યુવા બાબતો અને રમત મંત્રાલય

નેહરુ યુવા કેન્દ્ર સંગઠન, અમદાવાદ દ્વારા “મેરી માટી મેરા દેશ – મિટ્ટી કો નમન, વીરો કો વંદન” કાર્યક્રમોના સફળ આયોજનમાં વિશેષ સહયોગ

Posted On: 11 AUG 2023 4:32PM by PIB Ahmedabad

આઝાદીના અમૃત મહોત્સવ તથા અમૃત-કાલ મહોત્સવ કાર્યક્રમોના ભાગ રૂપે યુવા બાબતો અને ખેલ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર સંગઠન, અમદાવાદના યુવા મંડળો તેમજ યુવા સ્વયંસેવકો દ્વારા જિલ્લા યુવા અધિકારી શ્રીના માર્ગદર્શનમાં જિલ્લા તેમજ સ્થાનિક પ્રશાસનનો વિશેષ સહયોગ કરી “મેરી માટી મેરા દેશ – મિટ્ટી કો નમન, વીરો કો વંદન”  કાર્યક્રમોના સફળ  આયોજનમાં વિશેષ સહયોગ આપવામાં આવી રહ્યો છે. 

કાર્યક્રમ વિષે વિગતે જણાવતા જિલ્લા યુવા અધિકારી શ્રી, અમદાવાદ પ્રિતેશ કુમાર ઝવેરીએ કહ્યું કે, મેરી માટી મેરા દેશ કાર્યક્રમો રાષ્ટ્ર સ્તરે દરેક રાજ્યોના પ્રત્યેક જિલ્લાઓમાં આયોજન કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારત માતાની વસુધા એટલે કે માટીનું નમન કરવું, જેમાં પ્રત્યેક દેશવાસી હાથમાં મુઠ્ઠીભર માટી કે માટીનો દીવો લઇ તેને એક કળશમાં ભરી પંચ પ્રણ શપથ લઇ રહ્યા છે અને તેમના ગામ કે પંચાયતના સ્વતંત્રતાસેનાનીઓ કે યુધ્ધ વીરો અને શહીદોના પરિવારજનોને ઉક્ત કાર્યક્રમમાં આમંત્રણ આપી વીરોના વંદન કાર્યક્રમોનું પણ આયોજન સફળતાપૂર્વક થઇ રહ્યું છે. સાથે જ જે તે ગામના અમૃત સરોવર કે જળાશયો નજીક ઓછા માં ઓછા ૭૫ છોડ ધરાવતી “અમૃત વાટિકા” અને વીરોને શ્રદ્ધાંજલિ આપતા અને બિરદાવતા “શીલાફલકમ” પણ ઉભા કરાઈ રહ્યા છે.

નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો ઉપરોક્ત કાર્યક્રમો વિષે જન-જાગૃતિ લાવવા તથા કાર્યક્રમોના સફળ આયોજનમાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી રહ્યા છે અને સાથે જ કાર્યક્રમોને સોશિયલ મેડિયા તથા ભારત સરકારના યુવા પોર્ટલ અને મેરી માટી મેરા દેશ પોર્ટલ પર પણ સેલ્ફી અને વીડિયો બનાવી અપલોડ કરવાનું તથા જન-સામાન્ય દ્વારા અપલોડ કરાવવાનું કાર્ય પણ કરી રહ્યા છે. નોંધનીય છે કે, બંને પોર્ટલ પર નોંધણી કરી ફોટો/વીડિયો અપલોડ કરતા જ ભારત સરકાર દ્વારા ડિજિટલ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની સુવિધા પણ કરાયેલ છે.

ઉલ્લેખનીય છે કે પ્રત્યેક ગ્રામ પંચાયતોમાંથી ઉપરોક્ત કાર્યક્રમોમાં કળશમાં એકઠી કરવામાં આવેલ માટીને યુવાનો તેમજ ગ્રામજનો દ્વારા મિટ્ટી યાત્રા કાઢી તાલુકા સ્તરે એકઠી કરવામાં આવશે અને પ્રત્યેક તાલુકામાંથી ગામોની ભેગી કરાયેલ માટીને એક કળશ માં એકઠી કરી, પ્રત્યેક તાલુકામાંથી એક નવ-યુવાન તેને રાજધાની દિલ્હી સુધી લઇ જશે જ્યાં દેશના પ્રત્યેક જિલ્લા માંથી કળશો માં એકઠી કરાયેલ માટીમાંથી રાષ્ટ્ર સ્તરીય અમૃત વાટિકાનું સર્જન કરવામાં આવશે અને ૨૮થી ૩૦ ઓગસ્ટ સુધી માં મેરી માટી મેરા દેશ કાર્યક્રમોનું રાષ્ટ્ર સ્તરે સમાપન કરવામાં આવશે.

ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ અમૃત મહોત્સવના ભાગરૂપે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમો પણ યોજવાના છે જે માટે જિલ્લા યુવા અધિકારી શ્રીએ જિલ્લાના સમસ્ત યુવાનોને કાર્યક્રમોમાં જોડાવા અને જન-સામાન્ય ને જોડવા અને જાગૃત કરવા માટે પણ આહ્વાન કર્યું.

CB/GP/JD

 



(Release ID: 1947776) Visitor Counter : 207