, “હું પ્રમાણિત કરૂં છું કે હું 18 વર્ષથી નીચે/ઉપર છું.
રાજ્ય સ્તર પર સર્વશ્રેષ્ઠ ત્રણ સ્પર્ધકોને અનુક્રમે રૂ. 25000/-, રૂ. 10000/- અને રૂ. 5000/- પુરસ્કાર આપવામાં આવશે તથા રાષ્ટ્રીય સ્તર પર સર્વશ્રેષ્ઠ ત્રણ સ્પર્ધકોને અનુક્રમે રૂ. 50000/-, રૂ. 25000/- અને રૂ. 10000/- પુરસ્કાર આપવામાં આવશે.
વધુ વિગતો વિભાગની વેબસાઈટ http://www.indianpost.gov.in પર જાણી શકાશે.
(Release ID: 1949393)
Visitor Counter : 208