માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

નવી શિક્ષણ નીતિ એટલે સમયના બદલાવ સાથે શિક્ષણ પ્રણાલીમાં આવેલો ઐતિહાસિક બદલાવ


સમયના બદલાવ સાથે શિક્ષણ પ્રણાલીમાં ફેરફાર કરવો આવશ્યક હોય છે અને માટે જ નવી શિક્ષણ નીતિને ચારે તરફથી આવકાર મળી રહ્યોઃ કેન્દ્રીય વિદ્યાલય રાજકોટના આચાર્ય શ્રી જી.આર.મીણા

Posted On: 28 JUL 2023 7:29PM by PIB Ahmedabad

નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020ને ત્રણ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય વિદ્યાલય રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મૂલ્યો, ત્રણ વર્ષ દરમિયાનની તેની સિદ્ધિઓ અને તેના ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવાના ભાગરૂપે આ પત્રકાર પરિષદનું આયોજન કેન્દ્રીય વિદ્યાલય રાજકોટ દ્વારા કરાયું હતું. પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય વિદ્યાલય રાજકોટના આચાર્ય શ્રી જી.આર.મીણા તેમજ જવાહર નવોદય વિદ્યાલય રાજકોટના આચાર્ય જે. કે. ગોંડલિયાએ નવી શિક્ષણનીતિના મહત્વના મુદ્દાઓ તેમજ તેની સિદ્ધિઓ અંગે જાણકારી પૂરી પાડી હતી.

સમયના બદલાવ સાથે શિક્ષણ પ્રણાલીમાં ફેરફાર કરવો આવશ્યક હોય છે અને માટે જ નવી શિક્ષણ નીતિને ચારે તરફથી આવકાર મળી રહ્યો હોવાનું જણાવતા કેન્દ્રીય વિદ્યાલય રાજકોટના આચાર્ય શ્રી જી આર મીંણા કહ્યું હતું કે દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવશે. સાથે જ વિદ્યાર્થીઓ શિક્ષણને રચનાત્મક રીતે પ્રાપ્ત કરે અને નિયત અભ્યાસક્રમની સાથે રુચિ મુજબના વિષયો અને કૌશલ્યમાં મહારત હાંસલ કરે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નવી શિક્ષણનીતિમાં બાલવાટિકાથી શરૂ કરીને વિદ્યાર્થીના શારીરિક અને માનસિક વિકાસને ધ્યાને રાખી સહ અભ્યાસુ પ્રવૃત્તિઓ સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વધુ માહિતી આપતા પત્રકાર પરિષદમાં જણાવ્યું કે માત્ર એકેડેમીક  જ નહીં પરંતુ વોકેશનલ એજ્યુકેશન પણ નવી શિક્ષણ નીતિમાં સામેલ કરવામાં આવ્યું છે. શિક્ષણની સાથે કૌશલ્યના વિકાસ થકી વિદ્યાર્થીનું સર્વાંગી ઘડતર થશે જેનાથી પ્રત્યેક વિદ્યાર્થી શૈક્ષણિક કારકિર્દી દરમિયાન જ પોતાના કૌશલ્યનો વિકાસ સાધી શકશે જે આ નવી શિક્ષણ નીતિનું મહત્વનું પાસું છે. ભારતની પ્રાદેશિક ભાષાઓના મહત્વની સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિકાસ સાધી શકાય તે પ્રકારનું શ્રેષ્ઠ શિક્ષણ નવી શિક્ષણ નીતિ દ્વારા પ્રાપ્ત થઈ રહ્યું હોવાનું જણાવતા બંને આચાર્યશ્રીઓએ દેશભરમાં કેન્દ્રીય વિદ્યાલય અને જવાહર નવોદય વિદ્યાલયોમાં નવી શિક્ષણનીતિ લાગુ કર્યા બાદ આવેલા આમૂલ પરિવર્તન અને આ શિક્ષણ નીતિથી મળેલ સિદ્ધિની ચર્ચા કરી હતી.

YP/GP/JD


(Release ID: 1943813) Visitor Counter : 324