માનવ સંસાધન વિકાસ મંત્રાલય
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને ત્રણ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિદ્યાનગર સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
Posted On:
28 JUL 2023 4:03PM by PIB Ahmedabad
મહાત્મા ગાંધીજીના બુનિયાદી શિક્ષણના સપનાને સાકાર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ અમલી બનાવાઈ છે, જેને ત્રણ વર્ષ પૂર્ણ થતા શિક્ષણનીતિની સિદ્ધિઓ અને ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવાના ભાગરૂપે વિદ્યાનગર સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે આનંદ જિલ્લાના માધ્યમકર્મીઓ સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય વિદ્યાલય, મકરપુરાના પ્રાચાર્યશ્રી જીતેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ બાળકોમાં મૌલિકતાનું સિંચન કરવાની સાથે તેમનામાં છુપાયેલી રચનાત્મકતાને બહાર લાવવામાં મદદરૂપ થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બાળકોને ધોરણ પાંચ સુધી માતૃભાષામાં શિક્ષણ મળશે તેમજ પોતાની પસંદગીના વિષયોનો અભ્યાસ કરી શકશે એટલે કે, ફીઝિક્સનો અભ્યાસ કરતો વિદ્યાર્થી મનોવિજ્ઞાનનો પણ અભ્યાસ કરી શકશે.
પ્રાચાર્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 અંતર્ગત સિવણ, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર જેવા અભ્યાસક્રમો અમલી બનાવાયા છે જેના થકી વિદ્યાર્થીઓને ભણતરની સાથે વ્યવહારૂ જ્ઞાન પણ મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ટેકનોલોજી ક્ષેત્રે પણ આગળ વધે તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સને અભ્યાસક્રમમાં સમાવવામાં આવેલ છે.
આ તકે ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયના પ્રાચાર્યશ્રી ડૉ. વી. મુનીરમૈયાએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 માં વિદ્યાર્થીઓ રચનાત્મક રીતે શિક્ષણ પ્રાપ્ત કરે અને નિયત અભ્યાસક્રમની સાથે રૂચિ મુજબના વિષયો અને કૌશલ્યમાં મહારત હાંસલ કરે તેવી ભવિષ્યલક્ષી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે અંતર્ગત જુના 10+2 ની જગ્યાએ 5+3+3+4 મુજબના અભ્યાસક્રમને અમલી બનાવાયો છે. જેમાં બાળક ત્રણ વર્ષનું થતા બાલવાટિકામાં અને છ વર્ષનું થતા ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
હાલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયમાં લાગુ કરવામાં આવી છે. જેને તબક્કાવાર રાજ્યસ્તરે પણ લાગુ કરવામાં આવશે. આ નીતિ થકી બાળકોમાં સ્કિલની સાથે સાથે બાળપણથી જ સંસ્કારોનું સિંચન પણ થશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે પ્રભારી પ્રાચાર્યશ્રી પી.કે.સાહ, આણંદ જિલ્લા શિક્ષણ નિરિક્ષકશ્રી એમ.એમ.શેખ, શિક્ષકો અને મોટી સંખ્યામાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક માધ્યમના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
CB/GP/LP
(Release ID: 1943676)
Visitor Counter : 132