માનવ સંસાધન વિકાસ મંત્રાલય
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ત્રીજી વર્ષ ગાંઠ સંદર્ભે ADE દીવ અને કેન્દ્રીય વિદ્યાલય દીવ અને નવોદય વિધાલય દીવ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન
નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી નહીં કરવી પડે, કૌશલ્યો સંવર્ધનને પ્રાધાન્ય
21મી સદીની જરૂરિયાતોને અનુરૂપ વ્યાપક-આધારિત, લવચીક, બહુવિધ શિક્ષણ દ્વારા ભારતને વાઇબ્રન્ટ નોલેજ સોસાયટી અને વૈશ્વિક જ્ઞાન મહાસત્તામાં રૂપાંતરિત કરવાનું
નવી શિક્ષણનીતિના ત્રણ વર્ષ પૂર્ણ: 10+2+3 ની જગ્યાએ 5+3+૩+4 મુજબના અભ્યાસક્રમ કેન્દ્રીય વિદ્યાલયોમાં અમલી
નવી શિક્ષણનીતિથી બેરોજગારીની સમસ્યા હલ થશે
નવી શિક્ષણ નીતિ ભારતને વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર તરફ દોરી જશે
ADE દીવ તેમજ કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીએ નવી શિક્ષણ નીતિની જાણકારી આપી
Posted On:
28 JUL 2023 12:45PM by PIB Ahmedabad
દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવશે. સાથે જ વિદ્યાર્થીઓ શિક્ષણને રચનાત્મક રીતે પ્રાપ્ત કરે અને નિયત અભ્યાસક્રમની સાથે રુચિ મુજબના વિષયો અને કૌશલ્યમાં મહારત હાંસલ કરે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે . નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 ને ત્રણ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે ADE દીવ અને કેન્દ્રીય વિદ્યાલય દીવ અને નવોદય વિદ્યાલય દીવ ના સંયુક્ત ઉપક્રમે સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ દીવ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ના મૂલ્યો,ત્રણ વર્ષ દરમિયાનની તેની સિદ્ધિઓ અને તેના ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવાના ભાગરૂપે આ પત્રકાર પરિષદનું આયોજન સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ દીવ ખાતે કેન્દ્રીય વિદ્યાલય દીવ અને નવોદય વિદ્યાલય દીવ અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦નાં ત્રણ વર્ષ પૂર્ણ થતાં નવી શિક્ષણનીતિથી અવગત કરાવતા શ્રી આર.કે. સિંહ, ADE દીવ અને કેન્દ્રીય વિદ્યાલયના પ્રભારી આચાર્ય શ્રી પ્રવીણ કુમાર મુરડીયા અને નવોદય વિદ્યાલયના આચાર્ય શ્રી પ્રશાંત એ જણાવ્યું કે વર્ષ-2030 સુધીમાં ધો-1 થી 10માં 100 નામાંકન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં 10+2+3 મુજબ શૈક્ષણિક માળખાનું વર્ગીકરણ થયેલ છે. તેને હવે 5+3+3+4 મુજબ અમલી બનાવવામાં આવ્યું છે. ઉપરાંત શાળાના વાતાવરણ સાથે બાળકો અનુકૂલન શોધી શકે તે માટે તેમને ત્રણ વર્ષ થયાથી બાલ વાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આમ, બાળક ૬ વર્ષનું થયા પછી ધો-1માં પ્રવેશ આપવામાં આવશે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓ, રમત, વાર્તા અન્ય શૈક્ષણિક ઉપકરણો ઉપરાંત શિક્ષક અને વિદ્યાર્થીના વચ્ચે જોડાણ સ્થાપિત થાય તેવી રીતે શિક્ષણ કાર્ય કરવા પર ભાર આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની રૂચી મુજબના વિષયોનો અભ્યાસ કરી શકે તેની પણ છૂટ આપવામાં આવી છે ઉપરાંત ભવિષ્યમાં જે ક્ષેત્રમાં તક રહેલી છે, તેવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વગેરે જેવી બાબતોના કૌશલ્યો વિદ્યાર્થીઓ શીખી શકે તેને આ શિક્ષણનીતિ હેઠળ વણી લેવામાં આવ્યાં છે.
આમ, નવી શિક્ષણ નીતિમાં કૌશલ્યવર્ધન પર ભાર આપવામાં આવ્યો છે. જેથી બેરોજગારીની સમસ્યા પણ હલ થશે. ઉપરાંત ભારત વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધશે.
નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓમાં દક્ષતા કેળવાય અને અનુભવ આધારિત શિક્ષણ મળે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઉપરાંત વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ શિક્ષણ મેળવી શકશે.
હાલમાં નવી શિક્ષણ નીતિને કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયમાં લાગુ કરવામાં આવી છે. જેને તબક્કાવાર રાજ્યસ્તરે પણ લાગુ કરવામાં આવશે. જો કે, નવી શિક્ષણ નીતિની અમુક બાબતોની અમલવારી થઈ ચૂકી છે. તેમ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓને જાણકારી આપતા શ્રી આર.કે સિંહ, ADE દીવ તેમજ કેન્દ્રીય વિદ્યાલયના પ્રભારી આચાર્ય શ્રી પ્રવીણ કુમાર મુરડીયા અને નવોદય વિદ્યાલયના આચાર્ય શ્રી પ્રશાંત એ ઉમેર્યું હતું.
CB/GP/VL
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1943530)
Visitor Counter : 192