પર્યાવરણ અને વન મંત્રાલય
મિશન લાઇફ - પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી પર લોકભારતી સણોસરા ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ
કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી, સણોસરાનું સંયુકત આયોજન
સ્પર્ધાઓ, વક્તવ્ય અને રોપા વિતરણ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતતા લાવવાનો થયો પ્રયાસ
Posted On:
05 JUN 2023 3:55PM by PIB Ahmedabad
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી, સણોસરાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને મિશન લાઈફ અભિયાન અંતર્ગત લોકભારતી સણોસરા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. લોકભારતી સણોસરાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.અરુણભાઈ દવે, ભાવનગર જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી રિઝવાન ઘાંચી, નાયબ બાગાયત નિયામક શ્રી એમ બી વાઘમશી, નાયબ ખેતીવાડી અધિકારી શ્રી એસ.બી વાઘમશી, આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી જે એન પરમાર, કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી સણોસરાના સિનિયર સાઇન્ટીસ્ટ અને હેડ ડૉ. એન. પી. શુક્લાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીએ વિષયને લઈને જનજાગૃતતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
જાણે કે અજાણે પર્યાવરણને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વગર, પર્યાવરણનું જતન કરીને તેમજ પ્રાકૃતિક સંપત્તિનો વિવેક પૂર્ણ ઉપયોગ કરી કોઈપણ કુદરતી સંપતિનો બગાડ કર્યા વગર પર્યાવરણને અનુકૂળ રહીને જીવન જીવવાની જીવનશૈલી અપનાવી એ જ મિશન લાઈફ અભિયાનનો ઉદ્દેશ્ય હોવાનું જણાવી કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ દેશભરમાં ચાલી રહેલ મિશન લાઈફ અભિયાન અંગે સચોટ જાણકારી પૂરી પાડી હતી. ઉર્જા બચાવો, પાણી બચાવો, સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહો, સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ, ઈ કચરાનો નિકાલ કરો, બગાડ અટકાવવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો એ સાત મહત્વના મુદ્દાઓને લઈને ચાલી રહેલ મિશન લાઈફ અભિયાનમાં દેશનો પ્રત્યેક વ્યક્તિ જોડાય અને આ અભિયાન જન જનનું અભિયાન બને તે માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું હોવાનું તેમણે જણાવ્યું હતું.
ભાવનગર જિલ્લાના કૃષિ વિભાગ સાથેના સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓએ જળ અને જમીનના પ્રદૂષણને અટકાવી પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની જાળવણી સાથે તેમજ વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓનો સ્વીકાર કરી ખેડૂતોને ખેતી કરવા આવવાહન કર્યું હતું. સાથે જ પર્યાવરણની જાળવણીમાં કૃષિક્ષેત્ર સાથે જોડાયેલ ખેડૂત સહિતના તમામ લોકોની મહત્વની ભૂમિકા સાબિત થઈ શકે છે તેમ જણાવી આ વ્યવસાય સાથે જોડાયેલ લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે આગળ આવવા અપીલ કરી હતી.
આપણાથી જ્યાં જેટલું કરી શકીએ તેટલું કરીએ પરંતુ પર્યાવરણની જાળવણી આવશ્ય કરીએ એવું કહી લોકભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.અરુણભાઈ દવે એ પર્યાવરણની જાળવણી કરવાના અનેકવિધ ઉપાયો સૂચવવાની સાથે પ્રત્યેક વ્યક્તિને પર્યાવરણ જાળવણી માટે હંમેશા સજાગ રહેવા અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે આપણી અવિચારી જીવનશૈલીના પરિણામે અનેકવિધ કુદરતી આફતોનો આપણે સામનો કરી રહ્યા છીએ ત્યારે પર્યાવરણનું વિજ્ઞાન આપણે સૌએ સમજવું ખૂબ જરૂરી છે. પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવું, દેશી બીજનો ઉપયોગ કરવો, દેશી પશુધનનો ઉપયોગ કરવો એ વર્તમાન સમયની માંગ બની રહી છે. આ સિવાય જરૂરિયાત કરતા પણ આપણા દ્વારા જે બગાડ થઈ રહ્યો છે તેને અટકાવવો આપણા સૌની ફરજ છે તેવું જણાવી તેઓએ સૌને કુદરતી સંપત્તિઓના ઉચિત અને સુચારું ઉપયોગ કરવા અંગે અપીલ કરી હતી.
કાર્યક્રમના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા તેમજ પોસ્ટર સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોસાહિત કરવામાં આવ્યા હતા. પર્યાવરણ અંગે જાગૃતતા કેળવવા અને સૌ કોઈ આંગણામાં એક વૃક્ષ વાવે તે સંકલ્પને સાકાર કરવા રોપા વિતરણ કરવામાં આવ્યું હતું.ભાવનગર જિલ્લાના કૃષિ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવેલ વિભિન્ન તાલીમના તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોસાહિત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમના અંતે મિશન લાઈફ પર્યાવરણને અનુકૂળ જીવન શૈલી અપનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં લોકભારતી સંસ્થાના યુવા વિદ્યાર્થીઓ તેમજ ભાવનગર અને બોટાદ જિલ્લાના ખેડૂતો અને નગરજનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
YP/DT/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1929933)
Visitor Counter : 427