નાણા મંત્રાલય

ભારતના જી-20ના પ્રમુખપદની ઉજવણીના ભાગરૂપ નાણાકીય સાક્ષરતા જાગૃતિ માટે 02 જુલાઈ, 2023 (રવિવાર)ના રોજ વોકેથોન

Posted On: 05 JUL 2023 4:57PM by PIB Ahmedabad

ભારતના જી-20ના અધ્યક્ષપદ હેઠળ અને ગાંધીનગરમાં 14-18 જુલાઈ, 2023ના રોજ યોજાનારી ત્રીજા નાણાં પ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સ (એફસીબીજી) અને નાણાં અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (એફસીબીડી)ની બેઠકોની ઉજવણીના ભાગરૂપ જાગૃતિ અને સહભાગીતા લાવવાના હેતુથી 02 જુલાઈ, 2023ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદ દ્વારા એક લોકભાગીદારી કાર્યક્રમ રૂપે સાબરમતી રિવરફ્રંટ પ્રોમનેડ (પૂર્વ) પર સુભાષ બ્રિજ અને મહાત્મા ગાંધી બ્રિજની વચ્ચે 5 કિલોમિટરના વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રિઝર્વ બેંકના સ્ટાફ સહિત અમદાવાદ સ્થિત વિવિધ કોમર્શિયલ બેંકો, પેમેન્ટ બેંકો, નાણાકીય સંસ્થાઓ અને સામાન્ય જનતાના 350 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં આરબીઆઈના ઓમ્બડ્સમેન શ્રીમતી એન. સારા રાજેન્દ્રકુમારે તમામ સહભાગીઓને આવકાર્યા હતા અને વોકેથોનનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. જનરલ મેનેજરશ્રી અશોક પરીખે બહોળી સંખ્યામાં ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા.

આરબીઆઈના ઓમ્બડ્સમેન શ્રીમતી એન. સારા રાજેન્દ્રકુમાર અને જનરલ મેનેજર શ્રી અશોક પરીખે ફ્લૅગ ઑફ આપી વોકેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું. તમામ સહભાગીઓએ સાબરમતી નદીના કાંઠે વરસાદના સુખદ વાતાવરણનો આનંદ માણતા વોકેથોનમાં ભાગ લીધો હતો. તમામ સહભાગીઓએ લગભગ ૧.૫ કલાકમાં વોકેથોન પૂર્ણ કર્યું. વોકેથોન બાદ, સહભાગીઓએ આરબીઆઈ દ્વારા પ્રદત્ત સ્વાસ્થ્યવર્ધક નાસ્તાની મજા માણી હતી અને નદીના કાંઠે સ્થાપિત સેલ્ફી પોઇન્ટનો પણ લાભ લીધો હતો.

વોકેથોનના સમાપન સમારંભમાં આરબીઆઈ લોકપાલ તથા આરબીઆઈના અન્ય વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વિજેતાઓને મેડલ અને ગિફ્ટ કાર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. વિજેતાઓની પસંદગી કુલ ચાર શ્રેણીમાં કરવામાં આવી હતી: i. 20થી 40 વર્ષની વય જૂથ - મહિલાઓ, ii. 41થી વધુ વય જૂથ - મહિલાઓ, iii. 20થી 40 વર્ષની વય જૂથ - પુરુષો, iv. 41થી વધુ વય જૂથ - પુરુષો. આ ઉપરાંત વોકેથોન પૂર્ણ કરવા બદલ 8 વર્ષની બાળા અને એક દિવ્યાંગ સ્ટાફ મેમ્બરને બે ખાસ ઈનામો પણ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમનું સમાપન તમામ સહભાગીઓ અને કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામ સ્ટાફના સભ્યો પ્રત્યે આભાર દર્શન સાથે કરવામાં આવ્યું હતું. સૌએ ઉત્સાહભેર આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો, કાર્યક્રમને ખૂબ જ પસંદ કર્યો અને આરબીઆઈની ટીમને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.

YP/GP/JD



(Release ID: 1937536) Visitor Counter : 99