નાણા મંત્રાલય

ભારતની જી20ની અધ્યક્ષતા હેઠળ જી20નાં સભ્ય દેશોનાં નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નર્સની ત્રીજી બેઠક (FMCBG) ગુજરાતનાં ગાંધીનગરમાં 17-18 જુલાઈ, 2023નાં રોજ યોજાઈ

Posted On: 18 JUL 2023 7:40PM by PIB Ahmedabad
  1. ભારતની અધ્યક્ષતા હેઠળ જી20 ફાઇનાન્સ મિનિસ્ટર્સ એન્ડ સેન્ટ્રલ બેંક ગવર્નર્સ (FMCBG જી20ની સભ્ય દેશોનાં નાણાં મંત્રીઓ અને કેન્દ્રીય બેંકોના ગવર્નર્સ)ની ત્રીજી બેઠક ગુજરાતનાં ગાંધીનગરમાં 17 અને 17 જુલાઈ, 2023ના રોજ યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા સંયુક્તપણે માનનીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શ્રી શક્તિકાંત દાસ હેઠળ યોજાઈ હતી. બેઠકમાં જી20 સભ્ય દેશો, આમંત્રિત દેશોના નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નર્સ તથા વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ (IOs)ના વડાઓ સહિત 500થી વધારે પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. FMCBG બેઠક અગાઉ ગુજરાતનાં ગાંધીનગરમાં 14 અને 15 જુલાઈ, 2023 દરમિયાન જી20 ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ  (FCBD)ની ત્રીજી બેઠક યોજાઈ હતી.

 

  1. ભારતની અધ્યક્ષતાની એક પૃથ્વી, એક પરિવાર, એકસમાન ભવિષ્યની થીમ અંતર્ગત જી20નાં સભ્ય દેશોનાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકોના ગવર્નર્સે નાગરિકો અને પૃથ્વીની સુખાકારીને પ્રાથમિકતા આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક સાથસહકાર વધારવા, તમામ માટે વૈશ્વિક વિકાસને મજબૂત કરવા અને વૈશ્વિક અર્થતંત્રને સ્ટ્રોંગ, સસ્ટેઇનેબ્લ, બેલેન્સ્ડ એન્ડ ઇન્ક્લૂઝિવ ગ્રોથ (SSBIG ઊંચી, સતત, સંતુલિત અને સર્વસમાવેશક વૃદ્ધિ) તરફ અગ્રેસર કરવાની પ્રતિબદ્ધતા રજૂ કરી હતી.

 

  1. આ બેઠકનું આયોજન પાંચ થીમેટિક સત્રોમાં થયું હતું, જેમાં વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક સ્વાસ્થ્ય, સતત ધિરાણ અને માળખાગત સુવિધા, આંતરરાષ્ટ્રીય ધિરાણનું માળખું, આંતરરાષ્ટ્રીય કરવેરા તથા ધિરાણ ક્ષેત્ર અને ધિરાણની સર્વસમાવેશકતાના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાં હતાં.

 

  1. માનનીય નાણાં મંત્રીએ તેમના સ્વાગત સંબોધનમાં વૈશ્વિક અર્થતંત્રને ઊંચી, સતત, સંતુલિત અને સર્વસમાવેશક વૃદ્ધિ તરફ દોરી જવા જી20ની સહિયારી જવાબદારનો પુનરોચ્ચાર કર્યો હતો. આ બેઠકમાં વર્ષ 2023 માટે જી20ની ભારતીય અધ્યક્ષતા અંતર્ગત ફાઇનાન્સ ટ્રેકના ચાવીરૂપ પરિબળો અંગે ચર્ચા થઈ હતી. ભારતીય અધ્યક્ષતાને એજન્ડામાં સામેલ તમામ બાબતો પર બહોળો ટેકો મળ્યો હતો.

 

  1. સભ્યોએ વૈશ્વિક આર્થિક દ્રષ્ટિકોણ અને જોખમોની ચર્ચા કરી હતી, જેમાં ખાદ્ય અને ઊર્જાની અસુરક્ષાની તેમજ આબોહવાના પરિવર્તનની બૃહદ્ આર્થિક અસરોનો મુદ્દો સામેલ હતો. સભ્યોએ આબોહવામાં પરિવર્તન અને બદલાઈ રહેલાં સ્થિતિસંજોગો કે માર્ગોમાંથી આકાર લઈ રહેલાં બૃહદ્ આર્થિક જોખમો પર જી20ના અહેવાલને સ્વીકાર્યો હતો.

 

  1. 21મી સદીના વૈશ્વિક પડકારોનું સમાધાન કરલા મલ્ટિલેટરલ ડેવલપમેન્ટ બેંક્સ (MDBs – બહુરાષ્ટ્રીય વિકાસ બેંકો)ને મજબૂત કરવા પ્રાથમિકતા આપવાની કામગીરી અંતર્ગત સભ્ય દેશોએ MDBની ઇકોસિસ્ટમને મજબૂત કરવાની અને તેમાં પરિવર્તન કરવાની તાતી જરૂરિયાતને વ્યક્ત કરી હતી. સભ્યોએ ચાલુ વર્ષની શરૂઆતમાં ભારતીય અધ્યક્ષતા દ્વારા MDBsને મજબૂત કરવા પર રચાયેલા જી20નાં સ્વતંત્ર નિષ્ણાત જૂથનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ નિષ્ણાત જૂથે રિપોર્ટનો વોલ્યુમ 1 તૈયાર કર્યો છે અને વોલ્યુમ 2 ઓક્ટોબર, 2023 સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે. વોલ્યુમ 1ની ભલામણોનો ઉલ્લેખ કરીને સભ્યોએ જણાવ્યું હતું કે, MDBs તેમની અસરકારકતાઓ વદારવા આ ભલામણોની ચર્ચા કરવાનું પસંદ કરી શકે છે. એક ઉચ્ચ-સ્તરીય સેમિનાર ઓક્ટોબર, 2023માં FMCBGની ચોથી બેઠખની સાથે સાથે યોજાશે, જેમાં MDBsની ધિરાણક્ષમતા વધારવા પર ચર્ચા થશે. જી20ના સભ્ય દેશોએ MDBsની મૂડી પૂર્તતાના માળખાગત કાર્યો (CAF) માટે જી20ની સ્વતંત્ર સમીક્ષાની ભલામણોનો અમલ માટેની રૂપરેખાનો સ્વીકાર પણ કર્યો હતો. આ રૂપરેખા MDBsમાં ધિરાણ કરવા માટે વધારે સ્તોત્રો ખોલવામાં મદદરૂપ થશે.

 

  1. વર્ષ 2023 માટે વૈશ્વિક ડેટના જોખમની જવાબદારીઓનું વ્યવસ્થાપન પ્રાથમિકતા ધરાવતું મહત્વપૂર્ણ ક્ષેત્ર છે, જે ગ્લોબલ સાઉથની ચિંતાઓ રજૂ કરવા માટે ભારતીય અધ્યક્ષતાના પ્રયાસને પ્રતિબિંબિત કરે છે. જી20ના સભ્ય દેશો ડેટની વધુને વધુ નબળી થતી સ્થિતિનું અસરકારક રીતે સમાધાન કરવા અને દેવામાં દબાયેલા દેશો માટે સંકલિત રીતે ઋણની વ્યવસ્થાની સુવિધા માટે બહુપક્ષીય સંકલનને કેવી રીતે મજબૂત કરવું એના પર સક્રિયપણે ચર્ચા કરી રહ્યાં છે.

જી20નાં સભ્ય દેશોએ સામાન્ય માળખાગત કાર્ય અંતર્ગત ઋણની વ્યવસ્થા કરવાના હાલનાં વિવિધ કિસ્સાઓ પર હાંસલ થયેલી પ્રગતિને આવકારી હતી તથા આ કેસોનું ઝડપી અને સમયસર સમાધાન કરવા અપીલ કરી હતી. તેમણે અસરકારક, સંપૂર્ણ અને વ્યવસ્થિત રીતે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ઋણનાં જોખમોનું સમાધાન કરવાનાં મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. જી20એ ઋણની અસરકારક રીતે વ્યવસ્થા કરવાની સુવિધા માટે ચાવીરૂપ હિતધારકો વચ્ચે સંચારને વધારવા ગ્લોબલ સોવેરિયન ડેટ રાઉન્ડટેબલ (GSDR)ના પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું હતું. GSDRની અધ્યક્ષતા ભારત, IMF અને વિશ્વ બેંક કરે છે.

  1. ભારતીય અધ્યક્ષતાએ જી20ની ચર્ચાવિચારણાઓમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) એજન્ડાને પણ સ્થાન આપ્યું છે. સભ્યોએ ઝડપથી આગેકૂચ કરતી ધિરાણ સર્વસમાવેશકતા અને ઉત્પાદકતાના લાભોમાં DPIની પરિવર્તનકારક ભૂમિકાને સ્વીકારી હતી. મંત્રીઓ અને ગવર્નરોએ સીમાડાનાં વ્યક્તિ સુધી ધિરાણ કે નાણાકીય સર્વસમાવેશકતાની પ્રક્રિયાને વેગ આપવા DPIsના ઉપયોગમાં ભારતનાં પથપ્રદર્શક પ્રયાસોની પ્રશંસા કરી હતી. જ્યારે DPIsનો ઉપયોગ દેશોને આ કામગીરીને વેગ આપવામાં હરણફાળ ભરવા દેશોને મદદ કરી શકે છે એ બાબત નોંધવામાં આવી છે, ત્યારે સભ્ય દેશોએ ભારતની અધ્યક્ષતા અંતર્ગત વિકસાવવામાં આવેલી ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે ઝડપથી અગ્રેસર નાણાકીય સર્વસમાવેશકતા અને ઉત્પાદકતાનાં ફાયદા માટે જી20ની નીતિગત ભલામણો સર્વસંમતિ સાથે સ્વીકારી હતી. આ નીતિગત ભલામણો જી20 અને જી20ના સભ્ય ન હોય એવા એમ બંને પ્રકારનાં દેશોને તેમની વિકાસલક્ષી પ્રક્રિયાઓને ઝડપથી વેગ આપવા તથા ઊંચી અને સર્વસમાવેશક વૃદ્ધિ હાંસલ કરવા DPIનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપવા માટે મહત્વપૂર્ણ માધ્યમ બનશે. જી20 FMCBGsએ જી20નો નવો 2023 ફાઇનાન્શિયલ ઇન્ક્લૂઝન એક્શન પ્લાન (FIAP નાણાકીય સર્વસમાવેશકતા કાર્ય યોજના)ને ત્રણ વર્ષ 2024થી 2026 માટે સ્વીકાર્યો હતો, FIAP જી20 અને એ સિવાયના દેશોમાં DPI સહિત ટેકનોલોજીકલ, નવીનતાઓ અને ડિજિટલ માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત કામગીરીનાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યક્તિઓ અને MSMEsની નાણાકીય સર્વસમાવેશકતાને ઝડપથી આગળ વધારવા માટે કાર્યલક્ષી અને ભવિષ્યલક્ષી રૂપરેખા પ્રદાન કરે છે. ઉપરાંત ભારતની નિમણૂક GPFI ના સહ-અધ્યક્ષો પૈકીના એક તરીકે થઈ છે અને સહ-અધ્યક્ષ તરીકે પોતાની ક્ષમતામાં ભારત વર્ષ 2024થી શરૂ થતા આગામી ત્રણ વર્ષ માટે નવા FIAPનું નેતૃત્વ કરશે અને એનો અમલ કરશે.
  2. ભારતીય અધ્યક્ષતાએ નાણાકીય વ્યવસ્થાની સ્થિરતાની ચિંતાઓ સાથે ક્રિપ્ટો એસેટ્સની બૃહદ્ નાણાકીય સ્થિતિ પર અસરોનો વિચાર કરવાની જરૂરિયાતને પ્રાથમિકતા આપી છે. ભારતની અધ્યક્ષતાએ ક્રિપ્ટો એસેટ્સના એજન્ડા પર ગ્લોબલ સાઉથની ચોક્કસ ચિંતાઓને પ્રસ્તુત કરવા પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેનાં પરિણામે IMFએ ફેબ્રુઆરીમાં જી20ની બીજી FMCBG બેઠકમાં બૃહદ નાણાકીય અસરો પર એક પેપર કે અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ (FSB – નાણાકીય સ્થિરતા મંડળ)એ પણ એના આગામી અહેવાલો અને ચર્ચાવિચારણાઓમાં EMDE ચિંતાઓ પર વિભાગો સામેલ કર્યા છે. આ પ્રક્રિયાને જાળવી રાખીને જુલાઈમાં જી20ના સભ્ય દેશોએ ક્રિપ્ટો એસેટ્સની પ્રવૃત્તિઓ અને વૈશ્વિક સ્થિર કોઇન વ્યવસ્થાઓ પર FSBની ઉચ્ચ-સ્તરીય ભલામણોને આવકારી હતી.
  3. જ્યારે સિન્થેસિસની તૈયારીના કામ પર પેપરની કામગીરી ચાલી રહી છે, ત્યારે ભારતીય અધ્યક્ષતાએ ક્રિપ્ટો એસેટ્સ પર રૂપરેખા માટે મહત્વપૂર્ણ ઉપયોગી જાણકારીઓ આપતી પ્રેસિડેન્સી નોટ જી20ના સભ્યો સમક્ષ રજૂ કરી છે. સિન્થેસિસ પેપરમાં સામેલ હશે એ રૂપરેખા મની લોન્ડરિંગ અને આતંકવાદને પોષણ આપતા નાણાકીય જોખમો જેવી સમસ્યાઓનું સમાધાન કરવા વિકાસશીલ બજાર અને વિકસિત અર્થતંત્રો (EMDEs) અને FATFનાં હાલ અમલ થઈ રહેલા ધારાધોરણોના સંબંધમાં તમામ પ્રકારનાં જોખમો અને ચોક્કસ જોખમોને ધ્યાનમાં લઈને સંકલિત અને સંપૂર્ણ નીતિગત અને નિયમનકારક માળખાગત કાર્યને ટેકો આપશે.  હવે જી20 સપ્ટેમ્બર, 2023માં નેતાઓનાં શિખર સંમેલન અગાઉ રૂપરેખા સાથે IMF-FSB સિન્થેસિસ પેપરને મેળવવા આતુર છે.

  1. ક્રિપ્ટો એસેટ્સ સાથે સંબંધિત હાલ ચાલુ નીતિગત કામગીરીને વધારે બહોળી બનાવવા ક્રિપ્ટો એસેટ્સ પર નીતિગત સંવાદો નામની રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન ગાંધીનગરમાં FMCBGની ત્રીજી બેઠકની સાથે સાથે થયું હતું. રાઉન્ડ ટેબલ સત્રનો ઉદ્દેશ ઉદાર અને સ્પષ્ટ રીતે ક્રિપ્ટો એસેટ્સ સાથે સંબંધિત કેટલાંક મુખ્ય પ્રશ્રો પર ચર્ચા અને વિચારણા કરવાનો હતો. મને તમને એ જણાવતાં આનંદ થાય છે કે, આ સત્રમાં નાણાં મંત્રીઓ, ગવર્નર્સ તથા IMF, FSB,  અને  FATFનાં વડાઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી – આ સંસ્થાઓ એવી છે, જે ક્રિપ્ટો એસેટ સિસ્ટમ પર હાલ ચાલી રહેલી કામગીરીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. રાઉન્ડ ટેબલમાં પ્રાપ્ત થયેલા અભિપ્રાયોની ચર્ચા સિન્થેસિસ પેપરમાં મહત્વપૂર્ણ ઉપયોગી જાણકારી પ્રદાન કરશે.
  2. ભારતની જી20ની અધ્યક્ષતાએ આબોહવાલક્ષી ધિરાણના મુદ્દાને ચર્ચા માટે પણ મોખરાનું સ્થાન આપ્યું છે. સભ્ય દેશોએ સસ્ટેઇનેબ્લ ફાઇનાન્સ વર્કિંગ ગ્રૂપ દ્વારા તૈયાર કરેલાં આબોહવાલક્ષી ધિરાણ માટે સંસાધનોને સમયસર ટેકો અને પર્યાપ્ત વેગ આપવાની વ્યવસ્થાઓ પર ભલામણનો આવકારી હતી. સતત ધિરાણને વધારવાની કટિબદ્ધતા સાથે સભ્ય દેશોએ SDG-સુસંગત ધિરાણ માટે એનાલીટિકલ ફ્રેમવર્કને પણ આવકાર આપ્યો હતો.

 

  1. સભ્ય દેશોએ મહામારીને અટકાવવા, એનો સામનો કરવાની સજ્જતા તથા નાણાં અને આરોગ્ય મંત્રાલયો વચ્ચે જોડાણ વધારીને કામગીરી કરવામાં ભવિષ્યલક્ષી વૈશ્વિક પ્રયાસોને વેગ આપવાની ચર્ચા પણ કરી હતી. જ્યારે સભ્યોએ મહામારીઓમાંથી પેદા થતી આર્થિક નબળી સ્થિતિઓ અને જોખમો (FEVR) પર માળખાગત કાર્યની ચર્ચાને આવકારી હતી, ત્યારે ચોક્કસ દેશના સ્થિતિસંજોગોને ધ્યાનમાં લેવાની ભલામણ સ્વીકારી હતી.

 

  1. માળખાગત સુવિધાનાં એજન્ડા પર સભ્યોએ ભારતીય અધ્યક્ષતાની ભવિષ્યનાં શહેરોને ધિરાણ આપવાની પ્રાથમિકતા અંતર્ગત કામગીરી માટે બહોળો ટેકો આપ્યો હતો. ભારતીય અધ્યક્ષતાએ તૈયાર કરેલા સિદ્ધાંતો શહેરોને કસ્ટમાઇઝ નીતિઓ વિકસાવવા સક્ષમ બનાવશે, જે ધિરાણના વૈકલ્પિક સંસાધનોને પ્રોત્સાહન આપશે અ આપણાં શહેરોમાં માળખાગત ધિરાણમાં ફરકને દૂર કરવા સરકારી-ખાનગી જોડાણને વધારશે.

 

  1. ભવિષ્યનાં શહેરો માટે ફંડિંગ અને ધિરાણની વ્યવસ્થાઓનાં ઉપયોગ તથા અભિગમો પર જી20 ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ સંવાદ પણ 16 જુલાઈ, 2023નાં રોજ યોજાયો હતો. પેનલ ચર્ચાઓમાં આબોહવા સામે ટકી શકે એવા મજબૂત અને પર્યાવરણને અનુકૂળ શહેરી માળખાગત સુવિધાઓ વિકસાવવામાં સરકાર અને MDBs પાસેથી વિવિધ પ્રોજેક્ટને જોખમમુક્ત કરવા, શ્રેષ્ઠ શહેરી આયોજન, મિશ્ર ધિરાણમાં નવીનતાઓ, ટેકનોલોજીકલ નવીનતાઓનો ઉપયોગ, ક્ષમતા નિર્માણ કરવા અને ટેકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વિવિધ દેશોના વ્યવહારિક અનુભવોમાંથી બોધપાઠો આ પ્રક્રિયાને મોટા પાયે ઉપયોગી પુરવાર થશે.
  2. કરવેરાનાં એજન્ડા પર સભ્યોએ બે-આધારસ્તંભ ધરાવતા આંતરરાષ્ટ્રીય કરવેરા પેકેજના સંબંધમાં મહત્વપૂર્ણ પ્રગતિની પ્રશંસા કરી હતી અને સંમત સમયમર્યાદા મુજબ, બાકીના કામને અંતિમ સ્વરૂપ આપવા અપીલ કરી હતી. સભ્યોએ વિકસિત દેશો માટે વધારાનો ટેકો અને ટેકનિકલ સહાય આપવા માટેની એક યોજનાને આવકારી હતી તથા એ સુનિશ્ચિત કરવા ચર્ચા કરી હતી કે, કરવેરાની પારદર્શકતા વધારવા માટે જી20ના પ્રયાસો અસરકારક પરિણામો આપે.
  1. સભ્યોએ નોંધ્યું હતું કે, મોટા પાયે રસ સાથે કરચોરી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ અટકાવવા પર જી20નું ઉચ્ચ-સ્તરીય કરવેરા સિમ્પોઝિયમમાં ચર્ચા થઈ હતી, જેનું આયોજન FMCBGની બેઠકની સાથે સાથે 16 જુલાઈ, 2023ના રોજ ભારતીય અધ્યક્ષતા દ્વારા થયું હતું. તેમાં પેનલિસ્ટો તરીકે FATF અને OECDનાં વડા, અર્થતંત્ર માટે યુરોપિયન કમિશન અને ઇન્ડોનેશિયાનાં નાણાં મંત્રી સામેલ હતા. આ સિમ્પોઝિયમે કરવેરાની ચોરી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો સામનો કરવા જરૂરી બહુપક્ષીય અસરકારક પ્રતિસાદ પર ચર્ચા શરૂ કરી છે. પેનલિસ્ટોએ સ્વીકાર્યું હતું કે, નાણાકીય ગુનાહિત પ્રવૃત્તિઓ જટિલ છે, તમામ આંતરરાષ્ટ્રીય સરહદોમાં થાય છે તથા વિકસિત અને વિકાસશીલ દેશો એમ બંનેની સરકારોને અતિ જરૂરી સંસાધનોથી વંચિત રાખે છે. તેમણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને સ્તરે મહત્તમ સાથસહકાર માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પેનલ ચર્ચામાં એવી વ્યૂહરચનાઓ પર પણ વિચારણા થઈ હતી, જે કરવેરાલક્ષી અપરાધો અને અન્ય નાણાકીય અપરાધો સામેની લડાઈ માટે સંકલિત કામગીરી માટે વિકસાવી શકાશે.

 

  1. માનનીય નાણાં મંત્રીએ FMCBGની બેઠકની સાથે અન્ય દેશોનાં નાણાં મંત્રીઓ સાથે વિવિધ દ્વિપક્ષીય ચર્ચાઓ પણ કરી હતી.

 

  1. પ્રતિનિધિઓને રાત્રિ ભોજ પર સંવાદ માટે આવકાર આપવામાં આવ્યો હતો, જે ગુજરાત સરકાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું, જેમાં સભ્યતાના ઇતિહાસમાં ગુજરાતનું સ્થાન તથા ભારતના વેપાર અને ઉદ્યોગસાહસિકતામાં રાજ્યનાં પ્રદાન વિશે જાણકારી આપવામાં આવી હતી.

 

  1. 19 જુલાઈ, 2023ના રોજ પ્રતિનિધિઓ માટે પર્યટન કાર્યક્રમોનું પણ આયોજન થયું છે. પ્રતિનિધિઓને અડાલજની વાવ, સાબરમતી આશ્રમ, સાબરમતી રિવર ફ્રન્ટ, પાટણ અને મોઢેરાની મુલાકાતો કરાવીને ગુજરાતનો અનુભવ લેવાની તક પ્રદાન કરવામાં આવશે.

 

  1. જી20ની FMCBG ત્રીજી બેઠક જી20 ચેર સમરી એન્ડ આઉટકમ ડોક્યુમેન્ટ સાથે સંપન્ન થઈ હતી, જેમાં 26 ફકરાં અને 2 પરિશિષ્ટો સામેલ છે. અધ્યક્ષનો સાર બેઠક દરમિયાન થયેલી ચર્ચાને પ્રતિબિંબિત કરે છે અને ભારતની જી20ની અધ્યક્ષતાને વર્ષ 2023 માટે પ્રાપ્ત બહોળા સાથસહકાર વિશે જાણકારી આપે છે.

  1. જી20ની FMCBG ત્રીજી બેઠકમાં થયેલી ચર્ચાવિચારણા વિશે સપ્ટેમ્બર, 2023માં ભારતમાં આયોજિત જી20 શિખર સંમલેનમાં નેતાઓને જાણકારી આપવામાં આવશે. જી20ની FMCBGની આગામી બેઠક ઓક્ટોબર, 2023માં યોજાશે, જે IMF/WBG વાર્ષિક બેઠકોની સાથે સાથે મર્રાકેશમાં યોજાશે.
  2. મહાત્મા ગાંધીના ઉપદેશોની યાદ અપાવે એ દ્રષ્ટિકોણ સાથે જી20ના સભ્ય દેશોનાં નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નર્સે એવા ભવિષ્યની કલ્પના કરી છે, જેમાં દરેક દેશનો વિકાસ થશે, સમૃદ્ધિની મોટા પાયે વહેંચણી થશે તથા માનવજાત અને પૃથ્વીની સુખાકારી એકબીજા સાથે વણાઈ જશે.

YP/GP/JD



(Release ID: 1940557) Visitor Counter : 175