નાણા મંત્રાલય
વડોદરામાં કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં 169 યુવાઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું
સરકારી વિભાગના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ એન્ડ કસ્ટમ,ભારતીય ખાદ્ય નિગમ, ભારત સરકારની નાણાકીય સેવા આપતી બેંકો એસબીઆઈ, બીઓઆઈ અને એલાઈસીમાં યુવાઓને રોજગારી આપવામાં આવી
Posted On:
22 JUL 2023 1:39PM by PIB Ahmedabad
દેશભરના યુવાઓને રોજગારી આપવાના આશયથી શરૂ કરાયેલ રોજગારમેળાની સાતમી કડી આજે દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાઈ હતી. જે અંતર્ગત વડોદરાના એફજીઆઈ સભાગૃહ ખાતે રોજગારી પત્રો વિતરણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં કેન્દ્રીય કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ રાજ્ય કક્ષાના મંત્રી પુરુષત્તોમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સાંસદ રંજનબેન ભટ્ટ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડીયા, મનીષાબેન વકીલ, જીએસટી પ્રેમકુમાર વર્મા ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરામાં યોજયેલ સાતમા રોજગાર મેળાનું કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને કૃષિ રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના મહાનુભાવોએ દીપ પ્રકટાવીને પ્રારંભ કરાવ્યો હતો. રોજગાર મેળાની સાતમી કડીમાં ભારત સરકાર હેઠળ જુનિયર એન્જિનિયર્સ, લોકો પાઇલટ્સ, ટેકનિશિયન, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, ગ્રામીણ ડાક સેવક, આવકવેરા નિરીક્ષક, શિક્ષક, નર્સ, ડૉક્ટર, સામાજિક સુરક્ષા અધિકારી, MTS, અન્ય વિવિધ હોદ્દા/પોસ્ટ પર યુવાઓને રોજગારી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું. વડોદરામાં સરકારી વિભાગના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્સ એન્ડ કસ્ટમમાં 99, પોસ્ટમાં 3,ભારતીય ખાદ્ય નિગમમાં 2, ભારત સરકારની નાણાકીય સેવા આપતી બેંકો એસબીઆઈમાં 10,બીઓઆઈમાં 4, એલાઈસીમાં 50 મળી કુલ169 ઉમેદવારોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રોજગારી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં નિમણુંક પામેલ ઉમેદવારોને શુભેચ્છા આપી હતી. ઉમેદવારોને જણાવ્યું હતું કે જે પદ પર કામ કરવા મળે ત્યાં ખંત અને મહેનતથી રાષ્ટ્ર સેવા કરવી. ઉપરાંત લોકોની સેવા કરવા અને દેશને આગળ વધારવા માટે પ્રેરિત કર્યા હતા. રોજગારી મેળવતા ઉમેદવારોને સંસ્થા , રાજ્ય અને ભારતના વિકાસમાં પોતાનું યોગદાન આપવા જણાવ્યું હતું.
તેમણે રોજગારી મેળવવાવા માંગતા ઉમેદવારોની મુશ્કેલીઓ અને વ્યથા વર્ણવી હતી, તેમજ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ નોકરી મેળવવા માગતા ઉમેદવારોની વ્યથાને ઓળખીને આ રોજગાર મેળા યોજીને તેમને સરકારી નોકરી આપવા માટે આયોજન કર્યું છે. તેમણે નોકરી મેળવવા માંગતા યુવા ધનને નોકરી માટે કરવી દોડધામમાંથી રાહત કરી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં 2014માં એક હજાર જેટલા સ્ટાર્ટ અપ કાર્યરત હતા જ્યારે આજે મેક ઇન ઇન્ડિયાને ઉજાગર કરતા એક લાખથી વધુ સ્ટાર્ટ અપ ભારતમાં છે જેને પગલે રોજગારીની વધુ તકો ઉભી થઇ છે અને યુવાનોને રોજગારી મળી રહી છે. એક સમયે વિદેશથી મોંઘા મોબાઈલ ભારતમાં આવતા હતા. કોરોના કાળ બાદ અને વિશ્વમાં રશિયા અને યુક્રેન યુદ્ધની પરિસ્થિતિમાં ભારતની ઇકોનોમી આજે વિશ્વમાં 5મા ક્રમે છે. ભારતે 2023માં 9 મિલિયન ડોલરના મોબાઈલ વિશ્વમાં વેચ્યા છે. તેમજ અન્ય ઉત્પાદનો વિશ્વના બજારમાં વેચી રહ્યા છે. ભારત સરકાર દ્વારા વર્તમાન સમયની માગ મુજબ યુવાનોને કૌશલ્ય વર્ધક તાલીમ આપવામાં આવી રહી છે. તેમજ રોજગારી મેળવનાર ઉમેદવારોને કર્મયોગી પોર્ટલ દ્વારા તેમના ક્ષેત્રમાં કામ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે.
YP/GP/NP
(Release ID: 1941673)
Visitor Counter : 143