વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

G20-એકતાનગર: મિલેટ્સ, ચા-કોફી, મરી-મસાલાના સ્ટોલ્સથી પ્રભાવિત થતા વિદેશી મહેમાનો


એકતાનગર ખાતે G20 બિઝનેસ સમિટના સ્થળે પ્રદર્શનીમાં વિદેશી મહેમાનો સમક્ષ ભારતીય પરંપરાગત આહાર 'શ્રી અન્ન' પ્રસ્તુત કરાયું

'શ્રી અન્ન' બાજરી, જુવાર, રાગી સહિતના ધાન્યમાંથી તૈયાર કરાયેલુ વિશ્વનું પ્રથમ શરબત વિદેશી મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

મિલેટ્સની માંગ યુરોપ, અમેરિકા, જાપાન જેવા દેશોમાં પણ વધી: ભારત દેશના પ્રયાસો પરિણામલક્ષી

ડેલિગેટ્સે માણ્યો ભારતીય ચાનો સ્વાદ : કોઈ પણ પ્રકારના ઇન્ગ્રેડિયન્સ ઉમેર્યા વગર કુદરતી રીતે ફૂલ-સ્પાઇસમાંથી તૈયાર કરેલી ભારતીય ચાની વિવિધ વેરાયટીને પ્રમોટ કરવા G20 એક ઉત્તમ માધ્યમ

Posted On: 12 JUL 2023 3:20PM by PIB Ahmedabad

વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે અંકિત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના પ્રાંગણમાં યોજાયેલી G20 બિઝનેસ સમિટને અનુલક્ષીને ધ ફર્ન હોટલના પ્રાંગણમાં ભારતીય પરંપરાગત આહાર 'શ્રી અન્ન', વિવિધ પ્રકારના મરી-મસાલા સહિત ચા-કોફીના સ્ટોલ્સ ઉભા કરીને વિદેશી ડેલિગેટ્સ સમક્ષ પ્રસ્તુત કરી વિવિધ પ્રકારની 'વાઇડ વેરાયટી' ને વિશ્વના દેશો સુધી પહોંચાડવાનો એક આયોજનબદ્ધ પ્રયાસ 'ઉદ્યોગ મંત્રાલય - ટીમ ગુજરાત' દ્વારા કરવામાં આવ્યું છે.

આ વર્ષે ભારત સહિત સંપૂર્ણ વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આ પ્રદર્શનીમાં એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) દ્વારા ભારતીય પરંપરાગત આહાર 'શ્રી અન્ન' નો સ્ટોલ ઉભો કરાયો હતો. અહીં બાજરી, જુવાર, રાગી સહિતના ધાન્યમાંથી તૈયાર કરાયેલુ વિશ્વનું પ્રથમ શરબત વિદેશી મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ગુજરાત-રાજસ્થાનના APEDAના પ્રાદેશિક પ્રમુખશ્રી ચંદ્રશેખર દુધેજાએ માધ્યમો સાથે સંવાદ કરતા જણાવ્યું કે, થોડાક વર્ષોમાં મોર્ડન ઉત્પાદનોનું પ્રમાણ વધ્યું છે. ભારતીય પરંપરાગત ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી મિલેટ્સને લોકોના ભોજન સુધી પહોંચાડવા અમે કામ કરી રહ્યા છીએ. મિલેટ્સ ભોજનમાં વેલ્યુ એડિશન કરીને સવારના નાસ્તા સ્વરૂપે રવા-ઈડલી-ઢોસા, બિસ્કિટ જેવા ઉત્પાદનો તૈયાર કર્યા છે.

આજે બાળકો બહારની વસ્તુઓ તરફ આકર્ષાય ત્યારે આ સ્નેક્સ એક આદર્શ નાસ્તા તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. મિલેટ્સની માંગ યુરોપ, અમેરિકા, જાપાન જેવા દેશોમાં પણ વધી રહી છે. આ સ્ટોલ્સ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. ભારતના ખેડૂતોમાં પણ આ પ્રકારના ધાન્યની ખેતી કરવા, વધુ ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરવાનો આશય છે. આ પહેલથી ખેડૂતોને મોટું બજાર મળશે.

ઉપરાંત, ઊભા કરાયેલા સ્ટોલમાં ભારતમાં ઉત્પાદિત વિવિધ પ્રકારની ચા-કોફી પણ વિદેશી મહેમાનો માટે નજરાણા સમાન હતી. ડેલિગેટ્સોએ ભારતીય ચાનો સ્વાદ માણી અતિ પ્રસન્ન થયા હતા. ટી બોર્ડ તરફથી ઉભા કરાયેલા આ સ્ટોલના પ્રતિનિધિ સુશ્રી નિમાબેન પટેલ જણાવે છે કે, G20 બિઝનેટ મીટ ખૂબ મહત્વપૂર્ણ મીટ છે જ્યાં ભારતીય ચાની વિવિધ વેરાયટીને પ્રમોટ કરવા આ એક ઉત્તમ માધ્યમ છે. અહીં ડિસ્પ્લે કરાયેલ વિવિધ પ્રકારની ચા કોઈ પણ પ્રકારના ઇન્ગ્રેડિયન્સ ઉમેર્યા વગરનું કુદરતી રીતે ફૂલ-સ્પાઇસમાંથી તૈયાર કરેલા છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમયે ભારત સોને કી ચીડિયા તરીકે વખાણાતો હતો. મરી-મસાલાઓથી ભરપૂર, ભારત એક સમૃદ્ધ દેશ તરીકે પ્રસ્થાપિત થયો હતો. સ્પાઇસીસ બોર્ડ દ્વારા પણ એક સ્ટોલ ઉભો કરાયો હતો. સ્ટોલના પ્રતિનિધિશ્રી રાકેશ પટેલ જણાવે છે કે, અમે વિવિધ સ્પાઇસીસના ઉત્પાદન અને પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરીએ છીએ. દેશના ૬૩ ટકા મસાલાઓનું નિકાસ અન્ય દેશોમાં કરવામાં આવે છે. જેમાં ચીન અને અમેરિકા જેવા દેશોમાં સૌથી વધુ નિકાસ થાય છે.

'વસુધૈવ કુટુંબકમ' ની થીમ સાથે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવશ્રીઓની ઉપસ્થિતિ અને દેશ-વિદેશના ડેલિગેટ્સની હાજરીમાં G20ની 3જી મિટીંગ યોજાઈ રહી છે. ત્યારે આ સ્ટોલ્સ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકલ ફોર વોકલના સૂત્રને ચરીતાર્થ કરતા તેમજ ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ) ના સંકલ્પને પણ આગળ ધપાવવા માટે એક સુંદર પ્લેટફોર્મ સાબિત થયું છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1938921) Visitor Counter : 119