સંસ્કૃતિ મંત્રાલય

પ. બંગાળમાં શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે અને ટાગોર, વિવેકાનંદ, વિદ્યાસાગર જેવી પ્રતિભાઓ પુનઃ પેદા થાય એવી શુભેચ્છા: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી


ગાંધીનગર રાજભવનમાં પશ્ચિમ બંગાળના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

Posted On: 20 JUN 2023 8:32PM by PIB Ahmedabad

પશ્ચિમ બંગાળ રાજ્યના સ્થાપના દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બંગાળીઓને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે અને કવિવર રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને રાજા રામમોહનરાય જેવી પ્રતિભાઓ પુનઃ પેદા થાય એવી કામના કરું છું.

ગાંધીનગર રાજભવનમાં પશ્ચિમ બંગાળના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ અને ગુજરાતના કલાકારોએ સંયુક્ત રીતે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં સ્થાયી થયેલા બંગાળી પરિવારો અને ગુજરાતમાં સેવારત બંગાળી પરિવારોએ ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લીધો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 'એક ભારત-શ્રેષ્ઠ ભારત' માટે પ્રયત્નશીલ છે. ભારત જેવા વિશાળ દેશમાં સંસ્કૃતિ, સભ્યતા, ખાન-પાન, બોલી, પહેરવેશમાં ભિન્નતા-વિવિધતા હોવા છતાં ભારતના લોકતંત્રની વિશેષતા છે કે, રાષ્ટ્રના લોકો એકસૂત્રમાં બંધાઈને રહે છે. અનેકતામાં એકતાની ભાવના આપણા માટે ગર્વ અને સૌભાગ્યની વાત છે અને આખી દુનિયા માટે આ પ્રેરણાની વાત છે.

પશ્ચિમ બંગાળનું અતિત કાલીન ગૌરવ ઘણું ઉન્નત છે. પ્રકૃતિની અપાર કૃપા આ પ્રદેશ પર રહી છે. બંગાળના મહાપુરુષોએ સમય સમય પર પોતાની યોગ્યતાનો પરિચય આપીને દેશનું દરેક ક્ષેત્રમાં પથ પ્રદર્શન કર્યું છે. બંગાળની સંસ્કૃતિ અને સભ્યતાએ ભારતીય પરંપરાઓને જીવંત રાખી છે. રવિન્દ્રનાથ ટાગોર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજા રામમોહનરાય, સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષોને આ ભૂમિએ પેદા કર્યા છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવરતજીએ કહ્યું કે, આવા વૈભવથી આકર્ષાઈને વિદેશીઓએ આક્રમણો કર્યા અને આ પ્રદેશનો વિકાસ કરવાને બદલે દોહન કર્યું. એકતા અને સંગઠનના અભાવે પ્રતિભાઓથી પરિપૂર્ણ એવો આ પ્રદેશ દીન-હિન થઈ ગયો. મહાન રાષ્ટ્રભક્ત સપુતોના પ્રયત્નોથી દેશ આઝાદ થયો અને શામાપ્રસાદ મુખર્જી જેવા મહાપુરુષોના પ્રતાપે આજે પશ્ચિમ બંગાળ ભારતનું અભિન્ન અંગ છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પશ્ચિમ બંગાળ અને ગુજરાતના નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે, બંને પ્રદેશોની ઉન્નતિ અને વિકાસ માટે પોતાની જવાબદારી નિભાવીને સંભવતઃ તમામ પ્રયાસ કરીએ. ભારતને સમૃદ્ધ, આત્મનિર્ભર અને સુંદર બનાવીએ.

આ પ્રસંગે પૂર્બાશા કલ્ચરલ એસોસિએશનના ગાયક કલાકારોએ 'ભારોત અમાર ભારોત' સમુહ ગાન પ્રસ્તુત કર્યું હતું. ગુજરાતમાં જ રહેતા બંગાળી પરિવારોએ 'મમો ચિત્તે નીતિ નૃત્યે' ગીત પર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. બંગાળના લોક કલાકારોએ પુરોલીયા છાઉ નૃત્યમાં મહિસાસુર મર્દિનીની રજૂઆત કરી હતી. જ્યારે ગુજરાત અને બંગાળના કલાકારોએ ભેગા મળીને 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ગીત પર નૃત્ય પ્રસ્તુતિ કરી હતી.

આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ શ્રી સી.વી સોમ, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી રાજેશ માંજુ, નિવૃત્ત સનદી અધિકારી અને  પૂર્બાશા કલ્ચરલ એસોસિએશનના પેટ્રન શ્રી સી. આર. બિશ્વાસ, શ્રી પી. એન. રૉય ચૌધરી, બંગાળ કલ્ચરલ એસોસીએશન, અમદાવાદના શ્રી અનિલ મુખર્જી, ઈસ્ટ-વેસ્ટ કલ્ચરલ એસોસિએશન, વડોદરાના શ્રી ઋત્વિક મજમુદાર, શ્રી અભિજીત મુખોપાધ્યાય અને મહેમાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD



(Release ID: 1933775) Visitor Counter : 147