રેલવે મંત્રાલય
નડિયાદ સ્ટેશન મેનેજરની પ્રશંસનીય માનવીય પહેલ
શતાબ્દી એક્સપ્રેસમાં બેભાન મહિલા યાત્રીને એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ મોકલી
હોસ્પિટલમાં મહિલાએ સ્વસ્થ શિશુને જન્મ આપ્યો બંનેની સ્થિતિ સારી
પરિવારે આભાર વ્યક્ત કર્યો
Posted On:
22 JUL 2023 5:59PM by PIB Ahmedabad
તા. 21 જુલાઇએ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસમાં એક્ઝીક્યુટિવ ક્લાસમાં સફર કરી રહેલા એક પરિવારની મહિલા અચાનક બેભાન થઇ ગઇ. ગભરાયેલા યાત્રીઓએ તાત્કાલિક રેલવે ચેકિંગ સ્ટાફને જાણ કરી, જેથી કંટ્રોલ દ્વારા નડિયાદ સ્ટેશન મેનેજર શ્રી રાકેશ મિત્તલે બીમાર મહિલાને તરત તબીબી મદદ મળી રહે એ માટે સૂચનાઓ આપી. નડિયાદ સ્ટેશને ટ્રેન પહોંચતાં પહેલાં શ્રી મિત્તલે અગાઉથી તૈયાર રાખેલી એમ્બ્યુલન્સમાં મહિલાને હોસ્પિટલે પહોંચાડવામાં આવી, જ્યાં સારવાર મળતાં મહિલાને ભાન આવ્યું અને સાંજના એણે એક સ્વસ્થ શિશુને જન્મ આપ્યો.
રેલવે સત્તાધિકારીઓની આવી ત્વરિત કામગીરી અને માનવતાવાદી પહેલથી યાત્રી પરિવાર આનંદમાં આવી ગયો અને તેમણે રેલવેનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો.
મંડળ રેલ મેનેજર શ્રી જીતેન્દ્ર સિંહે સ્ટેશન મેનેજર શ્રી રાકેશ મિત્તલની તાત્કાલિક કામગીરીની પ્રશંસા કરતાં તેમને પુરસ્કાર પ્રદાન કરવાની જાહેરાત કરી. શ્રી મિત્તલે આ પહેલાં પણ એક યાત્રીને નડિયાદ સ્ટેશને સીપીઆર આપી એને પુન:જીવન આપ્યું હતું. મળતાવડા સ્વભાવના કર્મશીલ શ્રી મિત્તલ માનવસેવાના કાર્યો માટે કાયમ તૈયાર રહે છે.
YP/GP/JD
(Release ID: 1941729)
Visitor Counter : 113